Rajkot: લો બોલો, DGના આદેશનો રાજકોટ પોલીસે જ કર્યો ઉલાળિયો, આડેધડ કાર હંકારી અકસ્માત સર્જનાર કારચાલક સામે નક્કર કાર્યવાહી ન કરાતા ઉઠ્યા સવાલ
Rajkot: ટ્રાફિકના નિયમોનુ પોલીસકર્મીઓ પણ સખ્તાઈથી પાલન કરે તેવો રાજ્યના ડીજીપી વિકાસ સહાયનો સ્પષ્ટ આદેશ હોવાછતાં કેટલાક પોલીસકર્મીઓ આદેશને પણ ઘોળીને પી ગયા છે. બેફિકરાઈથી કાર ચલાવનારા સામે કાર્યવાહીના આદેશનો રાજકોટ પોલીસ જ ઉલાળિયો કરતી જોવા મળી છે. માધાપર નજીક આડેધડ કાર હંકારીને અકસ્માત સર્જનાર કારચાલક સામે પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.
Rajkot: અમદાવાદમાં તથ્ય પટેલનો કેસ સામે આવ્યા બાદ રાજ્ય પોલીસ વડાએ રાજ્યના મોટા શહેરોમાં ઓવરસ્પીડથી કાર ચલાવનાર સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. જો કે આ આદેશનો રાજકોટ પોલીસ જ ઉલાળિયો કરતી હોય તેવો ઘાટ ઘડાયો છે. વાત એમ છે કે રાજકોટના માધાપર ચોકડી નજીક ગત સોમવારના રોજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી એક ઇનોવા કાર પુરપાટ ઝડપે આવી હતી.
સ્થાનિકોનું કહેવું હતું કે આ કારની સ્પીડ 110 થી 120 જેટલી હતી. આ કારે એક કાર, સિટી બસ અને એક મોટરસાયકલને અડફેટે લીધા હતા અને તેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. કારની સ્પીડ એટલી હતી કે પુરપાટ ઝડપે આવતી કાર જ્યારે દીવાલ સાથે અથડાઈ ત્યારે તેના બોનેટનો ભુક્કો બોલી ગયો હતો અને એરબેગ પણ ખુલી ગઇ હતી. અકસ્માત સર્જીને આ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. આટલો ઘટના ક્રમ સર્જાયો તેમ છતા રાજકોટ પોલીસે કોઇ કાર્યવાહી કરી નહી. જે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો તેમના દ્રારા કોઇ ફરિયાદ આપવામાં ન આવતા પોલીસે લોકોનો જીવ જોખમાઇ તે રીતે બેફિકરાઇથી કાર ચલાવતા કારચાલકને ક્લિનચીટ આપી દીધી.
ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
આ અકસ્માત સર્જાયો કે તુરંત જ ડ્રાઇવરને તેના પરિચીત લોકો અન્ય કારમાં બેસાડીને રવાના થઇ ગયા. અકસ્માત સ્થળે ઉભેલા સ્થાનિકોએ દાવો કર્યો હતો કે ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં હતો અને તે ઉભો પણ રહી શકતો ન હતો. આ કાર પર ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હતું અને કારમાંથી ઇન્કમટેક્સ વિભાગની નેમપ્લેટ પણ મળી હતી.
બંન્ને પક્ષે સમાધાન કર્યું- ACP પંડ્યા
આ ઘટના અંગે tv9 દ્રારા જ્યારે એસીપી ભાર્ગવ પંડ્યાનો સંપર્ક કર્યો ત્યારે પોલીસે બંન્ને પક્ષે સમાધાન થઇ ગયું હોવાથી કોઇ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે ફરિયાદ આપવી જરૂરી છે અને જે વ્યક્તિને નુકસાન પહોંચ્યું છે અને જે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે તેમના દ્રારા કોઇ ફરિયાદ નહિ આપવામાં આવતા કોઇ કાર્યવાહી ન થઇ હોવાનો દાવો કર્યો હતો. પોલીસનું આ નિવેદન કેટલાક સવાલો ઉભા કરે છે.
1. શું પોલીસ સરકારી કચેરીની કાર હોવાથી કાર્યવાહી કરતી નથી ? 2. શું પોલીસને આ અકસ્માત એક સામાન્ય અકસ્માત લાગી રહ્યો છે ? 3. શું પોલીસે જે ડ્રાઇવરે આ અકસ્માત સર્જ્યો તેની પુછપરછ કરી ખરા ? 4. ડ્રાઇવરે દારૂ પીધો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ હતો ત્યારે તેનો મેડિકલ રિપોર્ટ કર્યો ખરા ? 5. અકસ્માત સર્જાયો ત્યાંથી માત્ર 100 મીટરે ટ્રાફિક પોલીસ પોઇન્ટ છે, ત્યારે ટ્રાફિક પોલીસના ઘ્યાને આ ઓવરસ્પીડ કાર કેમ ન આવી ? 6. લોકોના જીવ જોખમમાં મૂકીને બેફિકકાઇથી કાર ચલાવનાર સામે કાર્યવાહી ન કરીને પોલીસ શું સાબિત કરવા માંગે છે ?
આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે જેના પોલીસ પાસે કોઇ જવાબ નથી.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો