આજે 13 ઓગસ્ટને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
ઉત્તરાખંડમાં હવામાન વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજધાની દેહરાદૂન, પૌડી, ચંપાવત, ટિહરી, નૈનીતાલ, ઉધમ સિંહ નગર માટે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એ જ રીતે હરિદ્વારમાં ઓરેન્જ એલર્ટની સાથે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને દેહરાદૂનમાં ધોરણ 1 થી 12 સુધીની શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મહેસાણાના કડીમાંથી સ્ટેટ મોનીટરીગ સેલે પકડેલા જુગારધામના છાંટા સ્થાનિક પોલીસ પર ઉડ્યા છે. જુગારધામ પકડાવાના પગલે, રેન્જ આઈજીએ, કડી એલસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર રોમા ધડુક અને પોલીસ સબ ઈન્સ્પેકટર એચ એલ જોશીને લીવ રીઝર્વમાં મુક્યા છે. એલસીબીના છ કોન્સ્ટેબલની ત્વરીત બદલી કરી દેવાઈ છે. સ્ટેટ મોનીટરીગ સેલે, કડી ખાતે ડેની જુગારધામ પર દરોડા પાડ્યા હતા. જેના પગલે, કડી પોલીસ સ્ટેશનના પી આઇ અને પી એસ આઇ ને સસ્પેન્ડ કરી દેવાયા છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બોમ્બ હોવાના ખોટા ફોન કરનારની ધરપકડ કરી છે. પોલીસને બોંબ હોવાના ખોટા ફોન કરનારની મુંબઈ એરપોર્ટ નજીકથી ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 5 મહિનામાં આરોપીએ બોમ્બ હોવાના 79 હોક્સ કોલ કર્યા હતા. ક્રાઈમ બ્રાંચ સતત આરોપીની પૂછપરછ કરી રહી છે.
દિલ્હીમાં બોમ્બ હોવાના એક પછી એક કોલ મળતા પોલીસ સહીતની સુરક્ષા એજન્સીમાં દોડધામ મચી ગઈ છે. શ્રમ શક્તિ ભવનમાંથી બિનવારસી બેગ મળી આવવાનો કોલ મળ્યો હતો. લાલ કિલ્લામાં પણ બોમ્બ રાખવામાં આવ્યો હોવાનો કોલ મળ્યો હતો. કાશ્મીરી ગેટમાં બિનવારસી બેગનો કોલ મળ્યો છે તો, સરિતા વિહારમાં બોમ્બ મળી આવ્યાના કોલથી દિલ્હીમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરતા તમામ કોલ બોગસ હોવાનું સામે આવ્યું છે. શ્રમશક્તિ ભવનની બેગમાંથી પણ કંઈ મળ્યું નથી. કાશ્મીરી ગેટ અને લાલ કિલ્લામાંથી પણ બોગસ કોલ હતા. સરિતા વિહારમાંથી કંઈ મળ્યું નથી.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને, શિક્ષણ વિભાગે આવતીકાલ સોમવારે (14 ઓગસ્ટ) હિમાચલ પ્રદેશ રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી દીધી છે.
મોડાસા નગરપાલિકા દ્વારા નક્કી કરાયેલ ડમ્પિંગ સાઈટ સામે 6 ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. ગામ લોકોનો આરોપ છે કે, મોડાસા શહેરની ગંદકી, તેમના ગામમાં ઠાલવવાનો કારસો રચાઈ રહ્યો છે. પરંતુ ગામના લોકોએ ચિમકી ઉચ્ચારી છે કે, મોડાસા શહેરની ગંદકી તેમના ગામમાં કે ગામની આસપાસ ઠાલવવા નહીં દે.
