કાગવડ ખોડલધામના મહાયજ્ઞના યજમાન બન્યા એક સામાન્ય ખેડૂત, જાણો શા માટે તેમને જ આ લ્હાવો મળ્યો
નરેશ પટેલને લાગ્યુ કે આ ખેડૂત ખરેખર માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. જેથી ટ્રસ્ટી મંડળની બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો કે જેમને માતાજી પર આટલી અતૂટ શ્રદ્ધા છે તેવા પરિવારને જ આ લ્હાવો આપવામાં આવે.
ખોડલધામ (Khodaldham) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પાંચ વર્ષ પૂર્ણ થતા આજે પંચવર્ષિય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મહાયજ્ઞ, ધ્વજારોહણ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જે મહાયજ્ઞ (Mahayagna)નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પડધરી તાલુકાના સામાન્ય ખેડૂત (Farmer)ને મુખ્ય યજમાન પદ મળ્યું.
પ્રતિષ્ઠા મહોત્સવ મહાયજ્ઞમાં યજમાન પદ મેળવનાર આ ખેડૂતનું નામ હરિભાઇ કમરશીભાઈ ટીંબાડિયા છે. જેઓ પડધરી તાલુકાના ગઢડા ગામના રહેવાસી છે. હરિભાઈ એક સામાન્ય ખેડૂત છે અને ખેતીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે તેના પત્ની નીમુબેન,દિકરી વંદના અને દિકરા દિવ્યેશ સાથે યગ્નનો લ્હાવો લીધો હતો.
કઇ રીતે બન્યા યજમાન ?
યજ્ઞના મુખ્ય યજમાન અંગે જણાવતા નરેશ પટેલે કહ્યું હતું કે જ્યારે પંચવર્ષિય મહોત્સવને લઈને અલગ અલગ ગામોમાં આમંત્રણ આપી રહ્યો હતો ત્યારે પડધરીના ખામટાં ગામમાં હરિભાઈ મળ્યા હતા. મુલાકાત દરમિયાન હરિભાઇએ કહ્યું હતું કે તેમણે વર્ષ 2011માં મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં જે લાડુનો પ્રસાદ આપવામાં આવ્યો હતો તે લાડુ આજે પણ ઘરના મંદિર પરિસરમાં રાખવામાં આવ્યા છે.
નરેશ પટેલને લાગ્યુ કે આ ખેડૂત ખરેખર માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. જેથી ટ્રસ્ટી મંડળની બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો કે જેમને માતાજી પર આટલી અતૂટ શ્રદ્ધા છે તેવા પરિવારને જ આ લ્હાવો આપવામાં આવે.
ખોડલધામમાં નાના મોટા એક સમાન, હું ભાગ્યશાળી છું-હરિભાઇ
આ અંગે ટીવીનાઈન સાથે વાતચીત કરતા હરિભાઈ ટીંબાડિયાએ કહ્યું હતું કે હું નરેશભાઈનો આભાર માનુ છું કે મારા જેવા નાના ખેડૂતને આ લાભ મળ્યો. ખોડલધામમાં નાના મોટા તમામ લોકો એકસમાન છે. મારા જેવા નાના માણસને આટલા મોટા કાર્યક્રમમાં લાભ મળ્યો તે મારૂ સદ્દભાગ્ય છે.
પ્રસાદના લાડુ પરિવારે મંદિરને અર્પણ કર્યા
ટીંબાડિયા પરિવાર દ્રારા વર્ષ 2011થી લાડુનો પ્રસાદ મંદિરમાં એક શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રાખવામાં આવ્યો હતો અને તેની પુજા કરીને માં ખોડલની આરાધના કરવામાં આવતી હતી. આજે પરિવારે માતાજીનો લાડુંનો પ્રસાદ મંદિરમાં અર્પણ કર્યો હતો.
મહત્વનું છે કે મા ખોડિયારનું મંદિર અને લેઉવા પાટીદાર સમાજની આસ્થાનું ધામ એવા ખોડલધામ કાગવડ મંદિરની પ્રતિષ્ઠાને 21 જાન્યુઆરી 2022 એટલે કે આજે 5 વર્ષ પુરા થઇ રહ્યા છે. લાખો લેઉવા પાટીદાર સમાજના લોકો આ પંચવર્ષિય મહોત્સવના સાક્ષી બનવા જઇ રહ્યા હતા. જોકે કોરોનાાની મહામારીને કારણે આ મહોત્સવ વર્ચ્યુઅલ યોજાશે. જેમાં દેશ વિદેશના લેઉવા પાટીદાર સમાજ વિવિધ માધ્યમોથી જોડાશે.
આ પણ વાંચો- બે દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધશે, લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીથી વધુ ગગડશે
આ પણ વાંચો- અમદાવાદમાં રાત્રે 10 વાગ્યા સુધી કોરોના ટેસ્ટ થશે, સામુહિક આરોગ્ય કેન્દ્રો પર થશે ટેસ્ટ