Narmada: ચાલુ સીઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના 5 દરવાજા 30 સેન્ટિમીટર ખોલવામાં આવ્યા
હાલ ડેમમાં સરેરાશ 1 લાખ 80 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. મહત્વનું છે કે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જેની સામે 133.51 મીટર પાણી ભરાઇ ચૂક્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નાંદોદ, તિલકવાડા, વડોદરા, ભરૂચ (Bharuch) સહિતના કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Dam)ની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના પરિણામે ચાલુ સીઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના 5 દરવાજા 30 સેન્ટિમીટર ખોલવામાં આવ્યા. હાલ અંદાજે 20 હજાર ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં (Narmada River) છોડવામાં આવી રહ્યો છે. સતત પાણીની આવકને કારણે નર્મદા ડેમની જળ સપાટી 133.95 મીટર પર પહોંચી છે. ડેમની સપાટીમાં દર કલાકે 3 થી 4 સેન્ટિમીટરનો વધારો થઇ રહ્યો છે. હાલ ડેમમાં સરેરાશ 1 લાખ 80 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. મહત્વનું છે કે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.જેની સામે 133.51 મીટર પાણી ભરાઇ ચૂક્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નાંદોદ, તિલકવાડા, વડોદરા, ભરૂચ (Bharuch) સહિતના કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
4 કરોડ રૂપિયાની કિંમતનું વીજ ઉત્પાદન
છેલ્લા 25 દિવસથી સરદાર સરોવર નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ સરેરાશ રૂા.4 કરોડની કિંમતની 20 મિલીયન યુનિટનું વીજ ઉત્પાદન થઇ રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસના 4 યુનિટ મારફત સરેરાશ રૂ 98 લાખની કિંમતનું 4.8 મિલીયન યુનિટનું વીજ ઉત્પાદન થઇ રહ્યું છે. વીજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119 મીટરે હતી. હાલમાં 200 મેગાવોટની ક્ષમતાવાળા ૬ યુનિટ દરરોજ સરેરાશ 24 કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે.
ઉકાઈ ડેમની જળ સપાટી રૂલ લેવલને પાર થઈ 335.64 ફૂટ પર પહોંચી
ઉકાઈ ડેમની જળસપાટી 335 ફૂટને પાર જતા ડેમના 22 પૈકી 12 દરવાજા નવ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ઉકાઈ ડેમમાંથી 1 લાખ 82 હજાર ક્યુસેક પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેવા લાગી હતી અને તાપી નદીની આસપાસના વિસ્તારોના ગામના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સુરતનો કોઝ-વે 9.31 મીટરની સપાટીએ વહેતો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા.
સુરત શહેરમાં તાપી નદીના પાણી ન ઘૂસે તે માટે 3 ગટરના ફ્લડ ગેટ બંધ કરી દેવાયા છે. તો તાપી નદી કાંઠે રહેતા અને નીચાણવાળા વિસ્તારના લોકો સતર્ક બન્યા છે. સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શક્યતાને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી હાલ 3 લાખ ક્યુસેક કરતા વધારે પાણીની આવક થઈ રહી છે.