Ahmedabad: અ.મ્યુ. કો. ના વિપક્ષ નેતાનો આરોપ, શહેરમાં 26 સ્થળોએ 6718 મકાનો ભયજનક સ્થિતિમા હોવા છતા તંત્રને રિડેવલપ કરવામાં નથી રસ
Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણનો આરોપ છે કે શહેરમાં 26 જગ્યાઓ પર 6718 મોતના મકાનો ઝળુંબી રહ્યા છે. લોકો ભયજનક સ્થિતિમાં રહી રહ્યા છે. છતા સત્તાધારી પક્ષને પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને લાભ અપાવવાની લ્હાયમાં ક્વાટર્સનું રિડેવલપ કરાઈ રહ્યુ નથી.
Ahmedabad: શહેરમાં મ્યુનિ.કોર્પોના આવાસો મોટી સંખ્યામાં આવેલ છે તે કવાર્ટસ મુખ્યત્વે મ્યુનિ.સ્ટાફ માટે ઉપલબ્ધ થાય તેવા ઉમદા હેતુ સાથે જે તે સમયે બાંધવામાં આવેલ હતાં તે કવાર્ટસનું સમયાંતરે જરૂરી રીપેરીંગ નહી કરાતાં હાલ પૂર્વ ઝોનના 769 આવાસો, મધ્ય ઝોનના 1504 આવાસો, દક્ષિણ ઝોનના 3197 આવાસો, ઉત્તર ઝોનના 1248 આવાસો મળી કુલ 26જગ્યાએ કુલ 6718 કવાર્ટસો જર્જરીત અને ભયજનક સ્થિતિમાં છે.
જર્જરીત આવાસો પૈકી મોટાભાગના આવાસો 50થી 60 વર્ષ જૂના
આ ક્વાટર્સ પૈકી મોટાભાગના ક્વાટર્સ 50 થી 60 વર્ષ જૂના છે. આ જર્જરીત અને ભયજનક આવાસમાં રહેતા લોકો પર જીવનું જોખમ તોળાઈ રહ્યુ છે. અમદાવાદ મનપાના સત્તાધીશો માત્ર નોટિસ આપી સંતોષ માની રહ્યા છે. આ પ્રકારની હીન માનસિક્તાને કારણે જ ગોમતીપુર હેલ્થ ક્વાટર્સની સીડી તૂટી ગઈ હતી. આ અગાઉ ઓઢવમાં સાંઈ ફ્લેટની આવાસ યોજનામાં એક બ્લોકની બાલ્કની તૂટવાની પણ ઘટના બની હતી.
સત્તાધારી પક્ષને રિડેવલપ માટે મળતિયા કોન્ટ્રાક્ટરોને લાભ આપવામાં જ રસ- વિપક્ષ નેતા
મ્યુનિ.કોર્પોના અધિકારીઓ તથા સત્તાધારી પક્ષને પોતાના મળતીયા કોન્ટ્રાકટરોને લાભ થાય તેવા હેલ્થ કવાર્ટસ કે આવાસ યોજનાને રી-ડેવલપ કરવામાં રસ હોય છે. જે કમનસીબ બાબત છે તંત્રના અધિકારીઓ જર્જરીત તથા ભયજનક કવાર્ટસમાં રહેતા પ્રજાજનોને સમજાવવામાં પણ કોન્ટ્રાકટરની ભાષા બોલે છે કવાર્ટસમાં રહેતા લોકોને લાભ કેમ થાય તેમ છે તે સમજાવવામાં તંત્ર ઉણું ‘ઉતરે છે જેને કારણે જર્જરીત તથા ભયજનક કવાર્ટસમાં રહેતા પ્રજાજનોનું જાનનું જોખમ વધતું જાય છે.
સત્તાધારી પક્ષ માત્ર વિકાસના ગાણા ગાય છે- વિપક્ષ નેતા
સત્તાધારી ભાજપના શાસકો સૌનો સાથ સૌનો વિકાસના ગાણા તો ગાય છે પરંતુ પોતાના જ સ્ટાફના લોકોની મુશ્કેલી તેમના ધ્યાને નથી આવતી. કુદરતી આપત્તિના સમયે ખડેપગે કામગીરી બજાવે છે. આ ક્વાટર્સમાં મોટા ભાગના ચોથા વર્ગના કર્મચારીઓ રહે છે. જેમા મોટાભાગના સફાઈ કર્મચારીઓ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફાઈ કર્મચારીઓને શહેરના પૂજારીની ઉપમાં આપી હતી. પરંતુ માત્ર ઉપમા આપવાથી કે ગાણા ગાવાથી વિકાસ નથી થતો. તેના માટે ઈચ્છાશક્તિ અને નિયત પણ હોવી જોઈએ.
આ પણ વાંચો: Ahmedabad: અમદાવાદમાં 10 કરોડની ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા માણી શકાશે, અમિત શાહ પ્રારંભ કરાવશે
કોઈ અનિચ્છનિય ઘટના બને તે પહેલા જ જર્જરીત ક્વાટર્સમાં રહેતા લોકોને સારી રીતે સમાવી તેમને વધુને વધુ લાભ કેમ થાય તે બાબતનો વિચાર કરી તેમને સંમત કરી તમામ જર્જરીત તથા ભયજનક ક્વાટર્સનું તાકીદે રી-ડેવલપ કરવાની કાર્યવાહી તાકીદે હાથ ધરવા કોંગ્રેસે પક્ષની માગણી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો