કડદા વિવાદ વચ્ચે જસદણ APMCનો મોટો નિર્ણય, વેપારીઓ અને એજન્ટોને કડદો ન કરવા તાકીદ, જો કરશે તો થશે કાર્યવાહી
રાજ્યભરમાં કડદા પ્રથાના વિવાદ વચ્ચે જસદણ એપીએમસી દ્વારા મોટો નિર્ણય કરાયો છે. વેપારીઓ અને એજન્ટોને કડદો ન કરવા તાકીદ કરાઈ છે. હરાજી સમયે જ યોગ્ય ભાગ નક્કી કરવા સૂચના આપવામાં આવી છે. હરાજી બાદ કડદો કરનાર સામે APMC કડક કાર્યવાહી કરે
ગુજરાતમાં કડદા પ્રથાએ ખેડૂત આંદોલનનો મુખ્ય મુદ્દો બની રહ્યો છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી ઉઠેલા મુદ્દાઓએ સરકારની ચિંતા વધારી છે કેમકે આ મુદ્દો હવે સૌરાષ્ટ્ર વ્યાપી બને તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. હાલ આ મુદ્દાની આગ બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી જીલ્લા સુધી તો પ્રસરી ચૂકી છે. એકતરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયત્નોમાં લાગેલી થે તો બીજી રાજ્યની વિવિધ યાર્ડ ખેડૂતોની આવક અડધી કરવામાં લાગેલા હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. આ માટે જ કડદા પ્રથાનો વિરોધ થઈ રહ્યો છે. રાજકોટમાં જસદણ APMC દ્વારા કડદાને લઈને મોટો નિર્ણય લેવાયો છે. વેપારીઓ અને એજન્ટોને કડદો ન કરવા માટે તાકીદ કરવામાં આવી છે. હરાજી સમયે જ યોગ્ય ભાવ નક્કી કરવા સૂચના આપવામાં આવી છે. હરાજી બાદ કડદો કરનાર સામે APMC કડક કાર્યવાહી કરશે અને લાઈસન્સ રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો છે.
શું છે કડદા પ્રથા?
કડદો શબ્દનો સીધો જ અર્થ થાય છે કાપ કે ઘટાડો. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાનો પાક વેચવા લાવે ત્યારે વેપારીઓ અથવા દલાલો વજન કરતી વખતે ગુણવત્તા બતાવતા જે કપાત કરે છે તેને કડદો કહેવાય છે, જે ઘણી વખત ખેડૂતોને રીતસર અન્યાય કરતી હોય છે.
કેવી રીતે કરાય છે કડદો ?
ધારો કે કોઈ ખેડૂત 100 કિલો પાક વેચવા માટે આવે છે તો તો કડદાના નામે તેના પાકની પહેલા સીધી ત્રણ કિલોની ઘટ કરી દેવામાં આવે. તેની સાથે પાકમાં ભેજનું પ્રમાણ છે, દાણો નાનો છે, કાંકરા કે કચરો છે તેમ કહીને કિંમતમાં ઘટાડો કરી દેવામાં આવે. આ પકારે કડદો કરીને ખેડૂતે લાવેલ પાકની કિંમત ઘટાડી દેવામાં આવે છે. વર્ષોથી આ પ્રકારે ખેડૂતો સાથે આ યાર્ડના દલાલો દ્વારા કડદા પ્રથા કરવામાં આવી રહી છે. પરંતુ આજકાલ તેનો વિવાદનું કેન્દ્ર એટલે બની છે કે ખેડૂતો હવે આ અન્યાયી પ્રથા સહન કરવા માગતા નથી અને તેઓ વિરોધ કરી રહ્યા છે.
દીવા જેવી સ્પષ્ટ વાત છે કે કડદો પ્રથા એ ફક્ત વજનનો કડદો નથી, પરંતુ ખેડૂતોની મહેનતનો, ખેડૂતોના હક્કનો, વિશ્વાસનો પણ કડદો છે. આ જ અન્યાય સામે ખેડૂતોએ હવે માથુ ઉંચક્યુ છે. આ અન્યાયી પ્રથાના વિરોધમાં જ બોટાદમાં ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી. જેમા પોલીસ અને ખેડૂતના ઘર્ષણના દૃશ્યો સામે આવ્યા હતા. જો રાજ્યની APMC આ અન્યાયી કડદા પ્રથાને દૂર નહીં કરે તો તેમને ખેડૂતોના આક્રોશનો સામનો કરવો પડશે.