અમદાવાદના સોલા પોલીસે હથિયારો વેચતા બે જવાનોને પકડીને હથિયારો વેચવાનું કૌંભાડ પકડી પાડ્યું છે. સોલા પોલીસે પકડેલા આરોપીમાં એક આરોપી જમ્મુનો નિવૃત્ત જવાન છે. જ્યારે બીજો આરોપી આસામ રાઇફલમાં હતો. પોલીસે પકડેલા બન્ને આરોપીઓ આસામમાં સાથે ફરજ બજાવતા હતા. બન્ને આરોપીઓ પાસેથી પોલીસે એક રિવોલ્વર, 12 કારતુસ અને ચાર ફોડેલા કારતુસ કબજે કર્યા છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર પ્રહાર કરતા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે, સ્મૃતિ ઈરાનીની યાદશક્તિ બહુ સારી નથી. તેમણે છત્તીસગઢ સરકાર પર અદાણીને જમીન આપવાનો આરોપ લગાવ્યો છે. એક તરફ રાહુલ ગાંધી અદાણીનો વિરોધ કરે છે અને અમે શુ અદાણીને જમીન આપીશું ? સ્મૃતિ ઈરાનીને રાહુલ ગાંધી ફોબિયા છે.
પાટણના મેલુસણ નજીક કાર અને પિકઅપ જીપ વચ્ચે અકસ્માત થયો છે. કારમાંથી પોલીસ લખેલી પ્લેટ મળી આવી છે. અકસ્માતને કારણે પાંચ લોકોને ઈજા પહોચી છે. જેમાં બે વ્યક્તિની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ડ્રિંક એન્ડ ડ્રાઇવના કારણે અકસ્માત સર્જાયો હોવાની સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી છે. પોલીસ લખેલ પ્લેટ જે ખાનગી કારમાંથી મળી છે તેમાંથી દારુની બોટલો પણ મળી આવી છે.
સુરતના નવાગામ ડીંડોલીમાં સ્થાનિકોએ પોલીસ પર આંખ આડા કાન કરતા હોવાનો આક્ષેપ કરીને ગાંજાનુ વેચાણ કરતી દુકાનમાં જનતા રેડ કરી હતી. મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે. ગેરકાયદે ગાંજાનુ વેચાણ કરતી દુકાનમાં સ્થાનિકોએ તોડફોડ કરી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, ડીંડોલી પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત કરવા છતા કોઈ કાર્યવાહી ન થતા જનતા રેડ કરવામાં આવી હતી. જો કે પોલીસે જણાવ્યું છે કે, પહેલા પોલીસ પહોચી હતી અને ત્યાર બાદ ઘટનાની જાણ થતા સ્થાનિકો ઉમટી પડ્યા હતા.
બનાસકાંઠામાં 3 વર્ષ પૂર્વે તીડે (locusts) હાહાકાર મચાવ્યો હતો અને ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન પહોંચાડ્યું હતું. ત્યારે ફરી એકવાર બનાસકાંઠાના સરહદી રાજ્ય રાજસ્થાનમાં તીડ જોવા મળ્યા છે. રાજસ્થાનમાં તીડના જોખમની અસર ગુજરાતના જિલ્લામાં જોવા મળી શકે છે. જેને લઈને તીડ નિયંત્રણ વિભાગ હરકતમાં આવ્યું છે.
રાજસ્થાનનાં જેસલમેરમાં તીડ દેખાવાની ઘટના સામે આવી છે. ત્યારે બનાસકાંઠા પર તીડના સંકટને લઈને તીડ નિયંત્રણ વિભાગની ટીમે સરહદી વિસ્તારમાં સર્વે શરૂ કર્યો છે. લાખણી, વાવ, થરાદ, સુઈગામ સહિતના વિસ્તારોમાં તીડ નિયંત્રણ વિભાગની ટીમ દ્વારા સર્વે કરવામાં આવશે.
હવે ભારત દૂરથી જ શત્રુ દેશમાં તબાહી મચાવી શકશે. અમેરિકા જેવી ડ્રોન ટેક્નોલોજી હવે ભારતમાં પણ ઉપલબ્ધ છે. ભારતીય વાયુસેનાને વધુ એક ગેમચેન્જર હથિયાર મળ્યું છે. ભારતે ઉત્તરીય ક્ષેત્રમાં ફોરવર્ડ એરબેઝ પર અદ્યતન હેરોન માર્ક-2 ડ્રોન તૈનાત કર્યા છે. આ ડ્રોન લાંબા અંતરની મિસાઈલથી દુશ્મન પર હુમલો કરવામાં સક્ષમ છે.
ઉપરાંત એક જ ઉડાનમાં ચીન-પાકિસ્તાન બંને બોર્ડર પર પણ નજર રાખી શકાશે. હેરોન માર્ક-2 ડ્રોન ઈઝરાઇલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવે છે. આ ડ્રોન 35 હજાર ફૂટની ઊંચાઈ સુધી ઊડી શકે છે અને 150 નોટની ઝડપે ઊડી શકે છે. આ સિવાય તેઓ એક સમયે 36 કલાક ઉડવામાં સક્ષમ છે. હેરોન માર્ક-2 ડ્રોનની તહેનાતી સાથે સેનાની તાકાતમાં વધારો થશે.
રાજુલામાં ભાજપ નેતા (BJP Leader) રવુ ખુમાણને મારી નાખવાની ધમકી મળ્યાની ઘટના સામે આવી છે. ભાજપ નેતાના પેટ્રોલ પંપ પર એક શખ્સે આવી બબાલ કરી હતી. આ અંગે રવુ ખુમાણ ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ આ શખ્સ ઉશ્કેરાયો હતો અને ફોન કરી ધમકી આપી હોવાનો ભાજપ નેતાએ દાવો કર્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે બીજા દિવસે અમદાવાદમાં તિરંગા યાત્રા બાદ સંસદીય મતવિસ્તાર અને પોતાના વતન માણસા પહોંચ્યા હતા. માણસા થી ગાંધીનગરને જોડતા 80 કરોડના ખર્ચે તૈયાર થનાર ચાર માર્ગીય રોડ, માણસા નગરપાલિકાના સ્ટ્રીટ લાઈટ ખાતર્મુહત અને સબરજીસ્ટ્રાર કચેરી સહિતના કામોની ભેટ આપવામાં આવી. માણસા માં માતૃશ્રી ની સ્મૃતિમાં ભુખ્યાને નિઃશુલ્ક ભોજન માટેના ભોજનાલયની શરૂઆત કરાવી પરિવારના સભ્યો અને ભૂખ્યા સાથે ભોજન પણ લીધું.
દેશમાં બનતી કોઈપણ આતંકવાદી ઘટનાનો જવાબ આપવા માટે NSG- નેશનલ સિકયુરિટી ગાર્ડ 24 x 7 તૈયાર રહે છે. સમગ્ર દેશમાં NSG નાં કુલ ચાર પ્રાદેશિક હબ મુંબઈ, હૈદરાબાદ, કોલકત્તા તથા ચેન્નઈમાં હાલ કાર્યરત છે. NSGનું પાંચમું પ્રાદેશિક હબ ગાંધીનગરના લેકાવડા ખાતે તૈયાર કરવામાં આવશે. જેનું ભૂમિ પૂજન NSG ના DG એમ.એ. ગણપથીએ કર્યું. DG એમ.એ. ગણપથીએ ટીવી9 સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ પ્રાદેશિક હબ હાલમાં અમદાવાદમાં સ્થિત છે અને જે આવનારા દિવસોમાં લેકાવાડા, ગાંધીનગર ખાતે ખસેડાશે.
Har Ghar Tiranga: ‘હર ઘર તિરંગા અભિયાન ચાલો આપણે આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટની ડીપી બદલીએ અને આ અનોખા અભિયાનને સમર્થન આપીએ જે આપણા પ્રિય દેશ અને આપણી વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ શબ્દો સાથે તેમના ડીપીને ચેન્જ કર્યું છે. તિરંગા અભિયાન (Har Ghar Tiranga)માં દેશને પ્રેરણા આપતા પીએમએ પોતાની પ્રોફાઇલ પિક્ચર પર ત્રિરંગો લગાવ્યો છે. તેમણે X, Facebook અને Instagram પર પોતાનું DP ચેન્જ કર્યું છે.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં એક જ રાતમાં 17 દર્દીઓના મોત થયા છે. ડૉક્ટરની અપૂરતી ક્ષમતા અને દર્દીઓની સંખ્યામાં વધારો થવાને કારણે એક જ રાતમાં 17 લોકોના જીવ ગયા.
ભોપાલમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામે પણ એફઆઈઆર નોંધવામાં આવી છે. પીસીસી ચીફ કમલનાથ, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી, પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ અરુણ યાદવ, જયરામ રમેશ, શોભા ઓઝા, જ્ઞાનેન્દ્ર અવસ્થી અને અન્યો સામે કેસ નોંધવામાં આવ્યો છે. ભોપાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા FIR નોંધવામાં આવી છે.
તિરંગા યાત્રામાં CM ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા જોડાયા
તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે આઝાદી માટે લાખો લોકોએ મોટો સંઘર્ષ કર્યો અને અનેક લોકોએ આઝાદી માટે બલિદાન આપ્યા છે. આજે અમદાવાદમાં રાષ્ટ્રભક્તિનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. સાથે ગૃહપ્રધાને કહ્યું કે ભગતસિંહ, ખુદીરામ બોજ જેવા અનેક વીરોએ આઝાદી માટે બલિદાન આપ્યા છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિત અન્ય મંત્રી હાજર છે. તમને જણાવી દઈ કે તિરંગા યાત્રાનીનું પ્રસ્થાન શહેરના ઘાટલોડિયા વિસ્તારથી થશે અને સમાપન નિર્ણયનગર વિસ્તારમાં થશે.
રાજ્ય પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોએ ઈમ્ફાલ-પશ્ચિમ, ઈમ્ફાલ-પૂર્વ, થૌબલ, બિષ્ણુપુર અને ચુરાચંદપુર જિલ્લાના સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને 12 હથિયારો, 06 દારૂગોળો અને 08 વિસ્ફોટકો જપ્ત કર્યા હતા.
Valsad : દમણના બામણપૂજા ગામે નદીમાં ડૂબી જવાથી 3 યુવકના મોત નીપજ્યા છે. નાની દમણ ખારીવાડના 3 યુવક નદીમાં નાહવા માટે ગયા હતા. પરંતુ ડૂબી જવાથી ત્રણેયના મોત થયા. 2 કલાકની શોધખોળ બાદ ત્રણેય યુવકના મૃતદેહ મળી આવતા ચકચારી મચી ગઈ છે.
અમેરિકામાં હવાઈના જંગલોમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને 80 થઈ ગયો છે. પોલીસે જણાવ્યું છે કે આગ પછી તબાહીને કારણે મોટી સંખ્યામાં લોકો બેઘર થઈ ગયા છે.
શનિવારે ભારે વરસાદ બાદ હિમાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. રાજ્યમાં આજે પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તે જ સમયે, હવામાન વિભાગે ઉત્તરાખંડમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
Ahmedabad : રાજ્યમાં લાંચીયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે એસીબી સપાટો બોલાવી રહી છે. અમદાવાદના વેજલપુરના સબ રજિસ્ટ્રાર દોઢ લાખની લાંચ લેતા ઝડપાયા. વર્ગ ત્રણના સબ રજિસ્ટ્રાર તુલસીદાસ મારણકાએ દસ્તાવેજ મુદ્દે દોઢ લાખની રૂપિયાની લાંચની માગણી કરી હતી. ત્યારબાદ ACBના છટકામાં લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. બાદમાં આરોપીના ઘરે ACBએ સર્ચ ઓપરેશન કરતા 58 લાખની રોકડ અને 12 દારૂની બોટલ પણ મળી આવી હતી. આરોપીએ અગાઉ દસ્તાવેજના કામ માટે લાંચ લીધી છે કે નહીં તે અંગે ACBએ તપાસ હાથ ધરી છે. કેસમાં અન્ય કોઈ ઉપરી અધિકારીની સંડોવણી છે કે કેમ તે વિશે તપાસ થઈ રહી છે.
દેશના આઝાદી પર્વની સંસદથી સડક સુધી ઉજવણી થવા જઇ રહી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે. ત્યારે શાહની હાજરીમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયુ છે. અમદાવાદના ઘાટલોડિયાથી નીકળનારી તિરંગા યાત્રાને લઇ અનેરો થનગનાટ છવાયો છે. સવારે 9 કલાકે નીકળનારી આ યાત્રાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ફ્લેગ ઓફ કરાવશે. જે નિર્ણયનગર ત્રણ રસ્તા પર સમાપ્ત થશે. આઝાદી પર્વ પહેલાની આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. સરહદી વિસ્તારોમાં સુરક્ષાની સમીક્ષા કર્યા બાદ આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ નાગરિકોને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે.
Published On - 5:55 am, Sun, 13 August 23