ધૂળેટીના પર્વે ભક્તિના રંગે રંગાયા ભક્તો, સાળંગપુર અને ડાકોરમાં ભાવિકોએ ભગવાન સાથે કરી રંગોત્સવની ઉજવણી
આજે દેશભરના મંદિરોમાં રંગોત્સવના પર્વ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. કાશી થી લઈને મથુરા અને અયોધ્યા થી લઈને ઉજ્જૈન તો ગુજરાતમાં ડાકોથી લઈને શામળાજી અને સાળંગપુરમાં રંગોત્સનની ઉજવણીના અદ્દભૂત દૃશ્યો સામે આવ્યા છે.
દેશભરના પ્રસિદ્ધ મંદિરોમાં આજે દેવી-દેવતાઓ સાથે પણ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. વાત કરીએ ઉજ્જૈનની તો “ભસ્મ આરતી” માટે પ્રસિદ્ધ સ્થાનકમાં આજે ગુલાલની છોળો ઉડી. મહાકાલને અદભુત શણગાર કરાયો અને પછી તેમને ગુલાલ ચડાવી આરતી કરાઈ. આ તરફ અયોધ્યામાં રામ મંદિરમાં પણ ધૂળેટીની ઉજવણી થઈ. રામલલા આજે ધનુષને બદલે સોનાની પીચકારી સાથે જોવા મળ્યા. વાત કરીએ ખેડાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની તો અહીં આજે “ફૂલ દોલોત્સવ” પર્વની ઉજવણી થઈ. ઉલ્લેખનીય છે કે રણછોડરાયજી સાથે ધૂળેટીની ઉજવણી માટે જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હોળી-ધૂળેટી પર્વ પર પગપાળા ચાલીને ડાકોર પહોંચતા હોય છે. આ તરફ શામળાજીમાં પણ શામળિયા સરકારને અદભુત શણગાર કરાયો અને પછી મંદિરમાં ધૂળેટીની ઉજવણી કરાઈ. સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવના સાનિધ્યે પણ ધૂળેટીની ઉજવણીના અદભુત દ્રશ્યો સામે આવ્યા.
સાળંગપુર ધામમાં ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવી. ધૂળેટીએ કષ્ટભંજન દેવનો દરબાર રંગબેરંગી પુષ્પોથી સજી ઉઠ્યો. તો 7 પ્રકારનો 51 હજાર કિલો રંગ અર્પણ કરાયો. ઉદયપુરથી મંગાવવામાં આવેલા ખાસ ઓર્ગેનિક રંગોથી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી.
યાત્રાધામ ડાકોરમાં તો કંઈક અનોખો જ માહોલ જોવા મળ્યો. રાજા રણછોડને આજે સોના-ચાંદીની પીચકારી અર્પણ કરાઈ હતી. ભગવાનના બાળ સ્વરૂપને ફૂલદોલ પર બિરાજીત કરાયા હતા અને પછી ભગવાન ભક્તો સાથે ધૂળેટી ઉજવતા હોય તેવા ભાવ સાથે ફૂલદોલોત્સવ પર્વની ઉજવણી કરાઈ. ઉલ્લેખનીય છે કે ફાગણી પૂનમના મેળામાં પાંચ દિવસમાં 10 લાખથી પણ વધુ ભાવિકો. રણછોડરાયના દર્શનનો લાભ લઈ ચુક્યા છે.
અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પણ અબીલ-ગુલાલની છોળો ઉડી. શણગાર આરતી પહેલાં જ મંદિરમાં રંગોત્સવની ઉજવણી થઈ. ચાંદીની પીચકારીથી પ્રભુને કેસુડાનો રંગ લગાવાયો. મંદિરમાં પણ વિશેષ ફૂલોની સજાવટથી વાતાવરણ અત્યંત ખીલી ઉઠ્યું હતું.
ગુજરાત સહિત દેશભરના મંદિરોમાં ઉલ્લાસપૂર્ણ માહોલ જોવા મળ્યો. વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર બહાર ભક્તોએ ધૂળેટી પર્વની ઉજવણી કરી. મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર બહાર મોટી સંખ્યામાં એકઠા થયેલા શ્રદ્ધાળુઓએ રંગોત્સવ ઉજવ્યો. ગુજરાતના પ્રસિદ્ધ દ્વારિકાધીશ મંદિર બહાર પણ હકડેઠઠ માનવ મહેરામણ ઉમટ્યું હતું. ઢોલ-મંજીરાના તાલ અને ગુલાલ સાથે શ્રદ્ધાળુઓએ એકબીજાને રંગ લગાવ્યા. અમદાવાદના પ્રસિદ્ધ કાલુપુર મંદિરમાં પણ પુષ્પ અને કેસૂડાના રંગો સાથે ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવ્યો. ખેડાના વડતાલ ધામમાં કંઈક અનોખો જ માહોલ જોવા મળ્યો. 5 હજાર કિલો ફૂલ, 2 હજાર કિલો ગુલાબની પાંખડી તથા એક હજાર કિલો હજારીના ફૂલની પાંખડીઓથી ભગવાન પર અભિષેક કરાયો. અને ત્યારબાદ 50 હજારથી પણ વધુ શ્રદ્ધાળુઓએ રંગોત્સવની ઉજવણી કરી.