Dakor rathyatra 2023: યાત્રાધામ ડાકોરમાં આજે 251મી ભગવાન રણછોડજીની રથયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા
ડાકોરમાં અષાઢી ત્રીજના દિવસે એટલે કે, પુષ્યનક્ષત્રમાં આજે ભગવાન રણછોડજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
Kheda : ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં (Dakor) અષાઢી ત્રીજના દિવસે એટલે કે, પુષ્યનક્ષત્રમાં આજે ભગવાન રણછોડજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ડાકોર રણછોડજી મંદિર કમિટી દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે નીકળતી આ રથયાત્રા આ વખતે પણ ખુબજ ઉત્સાહ સાથે ભાવિક ભકતો સાથે નીકળી છે.
સવારે ભગવાનના બાળ સ્વરૂપને રથમાં બિરાજમાન કરાવ્યા બાદ મંદિરની અંદર ચાંદીના રથને ફેરવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઢોલ નગારા, સાથે ભવ્ય રથયાત્રાનો મંદિરમાંથી પ્રારંભ થયો હતો. મોટી સંખ્યામાં માનવ મહેરામણ મંદિર પરિસરમાં ઉમટી પડ્યું હતું.
અમદાવાદ સહિત દેશભરમાં ગઈકાલે એટલે કે અષાઢી બીજના દિવસે રથયાત્રા યોજાઈ હતી. ત્યારે ડાકોરમાં આજે અષાઢી ત્રીજના દિવસે એટલે કે, પુષ્યનક્ષત્રમાં આજે ભગવાન રણછોડજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ડાકોરની આ સૌથી જૂની રથયાત્રા છે
ડાકોરની આ સૌથી જૂની રથયાત્રા છે. ભગવાન રણછોડજીના બાળ સ્વરૂપને રથમાં બિરાજમાન કરાવી મંદિરમાંથી ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી હતી. 251મી રથયાત્રાના રૂડા અવસરે મંદિર પરિસર ‘જય રણછોડ માખણ ચોર’ના નાદ સાથે ગૂંજી ઉઠ્યું હતું. સવારે 9 વાગ્યે મંદિર પરિસરથી નીકળેલી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ભાવિક ભક્તોએ ભગવાનના રથના દર્શન કરી ધન્યતા અનુભવી.
આઠ કિલોમીટર લાંબી આ રથયાત્રામાં હજારો ભક્તો જોડાય છે
સૌથી જૂની અને પરંપરાગત રથયાત્રા ડાકોરના રણછોડજી મહારાજની ગણવામાં આવે છે. આઠ કિલોમીટર લાંબી આ રથયાત્રામાં હજારો ભક્તો જોડાય છે. આ રથયાત્રા નિજ મંદિરેથી નીકળી સૌપ્રથમ લાલબાગ, રાધા કુંડ, માખણીયા આરે, ગાયોના વાડે, રણછોડપુરા, કેવડેશ્વર મહાદેવ, લક્ષ્મીજી મંદિર થઈ સાંજે સાત વાગ્યાના અરસામાં નિજ મંદિરમાં પહોંચશે.
નિજ મંદિરમાં પહોંચતા રણછોડરાયના બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજની નજર ઉતારવામાં આવશે. આ બાદ આરતી કરી ગોપાલ લાલજી મહારાજને પરત નિજ મંદિરમાં બિરાજમાન કરાશે. સમગ્ર રથયાત્રા દરમિયાન ગોપાલ લાલજી મહારાજ અલગ અલગ સવારીમાં બિરાજમાન થશે. ફણગાવેલા મગ, જાંબુ, કેરી, ચણાના પ્રસાદ ગ્રહણ કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. આ રથયાત્રાના રૂટમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત છે. તો આ 251મી રથયાત્રા પ્રસંગે 251 વૃક્ષોના છોડનું રોપણ કરવામાં આવશે.
ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો