સેવા જ ધર્મનો જીવનમંત્ર, પ્રેમનો ધોધ વહાવી મજૂરવર્ગની આંતરડી ઠારતો “પ્રેમ”
ગુજરાતી સાહિત્યમાં માનવતા માટે કહેવાયું છે કે "હું માનવી માનવ થાવ તો ઘણું" આ એક વાક્ય માનવીય તમામ ગુણોને પ્રદર્શિત અને વ્યાખ્યાયિત કરી જાય છે. માણસાઈને વરેલો વ્યક્તિ સેવાના ધર્મને આ દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ ગણે છે અને આવી માનવતા સભર વ્યક્તિઓ મળી જાય તો સમાજનો દબાયેલો કચરાયેલો વર્ગ ઉત્થાન તરફ પ્રગતિ કરવા માંડે છે અને પોતાની સમસ્યાઓનો આપ બળે નિકાલ થવા માંડે છે.

નવસારી શહેરનો એક એવો પરિવાર છે કે જે પાકિસ્તાનથી ભારતમાં આવ્યો હતો 1970માં દેશમાં આવ્યા બાદ ધંધા રોજગાર કરી દુઃખોની વચ્ચે જીવન વ્યતિત કર્યું. જે સમાજ પાસેથી લીધો છે એ સમાજને આપવાનો એક ધારણ કરે છે એવો જ એક પરિવાર છે “લાલવાણી પરિવાર” કે જે પાંચ વર્ષથી નવસારી શહેરમાં સવાર સાંજ રામ રોટી ચલાવે છે. ભૂખ્યાને ભોજન આપીને જઠરાગની ઠારવાનું ભગીરથ કાર્ય કરવાની દિશામાં કાર્યરત છે.
નવસારી શહેરના સિંધી કેમ્પમાં વસ્તુ આ સિંધી પરિવાર પાંચ વર્ષથી ભૂખ્યાને ભોજન આપવાનું કામ કરે છે કોરોના પહેલાથી શરૂ થયેલી સેવાની યાત્રા અવિરત ચાલી રહી છે. નવસારી શહેરમાં છૂટક મજૂરી તથા અન્ય મજૂરીના કામ સાથે જોડાયેલા લોકોને ભરપેટ જમવાનું મળી રહે એ આશયથી સમગ્ર પરિવાર સેવાના કાર્યમાં જોતરાયું છે.
જમાડવાની સાથે ટિફિનની પણ અલાયદી વ્યવસ્થા કરી આપે છે. પાર્સલ લઈ જઈને પણ પોતાના ઘરે ખાઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જલેબી લાપસી દાળ ભાત શાક અને રોટલીના પાર્સલ પણ આપવામાં આવે છે અને ત્યાં બેસીને જમવા માંગતા હોય તેમને જમાડવામાં પણ આવે છે.
સાથે ચા નાસ્તો કરવા માંગતા હોય તેમને એની પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે. રોજ સવાર સાંજ 1000 થી વધુ લોકોને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. જેમાં 15,000 થી વધુ નો ખર્ચ દરરોજ નો આવે છે સમગ્ર પરિવાર ઊભું રહીને જાતે પીરસીને ભૂખ્યાને ભોજન આપી માનવીય ધર્મ નિભાવે છે સાથે સેવાના આ મહાયજ્ઞમાં આજુબાજુના લોકો સેવા આપવા માટે આવે છે સાથે જરૂર પડે મદદ કરવા માટે મોટી સંખ્યામાં લોકો પણ આવી જતા હોય છે.
કોરોના કાળમાં તો શહેરના સુજ્ઞ નાગરિકો પણ ટિફિન લઈ જતા
કોરોના કાળના કપરા સમયે પણ આ પરિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં સરકારની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી વિસ્તારોમાં મોટી સંખ્યામાં ભોજન પહોંચાડ્યું હતું સાથે પોતાના ઘર નજીક પણ મોટી સંખ્યામાં ભંડારાઓ યોજીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભોજન પૂરું પાડ્યું હતું.
દાન મેળવ્યા વગર અવિરત ભોજનશાળા
નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધંધા રોજગાર મજૂરી કામ કરતા લોકોને ભોજન પહોંચાડવાનું કામ કરતાં લાલવાણી પરિવાર દ્વારા રામરોટી માટે જે કોઈપણ ખર્ચ આવે છે તે પોતાની રીતે પોતાના ખર્ચાઓમાંથી કાઢે છે અને માનવીય ધર્મની નીભાવે છે
કોઈ પણ વ્યક્તિ પાર્સલ લઈ શકે અથવા જમી શકે
રાજ્ય સરકાર દ્વારા પણ છેલ્લા કેટલાક વર્ષો પહેલા ભૂખ્યાને ભોજન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી માત્ર દસ રૂપિયામાં ભોજન આપવાની વાત કરી હતી પરંતુ એ તમામ પ્રોજેક્ટ નિષ્ફળ ગયા છે. ત્યારે નવસારી શહેરમાં એકમાત્ર રામરોટી એક એવી વ્યવસ્થા છે કે જ્યાં ભરપેટ જમો અને જરૂર પડે પાર્સલ પણ લઈ જઈ શકાય છે સાથે બંને સમયે આ વ્યવસ્થા કરવામાં આવે છે.
કડિયાકામ અને છૂટક મજૂરી કરતા મજૂરો માટે રામ રોટી જઠરાગ્નિ ઠારે છે
નવસારી શહેરમાં છૂટક મજૂરી કરતા મોટાભાગના લોકો ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા હોય છે ખાસ કરીને દાહોદ ગોધરા તાપી ડાંગ વલસાડ નર્મદા જિલ્લો અને ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો મજૂરી માટે આવે છે તેમને છત તો નથી મળતી પરંતુ ભરપેટ જમવાનું મળી રહે છે.
આ પણ વાંચો : મિલકત ચોરીના કિસ્સાઓમાં કોર્ટ કચેરીના ધક્કા ન ખાવા પડે તેને લઈ નવસારી પોલીસની સરાહનીય કામગીરી
જીવનપર્યંત રામરોટી ચલાવવા લાલવાણી પરિવાર તત્પર
પાંચ વર્ષથી ભૂખ્યાને ભોજન આપી સાચા અર્થમાં માન્ય ધર્મ નિભાવી રહેલા ડાલવાની પરિવારના તમામ સભ્યો રામરોટીના કાર્યક્રમને આગળ વધારવા માટે તત્પર છે તેઓ પોતે સવારે વહેલા જાગીને ભોજનની તૈયારીથી માંડીને તમામ વસ્તુઓ પર નજર રાખે છે અને આ કામગીરી જીવન પર્યંત ચાલુ રાખવા માટે પણ તત્પરતા દાખવી રહ્યા છે. પરિવારના વડીલ સભ્ય પ્રેમચંદ લાલવાની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે રામરોટી એ માનવ ધર્મનું કામ છે અને એ ધર્મના યજ્ઞમાં અમારું સમગ્ર પરિવાર આહુતિ આપે છે.
(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)