ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર મોટો આરોપ, 2017ની ચૂંટણી એમ્પાયરને કારણે હાર્યા હોવાનો દાવો
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન વિવાદ સર્જાયો હતો. એક યુવા કાર્યકરે પોતાની નારાજગી જાહેરમાં વ્યક્ત કરી, જેના કારણે હલચલ મચી ગઈ.
રાહુલ ગાંધી ગુજરાત મુલાકાત દરમિયાન આણંદ પહોંચ્યા હતા. આણંદ ખાતે કોંગ્રેસના સંગઠન કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં નવનિયુક્ત શહેર અને જિલ્લા અધ્યક્ષોને માર્ગદર્શન આપ્યું તેમજ તેમની સમસ્યાઓ સાંભળી.
મધ્ય ગુજરાતમાં આજથી શરૂ થતી “રાહુલ ગાંધીની પાઠશાળા”નું મુખ્ય ઉદ્દેશ જ નવા પ્રમુખોને રાજકીય રીતે ઘડવાનું છે. કોંગ્રેસના આ નવા જવાબદારોને ત્રણ દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે, જેમાં પ્રથમ દિવસે જાતે રાહુલ ગાંધી ક્લાસ લેશે. આ સાથે કે.સી. વેણુગોપાલ પણ ઉપસ્થિત રહી નેતૃત્વ આપશે.
પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ આજે સવારે 11 વાગે થશે, જયારે કોંગ્રેસના નેતાઓ સવારે 9:30 વાગ્યે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચશે. બપોરે 3 વાગ્યે નવનિયુક્ત પ્રમુખો દૂધ સંઘના સભાસદો સાથે સંવાદ કરશે.
આ ત્રણ દિવસમાં જિલ્લા પ્રમુખોને બૂથ મેનેજમેન્ટ, મીડિયા અને સોશિયલ મીડિયા હેન્ડલિંગ, તેમજ સ્થાનિક સ્વરાજ્યની રાજનીતિ અંગે ઊંડાણપૂર્વક તાલીમ આપવામાં આવશે. રાજકીય નેતૃત્વ, પ્રચાર-પ્રસાર અને જનતાના પ્રશ્નો સમજીને તેમને સાથે સંવાદ સાધવો, આ તમામ બાબતો પર તેમને માર્ગદર્શન અપાશે.
2017માં કોંગ્રેસની હારના પાછળ અમ્પાયરની ભૂમિકા
રાહુલ ગાંધીએ શિબિર દરમિયાન ત્રણ મુખ્ય મુદ્દાઓ પર સ્પષ્ટતા આપી. તેમણે ચૂંટણી પંચને “ચીટર અમ્પાયર” કહ્યા અને દાવો કર્યો કે, 2017માં કોંગ્રેસની હારના પાછળ અમ્પાયરની ભૂમિકા હતી. આ ઉપરાંત તેમણે દેશના રાજકારણની સરખામણી RSSના મંદિર સાથે કરી અને કહ્યું કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પ્રયાસ કર્યા બાદ સમજાયું કે ગંગોત્રી ગુજરાતમાં જ છે.
વડોદરાની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી યુવા કોંગ્રેસના કાર્યકર મિતેશ પરમારને પણ મળ્યા. આ દરમિયાન યુવા કોંગ્રેસ કાર્યકર મિતેશ પરમારે રાહુલ ગાંધીને ટાંકીને આક્ષેપ કર્યો કે, સામાન્ય કાર્યકરોને ટિકિટ નથી મળતી, જ્યારે ઉદ્યોગપતિ અને બિલ્ડરોને ટિકિટ મળે છે. એમણે દાવો કર્યો કે, કેટલાક કોંગ્રેસના મોટા નેતાઓનું ભાજપ સાથે સેટિંગ છે.
કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે આક્ષેપોનો ઇનકાર કરતા જણાવ્યું કે, “એ વ્યક્તિ કોંગ્રેસ કાર્યકર છે કે નહીં એ પણ ખબર નથી. એક નાગરિક તરીકે રાહુલ ગાંધીએ તેની બધી વાત સાંભળી પરંતુ એ વ્યક્તિએ પાર્ટી અંગે જે જણાવ્યું છે એ અમને માન્ય નથી.”
11 નવા પ્રમુખોને સ્થાન મળ્યું
અન્ય તરફ, કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખોએ કહ્યું કે, પાર્ટીમાં ત્વરિત નિર્ણયો લેવાની ક્ષમતા વધારવાની જરૂર છે. તેઓએ ઉમેર્યું કે, બૂથ લેવલ પર સંગઠન હજુ મજબૂત બનવાનું બાકી છે. જો કે, નવી પસંદગી પદ્ધતિના કારણે NSUIમાંથી જોડાયેલા 11 નવા પ્રમુખોને સ્થાન મળવું એ એક સકારાત્મક બદલાવ છે.
આ સિવાય રાહુલ ગાંધીએ પાદરા નજીક ગંભીરા બ્રિજ અકસ્માતમાં પીડિત પરિવારોને મળીને સહાનુભૂતિ વ્યક્ત કરી અને વડોદરા એરપોર્ટથી દિલ્હી માટે રવાના થયા.