PM મોદીએ જામનગરમાં વનતારા વાઇલ્ડલાઇફ સેન્ટરનું કર્યું લોકાર્પણ, જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગુજરાતની મુલાકાત દરમિયાન જામનગરમાં વનતારા વન્યજીવ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમએ વનતારાની પ્રાણી હોસ્પિટલ અને અન્ય સુવિધાઓ પણ નજરે નિહાળી હતી. વન્ય જીવોને નજીકથી નિહાળવાની સાથે સાથે વડાપ્રધાને વનતારા સ્થિત સિંહના બચ્ચાને બાટલીમાં દૂધ પીવડાવ્યું અને જિરાફને ખાવાનું પણ ખવડાવ્યું હોવાનો એક વીડિયો સામે આવ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, તાજેતરમાં ગુજરાત મુલાકાત દરમિયાન જામનગરમાં રિલાયન્સ રિફાઈનરીમાં આવેલ વન્યપ્રાણી બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર, વનતારા વાઇલ્ડલાઇફ સેન્ટરનું લોકાર્પણ કર્યું. પીએમએ આ પશુ સારવાર કેન્દ્રની મુલાકાત લીધી હતી. ગઈકાલ 3 માર્ચના રોજ વિશ્વભરમાં વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર પર પીએમ મોદીએ ભારતના વન્યજીવનને લઈને મહત્વપૂર્ણ પગલાં લીધા છે. જામનગર રિલાયન્સ રિફાઈનરી સ્થિત વનતારા એ વન્ય જીવની 2,000 થી વધુ પ્રજાતિઓ અને 1.5 લાખથી વધુ બચાવેલા પ્રાણીઓનું ઘર છે. વનતારામાં પ્રાણીઓને આપવામાં આવતી વિવિધ સુવિધાઓ વિશે વડાપ્રધાને ઊંડાણપૂર્વકની માહિતી મેળવી હતી.
PMએ વનતારાની મુલાકાત લીધી
વડા પ્રધાને વનતારામાં વાઇલ્ડલાઇફ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી અને આધુનિક પશુ ચિકિત્સા સુવિધાઓ પણ નિહાળી હતી. આ હોસ્પિટલમાં પ્રાણીઓ માટે એમઆરઆઈ, સીટી સ્કેન, આઈસીયુ સહીતની અન્ય આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, તેમાં વાઇલ્ડલાઇફ એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, ડેન્ટિસ્ટ સહિતના તબીબો અને તેમને લગતા વિભાગો પણ છે.
પીએમ મોદીએ કેન્દ્રમાં જે સફેદ સિંહના બચ્ચાને દૂધ પીવડાવ્યું હતું તે કેન્દ્રમાં જ જન્મ્યું હતું, આ સિંહની માતાને બચાવીને વંતરા કેરમાં લાવવામાં આવી હતી.
એક સમયે ભારતમાં કેરાકલની સંખ્યા ઘણી વધારે હતી પરંતુ હવે તે લુપ્ત થવાના આરે છે. વનતારા ખાતે, કારાકલ્સને સંવર્ધન કાર્યક્રમ હેઠળ ઉછેરવામાં આવે છે. તેમના સંરક્ષણ માટે, તેમને કેદમાં રાખવામાં આવે છે અને પછીથી જંગલમાં છોડી દેવામાં આવે છે.
વનતારામાં પ્રાણીઓ માટે કેવી સુવિધાઓ છે?
પીએમએ વનતારા સ્થિત હોસ્પિટલના એમઆરઆઈ રૂમની પણ મુલાકાત લીધી અને એશિયાટિક સિંહને જોયો જેનું એમઆરઆઈ થઈ રહ્યું હતું. તેમણે ઓપરેશન થિયેટરની મુલાકાત પણ લીધી હતી જ્યાં એક કાર સાથે અથડાયા બાદ ગંભીર ઈજા પામેલા દીપડાની સર્જરી કરવામાં આવી રહી હતી.
વનતારામાં બચાવેલા પ્રાણીઓને એવી જગ્યાએ રાખવામાં આવે છે જે લગભગ જંગલ જેવા લાગે છે. પીએમ નરેન્દ્ર મોદી વનતારા સ્થિત ઘણા જંગલી પ્રાણીઓની પણ ખૂબ નજીક ગયા હતા, તેઓ એક ગોલ્ડન ટાઈગર સાથે રૂબરૂ બેઠા, તેઓ 4 સ્નો ટાઈગર, એક સફેદ સિંહ અને એક સ્નો લેપર્ડની નજીક પણ ગયા હતા. જો કે આ તમામે તમામને કાચની જાડી દિવાલની અંદર રાખવામાં આવ્યા છે.
PM અનેક વન્ય જીવો સાથે રૂબરૂ થયા
પીએમે ઓકાપીને હેતથી પંપાળી હતી. ખુલ્લા પાંજરામાં ચિમ્પાન્ઝી સામે આવ્યા. પાણીની અંદર રહેલા હિપ્પોપોટેમસને પણ નરેન્દ્ર મોદીએ ખૂબ નજીકથી જોયો, મગર જોયા, ઝીબ્રાની વચ્ચે તેઓ ચાલ્યા પણ ખરા. જિરાફ અને ગેંડાને ખોરાક ખવડાવ્યો.
#WATCH | PM Narendra Modi inaugurated and visited the wildlife rescue, rehabilitation, and conservation centre, Vantara in Gujarat. Vantara is home to more than 2,000 species and over 1.5 lakh rescued, endangered, and threatened animals. PM explored various facilities at the… pic.twitter.com/itbMedPtD3
— ANI (@ANI) March 4, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વનતારામાં ખાસ બનાવેલ હાથી માટેની હોસ્પિટલની કામગીરી પણ નિહાળી હતી. અને તેમાં કરવામાં આવતી સારવાર અંગે પૃચ્છા પણ કરી હતી. આ હોસ્પિટલ વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ છે. પીએમએ વનતારા કેન્દ્રમાં બચાવેલા પોપટને પણ મુક્ત કર્યા હતા. આ સાથે તેમણે ડોક્ટર્સ, સપોર્ટ સ્ટાફ અને કામદારો સાથે પણ વાત કરી. વનતારાની સમગ્ર મુલાકાત દરમિયાન અનંત અંબાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સતત સાથે રહ્યાં હતા.