Breaking News : કચ્છમાં પાકિસ્તાન બોર્ડર નજીક બનશે ‘સિંદૂર વન’, ભારતીય સેનાના શૌર્યની થીમ પર ઊભું કરાશે મેમોરિયલ, જુઓ Video
ગુજરાતના કચ્છમાં, ભારત-પાકિસ્તાન સરહદ નજીક, "સિંદૂર વન પાર્ક" નામનું એક અનોખું સ્મારક બની રહ્યું છે. આ પાર્ક ઓપરેશન સિંદૂરના વીર યોદ્ધાઓ અને પહેલગામ હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપશે.

ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક એક અનોખું સ્મારક ઊભું થવાની તૈયારીમાં છે. ‘સિંદૂર વન પાર્ક’ ગુજરાત સરકાર દ્વારા આ પાર્કનો વિકાસ ‘ઓપરેશન સિંદૂર’ના બહાદુર યોધ્ધાઓ અને સ્થાનિક નાગરિકોના સમર્પણને સમ્માન આપવા માટે કરવામાં આવી રહ્યો છે.
સરહદની નજીક, એકતાનું પ્રતીક
આ પાર્ક મિર્ઝાપર વિસ્તારની 8 હેક્ટર વન વિભાગની જમીન પર તૈયાર થશે, જે ભુજ-માંડવી માર્ગ નજીક આવેલી છે. આ સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર બાદ જાહેર સભા સંબોધી હતી. તે પ્રસંગે ભુજ એરબેઝના પુનર્નિમાણમાં સહભાગી મહિલાઓએ પીએમને ‘સિંદૂર છોડ’ ભેટ કર્યો હતો, જેને વડાપ્રધાને ભાવનાત્મક રીતે “વટવૃક્ષ” તરીકે ઉલ્લેખ્યો હતો. આતંકવાદના વિરુદ્ધમાં ભારતીય સેનાના શૌર્યની થીમ પર મેમોરિયલ બનાવાશે ત્યારે સમગ્ર મામલે કેબિનેટ પ્રધાન મુળુ બેરાએ Tv9 સાથે કરી ખાસ વાતચીત કરી અને આ અંગે માહિતી આપી હતી.
થીમ આધારિત માઇક્રો ફોરેસ્ટ
વન વિભાગ મુજબ, પાર્કને ‘માઇક્રો ફોરેસ્ટ’ અથવા ‘વન કવચ’ તરીકે વિકસાવવામાં આવશે. અહીં સિંદૂર છોડ ઉપરાંત 35થી વધુ સ્થાનિક વનસ્પતિઓનું ઘન વાવેતર થશે. પાર્કની રચના એવી રીતે કરવામાં આવશે કે જંગલ અને રાષ્ટ્રીય સુરક્ષાના વારસાને સાથે જોડે.
ભારતીય સેનાના શૌર્ય અને બલિદાનની જોવા મળશે ઝલક
પાર્કમાં ભારતીય સશસ્ત્ર દળો — આર્મી, એરફોર્સ, નેવી અને બીએસએફ — માટે ખાસ વિભાગો હશો. મુલાકાતીઓને યુદ્ધના અનુભવને અનુભવી શકે એ માટે અહીં ઓપરેશન સિંદૂર દરમિયાન ઉપયોગમાં લેવાયેલી લડાકુ સામગ્રી અને વિમાનોના ડાયરામા પણ મૂકવામાં આવશે. વોલ પેઇન્ટિંગ્સ અને ઇન્ફર્મેટિવ ડિસ્પ્લે દ્વારા શૌર્યગાથાઓ રજૂ થશે.
સમગ્ર સ્મૃતિ ક્ષેત્ર: પેહલગામ હુમલાના પીડિતોને સમર્પિત
પાર્કનો એક વિભાગ 22 એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને સમર્પિત કરવામાં આવશે, જેમાંથી ત્રણ ગુજરાતના વતની હતા. ઓપરેશન સિંદૂર દરમિયાન માત્ર કચ્છ અને બાડમેર સેક્ટરમાં જ 600થી વધુ મિસાઇલ અને ડ્રોન હુમલાઓ થયા હતાં. જેમા 40% જેટલા હુમલાઓ ગુજરાત વિસ્તારમાં નોંધાયા હતાં. સુરક્ષા દળોએ તમામ પડકારોને બહાદુરીથી જેલીને દેશની રક્ષા કરી હતી.