રાજકોટના લોકમેળાને લઈને મોટા સમાચાર, સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી રાઈડ્સ સંચાલકોને આપી કેટલીક છૂટછાટ- Video
છેલ્લા કેટલાય દિવસોથી રાજકોટના લોકમેળાને લઈને મઠાગાંઠની સ્થિતિ ચાલી રહી હતી. જેને લઈને આજે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે મેળાની માર્ગદર્શિકાને લઈને નિયમોમાં થોડા ફેરફાર કર્યા છે અને રાઈડ્સ સંચાલકોની માગણી અનુસાર કેટલીક છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે.
રાજકોટની શાન સમા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાન લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે રાઈડ્સના RCC ફાઉન્ડેશનને લઈને મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે રાઈડ્સની માર્ગદર્શિકામાં જો જરૂર ન હોય તો RCC ફાઉન્ડેશનનો હઠાગ્રહ ન રાખવાની તાકીદ કરી છે. આ સાથે હંગામી લાઈસન્સ મંજૂર કરવાની મુદ્દતમાં પણ ઘટાડો કર્યો છે. હંગામી લાયસન્સની મુદ્દત 60 ના બદલે 30 દિવસ કરવામાં આવી છે. મેળાની SOP માં આ ફેરફાર કરવામાં આવતા રાઈડ્સ સંચાલકો અને રાજકોટ તંત્રના અધિકારીઓ વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલી મડાગાંઠ ઉકેલાઈ છે.
શું હતો વિવાદ?
રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ગત વર્ષથી જ મેળાની માર્ગદર્શિકા વધુ કડક બનાવવામાં આવી હતી અને તેનું કડકાઈ પાલન કરાવવા માટે તંત્ર પણ કોઈ બાંધછોડ કરવાના મૂડમાં ન હતુ.જેને લઈને રાઈડ્સ સંચાલકો પણ તેમની માગ પર અડેલા હતા. રાઈડ્સ સંચાલકોની દલીલ હતી કે મેળામાં ટેમ્પરરી રાઈડ્સ લગાવવાની હોવાથી ફાઉન્ડેશન માટે RCC સ્ટ્રક્ચરની જરૂર હોતી નથી, પરમેનન્ટ સ્ટ્રક્ચરમાં તેની જરૂર હોય છે.. જ્યારે લોકોની સલામતીને ધ્યાને રાખી તંત્ર દ્વારા RCC સ્ટ્રક્ચર પર જ ફાઉન્ડેશનનો આગ્રહ રખાઈ રહ્યો હતો. જેમા આજે રાઈડ્સ સંચાલકોને રાજ્ય સરકારે રાહત આપી છે. રાજ્ય સરકાર દ્વારા SOP માં ફેરફાર કરીને સ્પષ્ટ જણાવાયુ છે કે જો જરૂર ન હોય તો RCC ફાઉન્ડેશનનો આગ્રહ ન રાખવો. આ અંગે સ્થાનિક સ્તરે એન્જિનિયર દ્વારા ચેકિંગ કરીને નિર્ણય લેવામાં આવે અને જો યોગ્ય જણાય તો રાઈડ્સને મંજૂરી આપવા તાકીદ કરાઈ છે.
હંગામી લાઈસન્સને લઈને સમય મર્યાદા ઘટાડાઈ
આ ઉપરાંત, રાઇડ્સ માટે હંગામી લાયસન્સની મુદતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલાં 60 દિવસનું લાયસન્સ મળતું હતું, પરંતુ હવે તે 30 દિવસનું રહેશે. આ નિયમોમાં ફેરફારથી રાઇડ સંચાલકોને મોટી રાહત મળશે અને મેળાનું આયોજન સરળ બનશે. નવો પરિપત્ર આવતાં ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્રભરમાં જે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જે લોકમેળાઓ યોજાય છે તે દરેક રાઇડ્સ ધારકો છે તેને આ નવી એસઓપીથી ફાયદો થશે. મેળામાં રાઈડ્સના નિયમો હળવા કરવા માટે રાઈડ્સ સંચાલકોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જે બાદ ગઈકાલે રાજકોટ શહેરના સત્તાધિશો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી અને મુલાકાતના અંતે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મેળાની નવી SOP
