ગુજરાતમાં આવેલું છે એક અનોખું ગામ, જ્યાં એક જ રસોડે જમે છે આખા ગામના લોકો
મહેસાણા જિલ્લામાં આવેલું ચાંદણકી ગામ છે. ચાંદણકીમાં આખા ગામના લોકો એકસાથે ભોજન લે છે. ગામમાં કોઈના ઘરે ચૂલો સળગાવવામાં આવતો નથી. બધા સામૂહિક ભોજન લે છે.
Mehsana: આજે આપણે જે ગામ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તેની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. આ ગામ ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું ચાંદણકી (Chandanki) ગામ છે. ચાંદણકીમાં આખા ગામના લોકો એકસાથે ભોજન લે છે. ગામમાં કોઈના ઘરે ચૂલો સળગાવવામાં આવતો નથી. બધા સામૂહિક ભોજન લે છે.
આ પણ વાંચો Mehsana: વૃક્ષા ફાઉન્ડેશન કડી દ્વારા ગ્રીન યાત્રા 2023નું ઉદ્ઘાટન કરાયું, આ વર્ષે 5 હજાર વૃક્ષો વાવશે
આજના સમયમાં બે ભાઈઓ સાથે રહેવા માંગતા નથી ત્યારે જમવાની વાત તો દૂર. ત્યારે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલું ચાંદણકી ગામ સંયુક્ત કુટુંબમાં રહેતા લોકો માટે પ્રેરણા પૂરી પાડે છે. ચાંદણકી ગામમાં લોકો બપોર અને રાત્રિનું ભોજન એકસાથે લે છે. જેના માટે ગામના પાદરમાં એક સામૂહિક રસોડું બનાવવામાં આવ્યું છે.
ગામના પાદરમાં એક સામૂહિક રસોડું બનાવવામાં આવ્યું છે
આ ગામમાં 150થી વધુ પરિવારો રહે છે. જેની કુલ વસ્તી 1100ની આસપાસ છે, પરંતુ હાલમાં ગામમાં 100 જેટલા વૃદ્ધો જ રહે છે. બાકીના લોકો પોતાના ધંધા કે રોજગાર માટે શહેરમાં રહે છે. ગામમાં મોટા ભાગે લોકો ખેતી કરે છે, જેથી લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે ગામમાં સામૂહિક રસોડું બનાવવામાં આવ્યું છે. જેથી આખું ગામ એકસાથે જમી શકે.
રસોડાના સંચાલન માટે સરપંચ અને યુવાનોએ બનાવી કમિટી
આ રસોડાનું યોગ્ય સંચાલન થાય અને યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સરપંચ અને યુવાનોએ એક કમિટી બનાવી છે. જે તમામ જરૂરી સુવિધાઓ પુરી પાડે છે. ગામમાં કોઈના ઘરે મહેમાન આવે તો તેના ભોજનની પણ આ સામૂહિક રસોડામાં વ્યવસ્થા કરવામાં આવે છે. અહીંયા પહેલા ગામની મહિલાઓ જમે છે અને પછી ગામના પુરૂષો ભોજન કરે છે.
આ પરંપરા છેલ્લા 10 વર્ષથી ચાલી આવે છે
આ સામૂહિક રસોડું છેલ્લા 10 વર્ષથી ગામમાં ચાલે છે. બધા સાથે હળીમળીને ભોજન કરે છે અને સુખ દુઃખની વાતો કરે છે. આ બદલાતા સમયમાં એક બાજુ લોકો પરિવારથી દૂર જઈ રહ્યા છે અથવા તો પરિવાર તૂટી રહ્યા છે. તો બીજી તરફ આ ગામના તમામ લોકો એકબીજાને પોતાનો પરિવાર માને છે અને સાથે મળીને ભોજન કરે છે. જે પરિવારથી અલગ રહેતા લોકો માટે એક ઉદાહરણ છે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો