ગુજરાત રચશે ઈતિહાસઃ આ વર્ષે રાજ્યમાં 22 લાખ હેકટરમાં મગફળીનુ વાવેતર, રેકોર્ડબ્રેક 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદનનો અંદાજ
સમયસર અને સારા વરસાદને પગલે, આ વર્ષે ગુજરાતમાં 22 લાખ હેકટર વિસ્તારમાં મગફળીનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. આ વાવેતરથી રાજ્યમાં 66 લાખ મેટ્રિક ટન મગફળી ઉત્પાદન થશે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં ઉત્પાદન થતી મગફળીમાં અડધો અડધ ઉત્પાદન ગુજરાતનું હોય છે. ગયા વર્ષે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 12.22 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી હતી. જેનો સીધો લાભ 3.67 લાખથી વધુ ખેડૂતોને રૂપિયા 8,295 કરોડનો થયો હતો.

સમગ્ર દેશમાં ગુજરાત આ વર્ષે મગફળીના વાવેતર અને ઉત્પાદન ક્ષેત્રે વિક્રમ રચશે. 2025ના વર્ષની ખરિફ સિઝનમાં, ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીના અહેવાલ અનુસાર, 22 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનુ વાવેતર કરવામાં આવ્યું છે. જે સમગ્ર દેશમાં સૌથી વિસ્તારમાં વાવેતર છે. ગુજરાતના 22 લાખ હેકટર વિસ્તારમાં કરાયેલ વાવેતરને પગલે આ વખતે ગુજરાતમાં મગફળીનું રેકૉર્ડબ્રેક 66 લાખ મે. ટન ઉત્પાદન થવાનો અંદાજ છે.
મગફળી પાક છેલ્લા ઘણા વર્ષોથી ભારત અને ગુજરાતના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતા ટોચના દેશોમાં ભારતે અગ્રીમ હરોળમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. ત્યારે ભારતના કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો આજે 50 ટકાથી પણ વધુ છે. મગફળી વાવેતર અને ઉત્પાદન ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો આ વર્ષે પણ યથાવત જળવાઈ રહ્યો છે.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યમાં મગફળીના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2018-19માં રાજ્યમાં કુલ 15.94 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું હતું. જેની સામે ચાલુ વર્ષે મગફળીના સમાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ 25 ટકાના વધારા સાથે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 22 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે.
તેવી જ રીતે, રાજ્યમાં મગફળીનું ઉત્પાદન પણ વર્ષ 2018-19માં 22 લાખ મેટ્રિક ટનથી વધુ નોંધાયું હતું, ગત વર્ષ 2024-25માં 30 લાખ મેટ્રિક ટનના વધારા સાથે કુલ 52.20 લાખ મેટ્રિક ટન નોંધાયું હતું. આ વર્ષે ગુજરાતનું મગફળી ઉત્પાદન વર્ષ 2018-19 ની સરખામણીએ ત્રણ ગણા વધારા સાથે રાજ્યના ઇતિહાસનું સૌથી વધુ 66 લાખ મેટ્રિક ટન થવાનો પ્રાથમિક અંદાજ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે સરકાર દ્વારા મગફળી માટે વાવેતર અગાઉ જ લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરીને તેમની પાસેથી દર વર્ષે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2020-21માં ગુજરાતના એક લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. 1068 કરોડના મૂલ્યની કુલ 2 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી.
ગત વર્ષ 2024-25 દરમિયાન રાજ્યમાં થયેલા મગફળીના પુષ્કળ ઉત્પાદનના પગલે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની અત્યાર સુધી સૌથી રેકોર્ડબ્રેક ખરીદી કરી હતી. જેમાં રાજ્યના 3.67 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. 8295 કરોડના મૂલ્યની કુલ 12.22 લાખ મેટ્રિક ટન મગફળીની બમ્પર ખરીદી કરવામાં આવી હતી. આ વર્ષે પણ ખેડૂતો પાસેથી પૂરતી માત્રામાં મગફળીની ખરીદી કરવામાં આવશે, તેમ તેમણે કહ્યું હતું.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો