3 જુલાઇના મહત્વના સમાચાર : જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવા સામેની અરજી પર સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી
આજે 3 જુલાઈ સોમવારના રોજ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર તથા વરસાદને લગતા સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 3 જુલાઈ સોમવારના રોજ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર તથા વરસાદને લગતા સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવા સામેની અરજી પર SC સુનાવણી કરશે
સુપ્રીમ કોર્ટ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર 11 જુલાઈએ સુનાવણી કરશે. 5 જજોની બંધારણીય બેન્ચ કલમ 370 પર સુનાવણી હાથ ધરશે.
-
દિલ્લીમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક પૂર્ણ
દિલ્લીમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક મળી હતી જે પૂર્ણ થઈ છે. પ્રગતિ મેદાનમાં 5 કલાક સુધી બેઠક ચાલી. બેઠક બાદ PM મોદીએ ટ્વીટ કર્યું અને લખ્યું કે, બેઠક સફળ રહી, અનેક મુદ્દાઓ પર ચર્ચા કરાઇ.
A fruitful meeting with the Council of Ministers, where we exchanged views on diverse policy related issues: Prime Minister Modi#PMModi #CouncilOfMinisters #PolicyIssues #Meeting #TV9News pic.twitter.com/A694CV3UA0
— Tv9 Gujarati (@tv9gujarati) July 3, 2023
-
-
ગાંધીનગર ગીફ્ટ નિફ્ટીનો આજથી થયો પ્રારંભ, પ્રથમ વખત સ્ટોક એક્સચેન્જમાં બે દેશ સહયોગ કરશે
ગીફ્ટ સીટીમાં ખાસ કાર્યક્રમ યોજાયો. હવે સિંગાપોર નિફ્ટીની જગ્યાએ આજથી ગીફ્ટ નિફ્ટી તરીકે ઓળખાશે. ગીફ્ટ નિફ્ટીનો શરૂ કરવામાં પહેલીવાર સિંગાપોર અને ભારતનો સહયોગ કરવામાં આવ્યો. વિશ્વમાં આ પહેલી ઘટના છે કે કોઈ સ્ટોક એક્સચેન્જમાં બે દેશ સહયોગ કરશે. જેમાં પાંચ વર્ષની પાર્ટનરશીપ ભારત અને સિંગાપોર વચ્ચે રહેશે
-
વલસાડ ખાતે વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત, ટ્રેક પર બળદ આવી જતા સર્જાઈ ઘટના
વલસાડ ખાતે ફરી વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. ટ્રેનની સામે બળદ આવી જતાં અકસ્માત સર્જાયો. વંદે ભારત અમદાવાદથી મુંબઇ જઇ રહી હતી. વલસાડ સ્ટેશનથી થોડે દુર લોકોસેડ પાસે ટ્રેક પર બળદ આવી જતા RPF અને રેલવે સ્ટાફે ટ્રેન નીચે ફસાયેલા બળદને બહાર કાઢ્યો. મહત્વનુ છે કે 20 મિનિટથી વધુ ટ્રેન વલસાડ ખાતે રોકાઈ. બળદને બહાર કાઢ્યા બાદ ચકાસણી કરી વંદે ભારતને રવાના કરાઈ.
-
વલસાડના નનકવાળા વિસ્તારમાં બની ઘટના, ત્રણ જેટલા લોકો બાલ્કની સાથે નીચે પડ્યા
વલસાડના નનકવાળા ગામ ખાતે એપાર્ટમેન્ટના દાદરના ભાગની બાલ્કની તૂટી હોવાની ઘટના બની છે. બાલ્કનીમાં ઉભેલા ત્રણ જેટલા લોકો બાલ્કની સાથે નીચે પડ્યા. ત્રણે લોકોને ગંભીર ઇજા પોહચતા 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.
