Breaking News: મહેસાણાના વીજાપુરની સાયન્સ કોલેજની ખુલ્લી મનમાની આવી સામે, કોપી કેસ ન કરવા કોલેજે 3 નિરીક્ષકોને નજરકેદ કર્યા
Mehsana: વીજાપુરમાં કોપી કેસ ન કરવા કોલેજે યુનિવર્સિટીના 3 નિરીક્ષકોને નજરકેદ કર્યા છે. મહેસાણાની વિજાપુરની સ્વામીનારાયણ કોલેજની ખુલ્લી મનમાની સામે આવી છે. કોલેજના સત્તાધિશોએ નિરીક્ષકોને ઘરે ન જવા દેવાની ધમકી આપી હતી.
મહેસાણાના વિજાપુરની સ્વામીનારાયણ સાયન્સ કોલેજની ખુલ્લી મનમાની સામે આવી છે. વીજાપુરમાં કોપી કેસ ન કરવા કોલેજે યુનિવર્સિટીના 3 નિરીક્ષકોને નજરકેદ કર્યા હોવાનુ સામે આવ્યુ છે. કોલેજના સત્તાધિશોએ નિરીક્ષકોને ઘરે ન જવા દેવાની ધમકી આપી હતી. ત્રણેય પ્રોફેસરે સુરક્ષા માટે યુનિવર્સિટીનો સંપર્ક કર્યો અને યુનિવર્સિટીએ આ અંગે પોલીસને જાણ કરી હતી.
MSC સેમેસ્ટર 4ની પ્રેકટિકલ પરીક્ષા ચોરીના કેસ સામે આવ્યા
ત્રણેય નિરીક્ષકોની ટીમ યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે સ્વામીનારાયણ કોલેજમાં પરીક્ષા લેવા ગઈ હતી. M.sc. સેમેસ્ટર 4ના 45 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા ત્રણ નિરીક્ષકોની ટીમ કોલેજ પહોંચી હતી. પરંતુ પરીક્ષામાં 11 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા હતા. આ મુદ્દે કોલેજનું વલણ બદલાયુ હતુ. પોલીસે જાણ કરાયા બાદ કોલેજની ગાડીમાં ત્રણેય નિરીક્ષકોને મહેસાણા છોડવામાં આવ્યા હતા
11 વિદ્યાર્થીઓ કાપલીમાંથી ચોરી કરતા પકડાયા
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિજાપુર સ્વામીનારાયણ સાયન્સ કોલેજ ખાતે MSC સેમેસ્ટર 4ના 45 વિદ્યાર્થીઓની પ્રેકટિકલ પરીક્ષા લેવા યુનિવર્સિટીના ત્રણ પ્રોફેસરની ટીમ પરીક્ષક તરીકે આવ્યા હતા. 3 અને 4 મે એ આ પ્રેકટિકલ પરીક્ષા હત. જેમા પ્રથમ દિવસે કેટલાક વિદ્યાર્થીઓ કાપલી લઈને ચોરી કરતા દેખાયા હતા. જેમા ટીમે કંઈપણ સાહિત્ય હોય ત બહાર મુકી દેવા અપીલ કરી હતી. છતા ચાર પાંચ વિદ્યાર્થીઓ ચોરી કરતા હોવાથી તેમની કાપલી લઈ લેવામાં આવી હતી. અનેક સૂચના બાદ પણ 11 છાત્રો ચોરી કરતા પકડાયા હતા. જેમા કોલેજ દ્વારા આ વિદ્યાર્થીઓ સામે કેસ ન કરા માટે દબાણ કરવામાં આવ્યા હતા.
મહિલા પ્રોફેસરને કોલેજ સત્તાધિશોએ ઉંચા અવાજમાં ખખડાવ્યા
નિરીક્ષક તરીકે આવેલા મહિલા પ્રોફેસરના જણાવ્યા મુજબ તેઓ મહિલા હોવા છતા તેમને ઉંચા અવાજમાં ખખડાવ્યા હતા અને કેસ ન કરવા દબાણ કરી રહ્યા હતા. નિરીક્ષકોને ધમકી પણ આપવામાં આવી કે વાલીઓ ગાડી ભરીને આવે છે જે પૈકી એક વિદ્યાર્થીના વાલી PSI છે એ કેસ કરશે હવે તમે શું કરશો? એવુ કહી નિરીક્ષકોને દબડાવવામાં આવ્યા. કોલેજ સત્તાધિશો દ્વારા ધમકી અપાઈ કે વાલીઓ ગાડીઓ ભરીને આવે છે તમને કોલેજની બહાર નીકળવા નહીં દે. જેલ ભેગા કરવાના છે.
જો કે નિરીક્ષકોએ કોલેજમાંથી સલામત રીતે બહાર નીકળવા યુનિવર્સિટીને જાણ કરી હતી. ત્યારબાદ ચેરમેન રજિસ્ટ્રાર કુલપતિ સહિતના સ્ટાફે તાત્કાલિક મદદ પહોંચાડી હતી. પહેલીવાર જીવનમાં આવો કડવો અનુભવ થયો હતો. કોઈ બીજા પ્રોફેસરને આવો અનુભવ ન થાય તે માટે યુનિવર્સિટી દ્વારા કડક પગલા લેવા જોઈએ.
ઈનપુટ ક્રેડિટ- મનિષ મિસ્ત્રી- મહેસાણા
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…