અમદાવાદમાં રાત્રે 10 વાગ્યા સુધી કોરોના ટેસ્ટ થશે, સામુહિક આરોગ્ય કેન્દ્રો પર થશે ટેસ્ટ
લોકો રાત્રે 10 વાગ્યા સુધીમાં AMCના સામુહિક આરોગ્ય કેન્દ્રો પર જઇને ટેસ્ટિંગ કરાવી શકે તે માટે ડોમ પર નજીકના CHC સેન્ટરોની માહિતી મુકવામાં આવશે.
ગુજરાતમાં કોરોના (Corona)નું સંકટ વધતુ જઇ રહ્યુ છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોના વિસ્ફોટ થયો છે, સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે AMC દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. હવે અમદાવાદ શહેરમાં રાત્રે 10 વાગ્યા સુધી કોરોના ટેસ્ટ (Corona test) થશે. એએમસીના સામુહિક આરોગ્ય કેન્દ્રો પર રાત્રે 10 વાગ્યા સુધી કોરોના ટેસ્ટિંગ થશે. AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ બાબતે ચર્ચા થઈ હતી. અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને ટેસ્ટિંગ ડોમ પર લોકોની લાઈન લાગેલી હોય છે. લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
લોકો રાત્રે 10 વાગ્યા સુધીમાં AMCના સામુહિક આરોગ્ય કેન્દ્રો પર જઈને ટેસ્ટિંગ કરાવી શકે તે માટે ડોમ પર નજીકના CHC સેન્ટરોની માહિતી મુકવામાં આવશે. ડોમમાં કિટ નહીં હોય તો CHC પર જઈ લક્ષણો ધરાવતા વ્યક્તિ ટેસ્ટિંગ કરાવી શકાશે. આ સાથે ટેસ્ટિંગ કિટ ખૂટવાની ફરિયાદો સામે આવી રહી છે, ત્યારે ટેસ્ટિંગ કિટ વધારી આપવા સહિતની સૂચનાઓ AMCની સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં આપવામાં આવી છે.
અમદાવાદમાં આવેલા દરેક ડોમ પર 100થી વધારે કિટ આપવા સૂચના અપાઈ છે. તેમજ શહેરમાં 773 સંજીવની રથ હાલ કાર્યરત છે. સંજીવની ટીમ દ્વારા 13 હજાર ઘરની વિઝિટ કરવામાં આવે છે. તેમજ 130 ધન્વંતરી રથ શહેરના અલગ અલગ વોર્ડમાં કાર્યરત છે તો ધન્વંતરી રથ જે વોર્ડમાં ફરે તેની માહિતી કાઉન્સિલર્સને અપાશે.
આમ કોરોના કેસ વધતા ટેસ્ટિંગ કરાવવા આવતા લોકોની સંખ્યા પણ વધી છે અને કેસ પણ વધી રહ્યા છે, ત્યારે ટેસ્ટિંગ કિટ ખૂટી પડતા તંત્ર હરકતમાં આવ્યું છે. મહત્વનું છે કે રાજ્યમાં 20 જાન્યુઆરીએ 24,485 કેસ નોંધાયા છે. અને બીજી લહેરની પીક પણ તોડી નાંખી છે. 18 જાન્યુઆરીએ 17,119 કેસ. 19 જાન્યુઆરીએ 20,966 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં જ 62,550 નવા કેસ નોંધાયા છે.રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 9,837 કેસ નોંધાયા છે. તો સુરતમાં પણ 2,981 નવા દર્દી મળ્યા છે.
આ પણ વાંચો- અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ થવાની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