-
-
અમદાવાદના મેઘાણીનગરમાં ગર્ભવતી મહિલાનું મોત થતા હોબાળો
અમદાવાદના મેઘાણી નગરમાં પરિવારે ડોક્ટરની બેદરકારીથી ગર્ભવતી મહિલાનું મોતનો આરોપ લગાવ્યો છે. પ્રસુતિની પીડા ઉપડતા તપાસ માટે પરિવાર ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લાવ્યા હતા. સારવાર દરમિયાન 23 વર્ષીય ગર્ભવતી મહિલાનું મોત થયુ છે. સમગ્ર મામલે મેઘાણીનગર પોલીસે તપાસ શરૂ કરી છે.
-
બનાસકાંઠામાં અકસ્માતની અલગ-અલગ ઘટનામાં 6નાં મોત
બનાસકાંઠામાં અકસ્માતની અલગ-અલગ ઘટનામાં 6નાં મોત થયા છે. આગથળા નજીક જીપ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. બાઈક પર સવાર પત્નીનું મોત અને પતિને ગંભીર ઈજા થઈ છે. બાઈક સાથે અક્સ્માત બાદ જીપ ચાલકે પલટી મારી. આગથળા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
-
ભરૂચ નબીપુરની રૂપિયા 1.25 કરોડની લૂંટમાં વધુ એક આરોપી ઝડપાયો
ભરૂચમાં નબીપુર ખાતે રૂપિયાની થયેલી લૂંટમાં વધુ એક આરોપી ઝડપાયો છે. 23મી જૂને નબીપુર નજીક ટોળકીએ જવેલર્સને લૂંટ્યો હતો. જ્યારે હાલ નીરવ ઉર્ફે રવિ મહેશભાઇ શાહની ભરૂચ પોલીસે ધરપકડ કરી છે. નિરવે આરોપીઓને ભેગા કરી લૂંટનો પ્લાન બનાવ્યો હતો.
-
પંચમહાલ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો થતાં પંચાયતના સભ્યોએ કર્યું વોક આઉટ
પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ કામિની સોલંકી સામે જિલ્લા પંચાયતના સભ્યોનો ભારે અસંતોષ જોવા મળ્યો. ભાજપ શાસિત જિલ્લા પંચાયતના મોટાભાગના જિલ્લા પંચાયતના સભ્યોએ સામાન્ય સભા માથી વોક આઉટ કર્યું. ગ્રામ્ય વિસ્તારોમાં 15માં નાણાપંચની ગ્રાન્ટની ફાળવણીને લઈને સભ્યો દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરી વોક આઉટ કર્યું હતું.
-
જૂનાગઢમાં ચોરવાડમાં કિશોરને હાર્ટ એટેક આવતા મોત
જૂનાગઢમાં ગડુ નજીક આવેલા ચોરવાડના કિશોરનું મોત નીપજયું. 17 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત થયું છે. બગીચામાં કામ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો.
-
ગુજરાત ATSએ UP થી ઝડપેલા 3 આરોપીની પૂછપરછ કરતાં મહત્વનો ખુલાસો, યુપીમાં ISIS ટેરર મોડ્યુલ સક્રિય હોવાની માહિતી
યુપીમાં ISIS ટેરર મોડ્યુલ સક્રિય હોવાની માહિતી મળતાં ગુજરાત ATS એક્શનમાં આવ્યું. બાતમીના આધારે ત્રણ લોકોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ UP ATSને સોંપવામાં આવ્યા હતા. મહત્વનુ છે કે ISKP આતંકી મોડ્યુલની તપાસ દરમિયાન ગોરખપુરના તારિકનું નામ પણ સામે આવ્યું હતું. ગોરખપુરનો તારિક શંકાસ્પદ આતંકવાદી સુમૈરાના સંપર્કમાં હતો જેની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી. જ્યારે ગુજરાત ATSએ ત્રણેયની પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે ISIS યુપીમાં અન્ય આતંકી મોડ્યુલમાં સક્રિય હોવાનું સમે આવ્યું હુત. યુપી એટીએસ દ્વારા આ અંગે વધુ તપાસ કરવામાં આવશે
-
જયંત ચૌધરીએ NDAમાં જોડાવાની અટકળોને ફગાવી દીધી
જયંત ચૌધરીએ એનડીએમાં જોડાવાની અટકળોને નકારી કાઢતા કહ્યું છે કે તેઓ બેંગલુરુમાં 17/18 જુલાઈના રોજ યોજાનારી વિપક્ષની બેઠકમાં ભાગ લેશે. રામદાસ આઠવલેના દાવાને ફગાવતા જયંતે કહ્યું કે એનડીએમાં જોડાવાના સમાચાર સંપૂર્ણપણે ખોટા છે.
-
ગુજરાતના સૌથી મોટા ST ડેપોમાં કિચડના થર જામ્યા
Surat Bus Stand: સુરત શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં મેટ્રો ટ્રેન પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે. કેટલીક જગ્યાએ તો લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યાં સુરતના બસ વર્ક શોપમાં માટી સમય સર ન હટાવતા ચાર દિવસના ભારે વરસાદે હાલત બગાડી છે.

-
WhatsAppએ ભારતમાં 64 લાખ એકાઉન્ટ પર મૂક્યો પ્રતિબંધ
વોટ્સએપના રિપોર્ટ અનુસાર 1 મેથી 31 મેની વચ્ચે 65,08,000 વોટ્સએપ એકાઉન્ટ્સ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા અને તેમાંથી 2,420,700 એકાઉન્ટ્સ યુઝર્સ તરફથી કોઈ રિપોર્ટ આવે તે પહેલા જ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશને આ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે કારણ કે વપરાશકર્તાઓએ ભારતીય કાયદાઓ અને WhatsAppના સેવાના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કર્યું હતું. વોટ્સએપ તેના યુઝર્સની સુવિધા માટે રિપોર્ટ કરાયેલા એકાઉન્ટ પર તાત્કાલિક પગલાં લે છે. જેથી કરીને કોઈપણ યુઝરની પ્રાઈવસી અને સુરક્ષાને કોઈ ખતરો ન રહે.
-
બરોડા ડેરીનો મુદો ઉકેલાયો, પ્રમુખ તરીકે સતીષ પટેલ
વડોદરામાં બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. સતીષ પટેલ બરોડા ડેરીના નવા પ્રમુખ બન્યા. તો જી. બી. સોલંકીની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે. ગત તારીખ 26 જૂને ચૂંટણી અધિકારીની ગેરહાજરીને પગલે ચૂંટણી નહોતી યોજાઇ.
-
3 મહિનામાં ચિત્ર બદલાશે, સમયસર બધા મારી સાથે હશેઃ શરદ પવાર
NCP ચીફ શરદ પવારે કહ્યું છે કે અજિત પવારનો નિર્ણય તેમનો અંગત છે. સમય આવશે ત્યારે બધા મારી સાથે હશે. 3 મહિનામાં આખું ચિત્ર બદલાઈ જશે.
-
દિલ્હી દારૂ કૌભાંડ : મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી
દિલ્હી સરકારની આબકારી નીતિ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કૌભાંડના સંબંધમાં દિલ્હી હાઈકોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે.
-
આસામ: જેલમાં બંધ અમૃતપાલે ભૂખ હડતાળ કરી સમાપ્ત
આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ ખાલિસ્તાની નેતા અમૃતપાલ અને તેના સાથીઓએ તેમની ભૂખ હડતાલ સમાપ્ત કરી દીધી છે. તેમની કેટલીક માંગણીઓ સ્વીકારવામાં આવી છે.
-
સુરેન્દ્રનગરના થાનમાં સ્થાનિકો ગટરના પાણીમાં ચાલવા મજબૂર
સુરેન્દ્રનગરના થાનમાં પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. પાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ-4માં દરરોજ ગટરો ઉભરાતી હોવાની રાવ સામે આવી છે. વોર્ડ-4માં દરરોજ ગટરો ઉભરાતી હોવાથી લોકો ગંદા પાણી વચ્ચે રહેવા અને ચાલવા મજબૂર બન્યા છે.
-
દિલ્હી NCP ઓફિસમાંથી પ્રફુલ્લ પટેલનો ફોટો હટાવ્યો
મહારાષ્ટ્રમાં અજિત પવારની સાથે NCP સામે બળવો કરનારા પ્રફુલ્લ પટેલની તસવીરો દિલ્હીમાં NCP કાર્યાલયમાંથી હટાવી દેવામાં આવી છે.
