Gujarati Video રાજકોટ ભાજપમાં કવિતા સ્વરૂપે બહાર આવ્યો આંતરિક જૂથવાદ, જી હજુરી અને સગાવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ
Rajkot: રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ પર ફરી સપાટી પર આવ્યો છે. શહેર ભાજપમાં ક્યાંકને ક્યાંક અસંતોષની સ્થિતિ છે અને એ અસંતોષ હવે બળવા સ્વરૂપે ખુલીને બહાર આવી રહ્યો છે. હાલ જ્યારે મહાનગરપાલિકામાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતનાની નિમણુક થવાની છે ત્યારે શહેર ભાજપનો જૂથવાદ ખૂલીને સામે આવી રહ્યો છે.
Rajkot: પહેલા પત્રિકા અને હવે કવિતા. રાજકોટ ભાજપમાં પ્રવર્તી રહેલો આંતરિક જૂથવાદ અને કકળાટ હવે વિવિધ સ્વરૂપે બહાર આવતા ભાજપના નેતાઓની ચિંતા વધી છે. જ્યાં મનપામાં નવા પદાધિકારીઓની વરણી પહેલા જ ભાજપમાં ચાલતો આંતરિક અસંતોષ કવિતા સ્વરૂપે બહાર આવતા હડકંપ મચ્યો છે. સોશિયલ મીડિયા ગૃપમાં એક કવિતા ફરતી થઇ છે. જેમાં રાજકોટ શહેર ભાજપમાં પ્રવર્તી રહેલા અસંતોષને લઇને બળાપો ઠાલવવામાં આવ્યો છે.
કવિતામાં શહેરના રાજકારણમાં જેમનો પ્રભાવ વધ્યો છે તેઓ સંગઠન ચલાવતા હોવાનો આક્રોશ વ્યક્ત કરાયો છે. સાથે જ જી હજુરિયાઓ અને સગાંવાદને પ્રોત્સાહન અપાતું હોવાનો પણ ઉલ્લેખ છે. કવિતામાં ભાજપના પાયાના પથ્થરો એવા શ્યામાપ્રસાદ મુખર્જી અને દિનદયાળ ઉપાધ્યાયના સિદ્ધાંતો ગુમ થયાનો પણ વસવસો વ્યક્ત કરવામાં આવ્યો છે. શિક્ષણ સમિતિના વિવાદનો પણ કવિતામાં ઉલ્લેખ છે. શિક્ષણ સમિતિમાં હતા તો ભ્રષ્ટાચારી હતા અને હવે સંગઠનમાં આવ્યા તો સ્વચ્છ થઇ ગયા તેવા ચાબખાં પણ કવિતા સ્વરૂપે ફટકારવામાં આવ્યા છે. મનપામાં નવા પદાધિકારીઓની વરણીમાં પણ સગાંવાદ ચાલશે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. ખુદ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સ્વીકારે છે કે કોઇ કાર્યકર્તાની લાગણી દુભાઇ હશે એટલે તેમણે આ કવિતા લખી હશે.
શહેર ભાજપ સંગઠનમાં વિજય રૂપાણી જૂથના કાર્યકરોની બાદબાકી
રાજકોટ ભાજપમાં આંતરકિ જૂથવાદ એ સમયે સામે આવ્યો છે જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની નિમણુક ટૂંક સમયમાં જ થવા જઈ રહી છે. તેને લઈને જ આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે. એક કાર્યકર્તા દ્વારા સોશિયલ મીડિયામાં જે રીતે પોસ્ટ મુકવામાં આવી છે, જે રીતે કવિતા વાયરલ કરવામાં આવી છે. તેમા કેટલીક બાબતોને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમા જે નેતાનું શાસન ચાલતુ હોય, જે નેતાની ઉપર સુધી પહોંચ હોય તે નેતાના આગળપાછળ ફરતા લોકોને જ પદ અને મહત્વના હોદ્દા મળે છે. રાજકોટ શહેરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ્યારે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ રાજકોટ શહેર ભાજપના બે જૂથ છે આમને સામને આવ્યા છે. તાજેતરમાં જ રાજકોટ શહેર ભાજપનું સંગઠન થયુ તેમા વિજય રૂપાણી જૂથના કાર્યકરોની બાદબાકી થઈ હોય તેવુ સ્પષ્ટપણે લાગી રહ્યુ છે. એ પ્રકારનો ઉલ્લેખ વાયરલ કરાયેલી આ કવિતામાં પણ કરવામાં આવ્યો છે.
જી હજુરી અને ચાપલુસી કરનારાને હોદ્દા મળતા હોવાનો કવિતામાં ઉલ્લેખ
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે તેમની નજીકના લોકો હતા ત્યારે તેમને વ્હાલા થવા માટે લોકો પહોંચતા હતા. અત્યારે વિજય રૂપાણી પદમાં નથી. ત્યારે અન્ય વ્યક્તિઓ સી.આર. પાટીલ જૂથને વ્હાલા થવા માટે પહોંચી જાય છે. વ્હાલા થયેલા લોકો જે નેતાઓની જીહજુરી કરે તે લોકોને જ હોદ્દો મળતો હોવાનો પણ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલાની તેમના દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખના જણાવ્યા મુજબ કોઈ કાર્યકર્તાઓ પોતાનો બળાપો કાઢ્યો છે. તેની ગંભીર પ્રકારની નોંધ તેમને ક્યાંય અન્યાય ન થાય તેવી વાત કરવામાં આવશે. જો કે એક વાત નક્કી છે કે શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં ક્યાંક ને ક્યાંક આંતરિક જૂથવાદની સ્થિતિ છે અને કાર્યકર્તાઓ તેમનો બળાપો ખુલીને બહાર લાવી રહ્યા છે. જો કે કોના દ્વારા આ કવિતા લખવામાં આવી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી પરંતુ પાર્ટી દ્વારા કવિતાની ગંભીર નોંધ લેવામાં આવી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો