Porbandar: જર્જરતિ ઈમારતો કરવામાં આવી સીલ, જાણો પોરબંદરના અન્ય મહત્વના સમાચાર
પોરબંદરમાં (porbandar) હોસ્પિટલ રોડ પરની બિલ્ડીંગની દુકાનોને પાલિકાએ સીલ મારતા હોબાળો મચી ગયો હતો. શહેરની હીરાપન્ના કોમ્પલેક્ષની બિલ્ડીંગ જર્જરિત હોવાની ફરિયાદના પગલે 40 દુકાનો અને 30 ફ્લેટને સીલ મારવામાં આવ્યું છે.
વરસાદનું પાણી ભરાતા પોરબંદર (Porbandar) શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તો બીજી તરફ નગરપાલિકા દ્વારા નિયમિતરૂપે દવા છંટકાંવ કે સફાઈ કરવામાં આવતી ના હોવાની લોકોની ફરિયાદ છે. શહેરમાં ઠેર-ઠેર ગંદકીના કારણે મચ્છરોનો ત્રાસ પણ વધી રહ્યો છે, ત્યારે લોકો દ્વારા રોગચાળાની (Mosquito borne epidemics) ભિતી સેવાઈ રહી છે. શહેરના હોસ્પિટલ રોડ, શાક માર્કેટ, એમ.જી.રોડ જેવા વિસ્તારોમાં ગંદકી ઉડીને આંખે વળગે છે. જોકે નગર પાલિકાના સતાધીશો શહેરમાં સફાઈ થતી હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ શહેરમાં ઠેક-ઠેકાણે ખદબદતી ગંદકી નગરપાલિકાના સતાધીશોના દાવા પોકળ હોવાની ચાડી ખાઈ રહી છે. જે વિસ્તારોમાં વરસાદે થોડો વિરામ લીધો છે, ત્યાં રોગચાળાએ (Epidemic) માથું ઉચક્યું છે. ઠેર-ઠેર ભરાયેલા પાણી, કાદવ-કીચડ અને ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રાજ્યભરમાં મચ્છરોએ રોગચાળાનો ભરડો લેવાની શરૂઆત કરી દીધી છે. મહાનગરો સૌથી પહેલા મચ્છરોના નિશાને આવ્યા છે. મહાનગરોની હોસ્પિટલો હવે મચ્છરજન્ય રોગચાળાથી ઉભરાઈ રહી છે.
પોરબંદર શહેરમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વરસાદી પાણીનો ભરાવો થતાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેને કારણે રોગચાળો વકરવાનો ભય વધી ગયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અમુક વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ છે. આ અંગે સ્થાનિક તંત્રને જાણ કરી હોવા છતાં કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી. બીજી તરફ પાલિકાના ઈન્ચાર્જ હેલ્થ ઓફિસર જગદીશ ઢાકી દાવો કરી રહ્યા છે કે જે વિસ્તારોમાં ગંદકી છે સાફસફાઈ અને મચ્છરોનો ઉપદ્રવ છે, ત્યાં દવાના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ ડોર ટુ ડોર વાહનો થકી કચરો એકત્ર કરવાની પણ કામગીરી થઈ રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.
જાણો પોરબંદર શહેરના અન્ય મહત્વના સમાચારો
હોસ્પિટલ રોડ ઉપરની જર્જરિત ઈમારતો કરવામાં આવી સીલ
પોરબંદરમાં (porbandar) હોસ્પિટલ રોડ પરની બિલ્ડીંગની દુકાનોને પાલિકાએ સીલ મારતા હોબાળો મચી ગયો હતો. શહેરની હીરાપન્ના કોમ્પલેક્ષની બિલ્ડીંગ જર્જરિત હોવાની ફરિયાદના પગલે 40 દુકાનો અને 30 ફ્લેટને સીલ મારવામાં આવ્યું છે. પોલીસ બંદોબસ્ત સાથે પાલિકા દ્વારા સિલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે કેટલાક દુકાનદારોએ હોબાળો મચાવ્યો હતો. જોકે પાલિકા સતાધીશોના જણાવ્યા પ્રમાણે ડેપ્યુટી કલેક્ટરના આદેશના પગલે તમામ દુકાનોને સીલ મારવામાં આવ્યા છે.
મેળાનો વિવાદ બન્યો ઘેરો
પોરબંદર જન્માષ્ટમી લોકમેળાની જાહેરાત થતાં જ વિવાદનો મધપૂડો છેડાયો છે. આર.ટી.આઈ એક્ટિવિસ્ટ અને વિપક્ષે મેળા ગ્રાઉન્ડ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. લોકમેળામાં આવનાર રાઈડ, ચકડોળ મજબૂત નહીં હોય તો અકસ્માતનો ડર વ્યક્ત કર્યો છે તો સત્તાધારી પક્ષને ભ્રષ્ટચારી ગણાવી મેળાનું આયોજન રદ કરવા અથવા શહેરથી દૂર છાયા અથવા ધરમપુર ગામે લોકમેળો યોજવા સલાહ આપી છે તો આર.ટી.આઈ એક્ટીવિસ્ટે પણ માગ કરી છે કે મેળો નગરપાલિકા નહીં, પરંતુ કલેક્ટરના નેજા હેઠળ થાય.