-
વિદ્યાર્થી સ્ટેજ પર સ્પીચ આપતા થયો બેભાન, સારવાર મળે તે પહેલા જ થયું મોત
રાજકોટની SGVP ગુરુકુળમાં ધોરણ-10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી બેભાન થયો હતો. ધોરણ 10માં અભ્યાસ કરતો દેવાંશ વિન્ટુભાઈ ભાયાણી સ્ટેજ પર સ્પીચ આપતા આ ઘટના બની હતી. વિદ્યાર્થીને બેભાન હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ જો કે સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું. મૃતકના દાદા ભૂતપભાઇ ભાયાણી સિદસર મંદિરના ટ્રસ્ટી છે. હાલ મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે.
-
રાજ્યના કુલ 206 જળાશયોમાં 38 ટકાથી વધુ પાણીનો સંગ્રહ, સરદાર સરોવર ડેમ 55 ટકાથી વધુ ભરાયો
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 55.17 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જયારે ગુજરાતના 19 જળાશયો 100 ટકાથી વધુ એટલે સંપૂર્ણ છલકાયા છે. 29 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 25 જળાશયો 50 થી 70 ટકા તેમજ 54 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે.
-
રાજકોટના ભાયાવદરમાં પૂરના દ્રશ્યો, બે ગાય નદીમાં તણાઈ, જુઓ Video
રાજકોટના ભાયાવદરમાં ધોધમાર વરસાદ બાદ પૂરના દ્રશ્યો સામે આવ્યા છે. ભાયાવદરમાં આવેલા ટીંબડી ગામથી પસાર થતી હીરા નદીમાં પૂર આવી જતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. નદીનો પ્રવાહ એટલો તેજ હતો કે તેમાં બે ગાયો તણાઈને જતી રહી છે. જે બાદ બે આખલાઓ પણ પાણીમાં તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. નદીનો ધસમસતો પ્રવાહ જોઈને જ લાગે છે જાણે નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
-
હવામાન વિભાગની આગાહી, 6-7 તારીખ પછી ફરી સૌરાષ્ટ્રમાં રહેશે વરસાદ
- આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદ
- સુરત ભરૂચમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ રહી શકે
- 6-7 તારીખ પછી ફરી સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે
- 7 જુલાઈએ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
- દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 7 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ
- હાલ પશ્ચિમ બંગાળમાં સર્ક્યુલેશન બનતા વરસાદ રહેશે
- હાલ તાપમાનમાં કોઈ વધારો નહીં
-
જોશીમઠ પર વધુ એક ખતરો, વરસાદના કારણે ખેતરમાં 6 ફૂટ ઉંડો ખાડો પડતા લોકો ચિંતિત
મીડિયા રિપોર્ટ મુજબ, માર્ચથી જૂન સુધીના લગભગ ચાર મહિના સુધી જોશીમઠમાં તિરાડોનો પડવાની ઘટના ઓછી થઈ રહી છે, જે બાદ બધું શાંત પણ રહ્યું, પરંતુ થોડા દિવસો પહેલા એક ખેતરમાં છ ફૂટ ઊંડો ખાડો જોવા મળતા ફરી એકવાર લોકો ચિંતામાં મૂકાઈ ગયા છે.
-
ગુરુગ્રામના હુડા સિટી સેન્ટર મેટ્રો સ્ટેશનનું બદલશે નામ
ગુરુગ્રામના હુડા સિટી સેન્ટર મેટ્રો સ્ટેશનનું નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્ટેશનનું નામ હવે ગુરુગ્રામ સિટી સેન્ટર રહેશે.
-
પ્રફુલ્લ પટેલ પણ ફડણવીસના ઘરે પહોંચ્યા
મુંબઈમાં દોઢ કલાક સુધી મંત્રીઓ અને ધારાસભ્યો સાથે બેઠક કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને પ્રફુલ્લ પટેલ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને તેમના ઘરે મળવા ગયા હતા.
-
અજિત પવાર દેવેન્દ્ર ફડણવીસને મળવા પહોંચ્યા
નાયબ મુખ્યમંત્રી અજિત પવાર હવે દેવેન્દ્ર ફડણવીસને તેમના ઘરે મળવા ગયા છે. દેવેન્દ્ર ફડણવીસ પણ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી છે.
