Kutch: હત્યાના ત્રણ દિવસ બાદ મૃતકના ઘરમાં જ ચોરી, હત્યા અને ચોરીની ઘટનામાં કોઇ કનેક્શન છે કે કેમ તે દિશામાં પોલીસની તપાસ
પોલીસ અંગત અદાવત સાથે પૈસાની લેતીદેતી મુદ્દે નજીકના સમયમાં કોઇ તકરાર થઇ છે કે નહી તે દિશામાં પણ તપાસ કરી રહી છે. પરંતુ હજુ સુધી કોઇ ખાસ પુરાવા પોલીસના હાથે લાગ્યા નથી.
કચ્છના ઔદ્યોગિક શહેર મુન્દ્રા (Mundra)માં 26 જાન્યુઆરીના રોજ એક 19 વર્ષીય યુવકની હત્યા (Murder) કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેના ત્રણ દિવસ બાદ હવે મૃતકના જ મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલા ઘરમાં ચોરી (Theft)નો બનાવ બન્યો છે. હત્યાનો ભેદ હજુ ઉકેલાયો નથી, ત્યાં હવે મૃતકના જ બંધ ઘરમાં તસ્કરો ત્રાટકતા પોલીસ દોડતી થઇ ગઇ છે.
મૃતકના ઘરમાં ચોરી
મુન્દ્રા બારોઈ રોડ વાડી વિસ્તારમાં 26 જાન્યુઆરીએ બાઈક પર જ કોઈ અજાણ્યા વ્યક્તિઓ દેવેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલા નામના યુવકની હત્યા કરી ફરાર થઇ ગયા હતા. ઘટનાના ત્રણ-ચાર દિવસ બાદ પણ પોલીસને હજુ સુધી હત્યા અંગે કોઈ મહત્વની કડી મળી નથી. તેવામાં મૃતક યુવક દેવેન્દ્રસિંહના મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલા શ્રીજીનગર સ્થિત ઘરમાં તસ્કરો હાથ સફાયો કરી ગયા છે.
મૃતકના પરિવારજનો અમદાવાદ ગયા હોવાથી ઘર બંધ હતુ. જેનો તસ્કરો ગેરફાયદો ઉઠાવી ચોરી કરી ગયા છે. મૃતકના પાડોશી દ્વારા આ અંગે પોલીસને જાણ કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ ઘરમાં અંદાજે 45 હજાર રૂપિયાની ચોરી થયાનું અનુમાન છે.
LCB પણ તપાસમાં જોડાઈ
26 જાન્યુઆરીએ ઘરેથી નીકળ્યા બાદ દેવેન્દ્રસિંહ નામનો યુવક રાત સુધી ઘરે પરત ન ફરતા અને તેનો સંપર્ક પણ ન થતા દેવેન્દ્રસિહના પરીવારજનોએ પોલીસ મથકે ફરીયાદ કરી હતી. જે બાદ યુવકનો મૃતદેહ મુન્દ્રાના બારોઈ સીમ વિસ્તારમાંથી બાઈક પર મળી આવ્યો હતો. પોલીસને મળેલી જાણકારી અનુસાર મૃતક યુવક આસપાસના શ્રમજીવી પરિવારને નાણાં ધીરવાનું કામ કરતો હતો.
પોલીસે ડોગ સ્કવોર્ડ તથા FSLની પણ મદદ લીધી હતી. બાદમાં પશ્ચિમ કચ્છના ઈન્ચાર્જ એસ.પી મયુર પાટીલે પણ ઘટના સ્થળની મુલાકાત લઈ અત્યાર સુધી થયેલી તપાસની સમીક્ષા કરી હતી. જો કે હજુ સુધી આરોપીની હત્યા અંગે કોઇ નક્કર કડી પોલીસના હાથે લાગી નથી. તો બીજી તરફ LCB પણ તપાસમાં જોડાઇ છે અને ચકચારી હત્યાને અંજામ આપનાર સુધી પહોચવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ અંગત અદાવત સાથે પૈસાની લેતીદેતી મુદ્દે નજીકના સમયમાં કોઈ તકરાર થઈ છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ ખાસ પુરાવા પોલીસના હાથે લાગ્યા નથી. જો કે હજુ પોલીસ હત્યાની તપાસ કરે તે પહેલા હવે મૃતકના ઘરમાં ચોરીથી પોલીસને એક નવો પડકાર મળ્યો છે. હત્યા અને ચોરીની ઘટનાને પણ કોઈ સંબધ છે કે કેમ તે દિશામા પણ પોલીસ તપાસ કરશે. જો કે પોલિસના ઉચ્ચ અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે. ટુંક સમયમાં હત્યાનો ભેદ ઉકેલાઇ જશે.
આ પણ વાંચો- Sabarkantha: અંબાજી મંદિરના દ્વાર ભક્તો માટે 1 ફેબ્રુઆરીથી ખુલશે, જાણો કયા નિયમોનું કરવુ પડશે પાલન
આ પણ વાંચો- Ahmedabad: નરોડામાં પોલીસ કર્મચારીઓ પર હુમલો કરનારા 6 આરોપીઓની ધરપકડ, હત્યાના પ્રયાસની કલમ દાખલ કરાઇ