Rajkot : વાહનચેકિંગ દરમિયાન ટ્રાફિક પોલીસ અને વાહનચાલક વચ્ચે થઈ મારામારી, જુઓ Video
રાજકોટમાં બે શખ્સો સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ અને પોલીસ પર હુમલા કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ગઈકાલે ઢેબર રોડ પર વિરાણી ફાટક નજીક ટ્રાફિક પોલીસ વાહનચેકિંગ કરી રહી હતી. તે સમયે વાહનચાલક પાસે જરુરી કાગળ માગતા પોલીસ પર હુમલો કર્યો હતો.
રાજકોટમાં ટ્રાફિક પોલીસ અને વાહનચાલક યુવક વચ્ચે મારામારીના પ્રકરણમાં આખરે ફરિયાદ નોંધાઈ છે. બે શખ્સો સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ અને પોલીસ પર હુમલા કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ગઈકાલે ઢેબર રોડ પર વિરાણી ફાટક નજીક ટ્રાફિક પોલીસ ( Traffic Police )વાહનચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસે બાઈકચાલકને અટકાવી તેની પાસે જરૂરી કાગળો માગ્યા હતા. જેને પગલે ઉશ્કેરાયેલા વાહનચાલકે પોલીસ ઉપર હુમલો કર્યો હતો. પોલીસને માર મારતા કાનમાં ગંભીર ઈજા પહોંચી હતી.
ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ અને યુવક વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે યુવકે ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી કરી હતી અને અપશબ્દો બોલ્યા હતા. જેને પગલે મામલો બિચક્યો હતો. જે બાદ બન્ને વચ્ચે છૂટ્ટાહાથની મારામારી થઈ હતી. વીડિયોમાં યુવક ટ્રાફિક જવાનને લાકડી વડે માર મારતો જોવા મળી રહ્યો છે. તો બીજા એક વીડિયોમાં યુવકની પાછળ પોલીસ જવાન મોટો પથ્થર લઇ મારવા દોડતા જોવા મળે છે.
વાહનચેકિંગ દરમિયાન ટ્રાફિક પોલીસે જરુરી કાગળ માગતા વાહનચાલકે કર્યો હુમલો#Rajkot #Gujarat #TV9News pic.twitter.com/Q0wdVK2ccJ
— Tv9 Gujarati (@tv9gujarati) May 5, 2023
ઓફિસના માલિક દ્વારા જ કોર્પોરેશનના કર્મચારી પર કર્યો હતો હુમલો
આ અગાઉ અમદાવાદમાં મનપાના કર્મચારી પર છરી વડે હુમલાના કેસમાં આખરે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપી આશિષ ત્રિપાઠીની પોલીસે અટકાયત કરી હતી. બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી. હુમલો અને ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપી સામે એટ્રોસીટી એક્ટ હેઠળ પણ ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર ઘટનાની તપાસ SC-ST સેલને સોંપાઈ હતી. મોડે મોડે ફરિયાદ નોંધાતા પોલીસની કામગીરી પર સવાલ ઉભો થયો હતો.
મોટી રકમના વેરા બાકી હોય તેવા શહેરીજનો પાસેથી વેરા વસૂલાતની કડક ઝુંબેશ ચાલી રહ્યુ હતુ. શહેરમાં મેગા ટ્રીગર સીલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેને લઈ કોર્પોરેશનની ટીમ અલગ અલગ વિસ્તારમાં કામગીરી કરી રહી હતી. AMCની ટીમ ટેક્સની વસુલાત માટે ગઈ હતી. આ ટીમ ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવતા રાજપથ ક્લબ રોડ પર પહોંચી હતી. જ્યાં એરોન સ્પ્રેક્ટ્રા નામની બિલ્ડિંગમાં આવેલી એક ઓફિસમાં સીલીંગ ઝુંબેશની કામગીરી ચાલી રહી હતી. ત્યારે ઓફિસના માલિક દ્વારા કોર્પોરેશનના અધિકારી પર છરીથી હુમલો કરાયો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…