-
અજિત પવારને મળી શકે છે નાણા અથવા મહેસૂલ મંત્રાલય
અજિત પવારને મહારાષ્ટ્રમાં નાણા અથવા મહેસૂલ મંત્રાલય મળી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે.
-
નવેસરથી શરૂઆત કરીશ : શરદ પવાર
ગુરુ પૂર્ણિમાના સંદર્ભમાં શરદ પવારે કહ્યું કે નવી શરૂઆત માટે ગુરુ પૂર્ણિમાથી સારો કોઈ શુભ સમય હોઈ શકે નહીં. ગુરુના આશીર્વાદથી હું નવી શરૂઆત કરીશ.
-
વિપક્ષ ખતમ કરવાનો પ્રયાસ: શરદ પવાર
પાર્ટીમાં વિભાજન થયા બાદ સતારામાં એક જાહેર સભાને સંબોધતા NCP નેતા શરદ પવારે કહ્યું કે, “દરેકે લોકતાંત્રિક અધિકારો માટે પ્રયત્ન કરવો જોઈએ. રાજ્યમાં ધાર્મિક વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.” ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, તે દેશભરમાં વિપક્ષની સરકારને ખતમ કરવા પર તત્પર છે. તેમણે એમ પણ કહ્યું કે, મહારાષ્ટ્રમાં જાતિવાદનું રાજકારણ ચાલશે નહીં.
-
SMCના ઢોર પાર્ટી અને માલધારીઓ વચ્ચે બબાલ
- SMCના ઢોર પાર્ટી અને માલધારીઓ વચ્ચે બબાલ
- ડીંડોલી વિસ્તારમાં ઉમિયા ચોક પાસે બની ઘટના
- ઢોર પાર્ટીએ પકડેલા પશુઓ પશુપાલકો છોડાવી ગયા
- SMC કર્મચારીએ છોડાવી ગયેલા લોકો સામે કરી ફરિયાદ
- ડીંડોલી પોલીસે ચાર સામે નોંધી ફરિયાદ
-
શરદ પવારે સતારામાં YB ચવ્હાણને શ્રદ્ધાંજલિ આપી, થોડીવારમાં શરૂ થશે રેલી
NCP નેતા શરદ પવારે સાતારામાં YB ચવ્હાણને શ્રદ્ધાંજલિ આપી છે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા હતા. પવારની રેલી થોડીવારમાં શરૂ થશે.
-
મહારાષ્ટ્રમાં વિપક્ષનો નેતા કોંગ્રેસનો હોય: બાલાસાહેબ થોરાટ
મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ પર કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટે કહ્યું છે કે જે પક્ષની સંખ્યા વધુ હશે, વિપક્ષનો નેતા પણ તે પક્ષનો જ હશે. હું કોંગ્રેસને વિરોધ પક્ષના નેતાનું પદ મળવાની વાત કરીશ, કારણ કે વિપક્ષમાં કોંગ્રેસની સંખ્યા હવે વધુ છે.
-
ખેડા: ડાકોર રણછોડજી મંદિરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી, ભક્તોનું ઘોડાપુર
ખેડા: ડાકોર રણછોડજી મંદિરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી, ભક્તોનું ઘોડાપુર
-
Maharashtra Political Crisis: અજિત પવારના ઘરે બેઠક શરૂ
નાયબ મુખ્યમંત્રી અજિત પવારના ઘરે NCP નેતાઓની બેઠક શરૂ થઈ ગઈ છે. ગઈકાલે શિંદે સરકારમાં સામેલ થયા બાદ અજીત પવારની આ પ્રથમ મુલાકાત છે. આ બેઠકમાં છગન ભુજબળ, અનિલ પાટીલ, સંજય બનસોડે જેવા નેતાઓ પણ હાજરી આપી રહ્યા છે.
-
મોરબીમાં લગ્ન પ્રસંગમાં જમાણવાર બાદ 40 લોકોને ફૂડ પોઇઝનિંગ, 7 લોકો સારવાર હેઠળ
મોરબીમાં લગ્ન પ્રસંગમાં જમાણવાર બાદ 40 લોકોને ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. મોરબીના વાંકાનેરના દલડી અને ખીજડીયા ગામે લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. ફૂડ પોઇઝનિંગ થતા જ તાત્કાલીક ધોરણે ખીજડીયા ગામના PHC સેન્ટરમાં 7 લોકો સારવાર હેઠળ છે.
-
Surendranagar: નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબી જતાં બે લોકોના મોત
Surendranagar: ચોમાસું (Monsoon) શરૂ થતાં પાણીમાં ડૂબવાની ઘટનાઓ વધી જતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબી જતાં બે લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. ધ્રાંગધ્રાના બાવળી ગામ પાસે આ ઘટના બની હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ખેતરમાં કામ કરતો એક પરપ્રાંતિય યુવક નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબ્યો હતો. જેને બચાવવા અન્ય યુવક પણ કેનાલમાં પડ્યો હતો. ત્યારે બચાવવા પડેલ યુવક પણ ડૂબી ગયો હતો.
-
Sensex at 65000 : રેકોર્ડ સપાટીએ ખુલ્યું શેરબજાર, Sensex 65000 ને પાર પહોંચ્યું
Sensex @ 65000 : ભારતીય શેરબજારમાં તેજીનો સિલિસલો યથાવત છે. આજે ભારતીય શેરબજાર નવી સર્વોચ્ચ સપાટીએ(Share Market All Time High Level) ખુલ્યા છે. sensex 65000 ને પાર પહોંચ્યો છે. છેલ્લા કેટલાક સેશનથી સતત વધારાએ રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. નિષ્ણાંતો અનુસાર શેરબજારની દૃષ્ટિએ જુલાઇ મહિનો ખૂબ જ સકારાત્મક રહે છે.
અત્યાર સુધીના આંકડાઓની વાત કરીએ તો, 20માંથી 16 વર્ષમાં સરેરાશ વળતર 3% મળ્યું છે. શેરબજારના જાણકારોના મટે નિફ્ટી 18550 અને બેન્ક નિફ્ટી 43000 પર સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશનમાં રાખી શકાય છે. નિફ્ટી અને બેન્ક નિફ્ટી માટે પણ મહત્વપૂર્ણ સ્તરનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આ સંજોગો શેરબજાર હજુ નવા વિક્રમ સ્થાપિત કરી શકે છે.
-
PM મોદીના આવાસની ઉપર ડ્રોન ઉડ્યાની માહિતી મળતાં ખળભળાટ, દિલ્હી પોલીસ લાગી તપાસમાં
પીએમ મોદીના આવાસની ઉપર ડ્રોન દેખાયાની માહિતી મળતા ખડભડાટ મચી ગયો છે. ત્યારે આ મામલે તાત્કાલિક SPGએ દિલ્લી પોલીસને કરી જાણ કરી છે અને ડ્રોન મામલે તપાસ શરુ કરી છે.
-
અંકલેશ્વર GIDCની કાકડીયા કેમિકલ કંપનીના પ્લાન્ટમાં લાગી આગ
- અંકલેશ્વર GIDCની કાકડીયા કેમિકલ કંપનીના પ્લાન્ટમાં લાગી આગ
- આગમાં કેમિકલના ડ્રમ ફાટતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં નજરે પડ્યા
- પ્લાન્ટમાં રહેલા એસિડના કારણે ફાયરબ્રિગેડ અને સ્થાનિકોએ આંખમાં બળતરાની તકલીફ અનુભવી
- ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું
- ઘટનામાં જાનહાનિના હજુ કોઈ અહેવાલ નહીં
-
Mehsana: દૂધ સાગર ડેરીની 63મી સાધારણ સભા યોજાઈ, દૂધના ખરીદ ભાવમાં વધારાની કરાઈ જાહેરાત
Mehsana: મહેસાણા દૂધસાગર ડેરીની (Dudh Sagar Dairy) ગઈકાલે 63મી સાધારણ સભા (General meeting) યોજાઈ હતી. સભામાં ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ સોશિયલ મીડિયામાં થતા આક્ષેપો મુદ્દે નિવેદન આપ્યું હતું કે, જે પશુપાલકને ડેરીના વહીવટ ઉપર શંકા હોય તે રૂબરૂ આવીને ચોપડા ચેક કરી શકે છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ડેરીનું 6000 કરોડનું ટર્ન ઓવર 8500 કરોડ કરવાનો લક્ષ્યાંક છે, તો દૂધ ઉત્પાદન રોજીંદુ 50 લાખ લીટર કરવાનો લક્ષ્યાંક પૂરો કરવાની ઈચ્છા છે.
