હવે ક્યાં ગયુ દાદાનું બુલડોઝર? જુનાગઢમાં ભવનાથ મેળાની અડધોઅડધ જમીન પર ઉભા થઈ ગયા ગેરકાયદે દબાણો
જુનાગઢમાં ભવનાથ મેળાની જમીન પર મોટાપાયે દબાણ કરાયાનો ઘટસ્ફોટ થયો છે. 57 એકર પૈકી 29 એકર જમીન પર દબાણ કરાયાનો ખૂલાસો થયો છે. જ્યારે દર વર્ષે મહાશિવરાત્રીના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે મેળા પર પણ જોખમ તોળાઈ રહ્યુ છે.

જુનાગઢમાં ભવનાથના મેળાને મિનિ કુંભ જાહેર કરવામાં આવ્યો છે અને આ વર્ષે રાજ્ય સરકાર પણ આ મેળામાં સહભાગી થવાની છે, ત્યારે આ મેળાને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. દર વર્ષે મહાશિવરાત્રી પર્વે આયોજિત થતા આ ભવનાથના મેળાની જમીન પર મોટાપાયે દબાણ કરવામા આવ્યુ છે. મેળાની 57 એકર જમીન પૈકી 29 એકર જમીન પર વ્યાપક દબાણ કરાયુ છે.
મેળાની 57 એકર પૈકી 29 એકર જમીન પર દબાણો
દર વર્ષે આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે તંત્રએ મેળાના આયોજન પહેલા હાથ ધરેલા સર્વેમાં દબાણની ચોંકવનારી સ્થિતિ સામે આવી છે. આ વર્ષે પણ આ મેળામાં અંદાજે 5 લાખ શ્રદ્ધાળુઓ એક્ઠા થાય તેવી શક્યતા સેવાઈ રહી છે એવા સમયે મેળા સ્થળે અવ્યવસ્થા અને ધક્કામુક્કીના દૃશ્યો સર્જાઈ શકે છે. માત્ર 24 એકર જમીન પર મેળાનું આયોજન કરવા તંત્ર મજબુર બન્યુ છે.
અડધોઅડધ જમીન પર દબાણ થઈ ગયા, ત્યા સુધીં તંત્ર શું કરતુ હતુ?
આપને જણાવી દઈએ કે દર વર્ષે ભવનાથના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે. ત્યારે ટૂંક સમય અગાઉ DILR દ્વારા મેળાની જમીનની માપણી કરવામાં આવી હતી. જેમાં ઘટસ્ફોટ થયો છે કે મેળા માટે ફળવાયેલી 57 એકર જમીનમાંથી 29 એકર જમીન પર દબાણ કરાયું છે. ત્યારે હવે શિવરાત્રી મેળામાં ભારે ભીડ અને જમીન પરના દબાણની સ્થિતિ વચ્ચે અગવડતા સર્જાય તેવી પણ ભીંતી સેવાઈ રહી છે. સાથે જ ભારે ભીડ વચ્ચે કોઈ દુર્ઘટના સર્જાવાની પણ શક્યતાઓ વધી છે.
મેળા સ્થળે શું રાતોરાત દબાણો ઉભા થઈ ગયા?
જો કે અહીં સૌથી મોટો સવાલ એ પણ છે કે તંત્રની આંખ સામે આ દબાણ થઈ ઉભા થઈ ગયા તો શું તેમના ધ્યાનમાં નહીં આવ્યા હોય? હવે જ્યારે મેળાનું આયોજન માથા પર છે, મેળાને આડે માત્ર દોઢ મહિનો બાકી છે ત્યારે તંત્રને દબાણ અંગે જાણ થાય છે. સવાલ એ પણ છે કે શું આ દબાણો રાતોરાત ઉભા કરી દેવામાં તો નહીં આવ્યા હોય? ત્યારે તંત્ર શું કરી રહ્યુ હતુ? અને હવે રહી રહીને કેમ જાગ્યુ? તંત્રની નાકની નીચે દબાણો થઈ જાય છે અને તેમને જાણ જ નથી હોતી? આ વાત તો કોને ગળે ઉતરશે? મેળાની 57 એકર જમીનમાંથી અડધોઅડદ જમીન પર દબાણો કરી દેવામાં આવ્યા છે ત્યારે હવે શું તંત્ર આ જમીન ખુલ્લી કરાવશે? હાલ તો આ દબાણને પગલે મેળામાં આવતા ભાવિકોની સલામતીને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.