Rain Effect: સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે ST વ્યવહારને અસર, કેટલીક બસના રુટ કરાયા બંધ
ભારે વરસાદની અસર જનજીવન સાથે ST વિભાગને પણ થઈ છે. જુનાગઢમાં 30 બસની 100 થી વધુ ટ્રીપ જ્યારે જામનગરમાં 5 થી વધુ બસ બંધ કરાઈ. છે. આ સાથે જરૂર જણાશે ત્યાં વધુ બસ બંધ કરી શકાય છે.

Gujarat ST: રાજ્યમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર વરસાદ સાથે થઈ છે. જ્યારથી રાજ્યમાં ચોમાસું બેઠું છે ત્યારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. અને તેમાં પણ છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. જે વરસાદના કારણે જનજીવન પર અસર પડી છે. સાથે જ રાજ્યની એસટી બસના વ્યવહાર પર પણ અસર પડી છે.
મળતી માહિતી પ્રમાણે ભારે વરસાદને લઈને જુનાગઢની 30 બસની 100 થી વધારે ટ્રીપ રદ કરવામાં આવી છે. જ્યારે જામનગરમાં 5 થી વધુ બસના રુટ રદ કરાયા છે. વિવિધ સ્થળો પર પાણી ભરાવાના કારણે વિસ્તારો પ્રભાવિત થતા બસો જઈ નહીં શકવાના કારણે તેમજ મુસાફરોની સલામતીને લઈને એસટી નિગમ દ્વારા આ નિર્ણય કરીને 100 થી વધારે ટ્રીપ જુનાગઢમાં બંધ કરવામાં આવી છે. જયારે જામનગરમાં પણ કેટલીક બસોની ટ્રીપ બંધ કરાઈ છે. તેમજ જરૂર જણાશે ત્યાં બસોની ટ્રીપ મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી અને સ્લામતીના ભાગ રૂપે બંધ પણ કરાઈ શકે છે.
હજુ પણ બીજા દિવસે એસ ટી વ્યવહાર પર પડી શકે છે અસર
ઉલ્લેખનીય છે કે હજુ ગુજરાત માટે આજનો દિવસ વધુ ભારે છે. કેમ કે આજે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી. તો આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રેહશે. આજે અમરેલી, જૂનાગઢ, નવસારી, વલસાડ, દમણ, સુરતમાં આજે અત્યંત ભારેથી અતિભારે વરસાદની આગાહી. 2 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રેહશે.
હાલ 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ દક્ષિણ ગુજરાત તરફ ઓફ શ્યોર અને સાઈસર વરસાદી સિસ્ટમ હાલ સક્રિય છે. જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ છે. તો અમદાવાદમાં પણ આજે સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. તેમજ રાજ્યમાં પવનની ગતિ 30 કિમી આસપાસ રેહશે. તો ભારે વરસાદ ને લઈને આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અને 3 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટતા રાજ્યવાસીઓને રાહત મળશે.
જોકે શનિવાર અને રવિવારના રોજ ભારે વરસાદને લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર પ્રભાવિત રહેશે. જેના કારણે એસ ટી વ્યવહાર પણ પ્રભાવિત રહી શકે છે.