સભામાં ડેરીના ચેરમેન અશોક ચૌધરી દ્વારા કેટલીક મહત્વની જાહેરાતો કરાઈ
સભામાં અશોક ચૌધરી દ્વારા કેટલીક મહત્વની જાહેરાતો પણ કરવામાં આવી હતી. જેમાં દૂધ ઉત્પાદકના વીમામાં 59 વર્ષ ઉંમર હતી જે વધારીને 65 વર્ષ સુધી કરવામાં આવી છે. દૂધ ઉત્પાદકોના વીમા ક્લેમ રૂ.35,000થી વધારી 1 લાખ કરાયા છે. અકસ્માત વીમામાં 1 લાખમાંથી 2 લાખ કરાયા છે. તો શેર ડિવિડન્ડ 10 ટકા મંડળીઓને આપવાની જાહેરાત કરી છે. તેમજ દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 10નો વધારો કરી 810 કરાયા છે. ગત વર્ષે ભાવ વધારો 321 કરોડ હતો જે આ વર્ષે 375 કરોડ રૂપિયા ભાવ વધારો આપવાની ડેરીના ચેરમેને જાહેરાત કરી હતી.
-
આજે રાજ્યમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી
રાજ્યમાં ચોમાસુ પ્રારંભ થતાની સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. તેવામાં આજે અમદાવાદ,અમરેલી,ભરુચ,છોટાઉદેપુર,ગાંધીનગર,ગીર સોમનાથ,ખેડા,મહીસાગર,મહેસાણા અને વડોદરામાં દિવસ દરમિયાન 31 ડિગ્રી તાપમાન રહેશે.
આણંદ,અરવલ્લી,બનાસકાંઠા,દાહોદ,નર્મદા,નવસારી,પંચમહાલ,પાટણ,સાબરકાંઠા,સુરત તેમજ તાપીમાં દિવસ દરમિયાન 30 ડિગ્રી તાપમાન રહેશે. તો આ તરફ વલસામાં 29 ડિગ્રી તાપમાન રહેશે. તો રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી,બોટાદ જેવા જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહેશે. તો બીજી તરફ ડાંગ જિલ્લામાં 28 ડિગ્રી તાપમાન રહેશે.
-
Manipur: પશ્ચિમ ઈમ્ફાલમાં આજે કર્ફ્યુમાં 13 કલાકની રાહત
છેલ્લા 2 મહિનાથી હિંસાની આગમાં સળગી રહેલા મણિપુરમાં આજથી થોડા સમય માટે કર્ફ્યુમાં રાહત આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે આજથી 3 જુલાઈથી ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં સવારે 5 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કર્ફ્યુમાં રાહત આપવામાં આવશે.
-
કચ્છના રાપર નજીક ભુકંપ, રાત્રે 3 વાગ્યે 3.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
- કચ્છના રાપર નજીક ભુકંપનો ઝટકો નોંધાયો
- રાત્રે 3 વાગ્યે 3.4 ની તીવ્રતાનો ઝટકો નોંધાયો
- ભુકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 26 કિ.મી વેસ્ટ નોર્થ વેસ્ટ દુર
-
Gujarat News Live: રાજ્યમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો, 81 તાલુકામાં નોંધાયો વરસાદ
છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતને ઘમરોળ્યાં બાદ, ગઈકાલથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો છે. વરસાદી સિસ્ટમ સક્રીય ના હોવાથી રવિવારે સવારના 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 81 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 17 તાલુકામાં એક ઈંચથી લઈને પાંચ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં 5 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
Published On - Jul 03,2023 6:22 AM