PM વિઝિટ લેશે તો જ નવો બ્રિજ બનશે? ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત હાલતમાં, લોકો 10 કિમીનો ફેરાવો લેવા મજબુર
જો તંત્રને કામ કરવાની નિયત હોય તો રાતોરાત રોડ-રસ્તા બની જતા હોય છે. જો વડાપ્રધાન કે કોઈ મોટા માનનિય મંત્રી-સંત્રી પધારવાના હોય તો રાતોરાત રોડ-રસ્તા ચકાચક થઈ જાય છે પરંતુ આમ નાગરિકોની પીડાની તંત્રને જાણે કંઈ પડી જ નથી. આવી જ હાલત ઉપલેટાવાસીઓની છે. મોજ નદી પરનો રાજાશાહી સમયનો બ્રિજ છેલ્લા 5 વર્ષથી જર્જરીત હાલતમાં છે પરંતુ તંત્ર દ્વારા તેનુ સમારકામ પણ કરવામાં આવી રહ્યુ નથી અને સ્થાનિકો મજબૂરીના માર્યા 10 કિમીનો ફેરાવો કરવા મજબુર બન્યા છે.
રાજકોટના ઉપલેટામાં આવેલો મોજ નદી પર આવેલો રાજાશાહી સમયનો બ્રિજ હાલ અત્યંત જર્જરીત બન્યો છે. બ્રિજની ગુણવત્તા નબળી પડતા છેલ્લા 5 વર્ષથી તેના પરથી ભારે વાહનોની અવરજવર પણ બંધ કરી દેવાઈ છે. જેના પગલે લોકોને 10 કિલોમીટરનો ફેરો ફરવાની ફરજ પડી રહી છે. અમદાવાદ, રાજકોટ તરફ જતા વાહનોને 10 થી 12 કિલોમીટરનો વધુ ફેરો ફરવો પડે છે અને મુસાફરોને ટિકિટ વધી દેવી પડે છે. બીજી તરફ સમયનો પણ વ્યય થાય છે. તો મોંઘવારીના માર વચ્ચે લોકોનું ઈંધણ પણ વધુ વપરાઈ રહ્યુ છે.
તંત્રની બદ્દનિયતના પાપે પાંચ વર્ષથી બ્રિજનું સમારકામ સુદ્ધા નથી થતુ
સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની ઢીલી નીતિના કારણે વર્ષોથી બ્રિજનું સમારકામ કરવામાં નથી આવી રહ્યુ. બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર જણાવે છે કે નવો બ્રિજ બનાવવાની દરખાસ્ત સરકારમાં મોકલાઈ છે, જો કે લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે કે પાંચ વર્ષમાં જે બ્રિજનું સમારકામ તંત્ર નથી કરી શક્યુ તે નવો ક્યારે બનાવશે? આક્ષેપો એવા પણ થઈ રહ્યા છે કે આ રસ્તેથી હજુ સુધી કોઈ મંત્રી કે સંત્રીને પસાર થવાનું નથી થયુ એટલે નવો બ્રિજ નથી બનતો, જો એકવાર વડાપ્રધાન વિઝિટ લે તો રાતોરાત નવા બ્રિજનું નિર્માણ થઈ જાય.
10 કિમીનો ફેરાવો લેવામાં લોકોના મોંઘા ભાવના ઈંધણ અને સમયનો વ્યય
મોજ નદી પરનો આ બ્રિજ રાજાશાહી સમયે નિર્માણ થયેલો છે. હાલ જર્જરીત બ્રિજની આસપાસ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. લોકોની સલામતી માટે લોખંડના એંગલ લગાવીને બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરાઈ છે. જેના કારણે લોકોને 10 કિલોમીટરનું અંતર વધુ કાપવુ પડે છે, હાલ તો લોકોની માગ છે કે તાત્કાલિક નવો બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે.
