11 માર્ચના મહત્વના સમાચાર : આરોગ્ય પ્રધાનની સમજાવટ બાદ પંચાયત લેબ ટેક્નીશીયનનું આંદોલન મોકૂફ
આજે 11 માર્ચને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 11 માર્ચને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અરવલ્લીના મેઘરજના ઇસરીમાં હનુમાન મંદિરે આયોજિત લોકમેળામાં યુવકની હત્યા
અરવલ્લીના મેઘરજના ઇસરીમાં યુવકની હત્યા થઈ છે. હનુમાન મંદિરે આયોજિત લોકમેળામાં યુવાનની હત્યા થતા નાસભાગ મચી જવા પામી હતી. રાજસ્થાની યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો. યુવક ગંભીર ઇજાગ્રસ્ત હોવાથી મોત થયું 3 દિવસીય લોકમેળાના બીજા દિવસે જ ઘટના બની હતી. ઘટનાને લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
-
આરોગ્ય પ્રધાનની સમજાવટ બાદ પંચાયત લેબ ટેક્નીશીયનનું આંદોલન મોકૂફ
પંચાયત લેબ ટેક્નીશીયન મહામંડળની અને રાજ્યના આરોગ્ય પ્રધાન વચ્ચે યોજાયેલી બેઠક બાદ, લેબ ટેક્નીશીયનોનું આંદોલન હાલ પૂરતું સ્થગિત કરવાનો નિર્ણય મહામંડળે કર્યો છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ સાથે પંચાયત લેબ ટેક્નીશીયન મહામંડળની અઢી કલાક સુધી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહામંડળના અનેક મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચર્ચા વિચારણા બાદ આરોગ્ય પ્રધાને મહામંડળના હકારાત્મક પ્રશ્નોને લઈને આશ્વાસન આપ્યુ હતું. મહામંડળની માગણીઓ અંગે સકારાત્મક જવાબ મળતા, લેબ ટેક્નીશીયનોનું આંદોલન હાલ પૂરતું સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. ઉપવાસ કરતા કર્મચારીઓને પારણાં કરાવ્યા હતા. સરકાર કોઇ નિર્ણય નહીં લે તો ફરી આંદોલન કરવાની વાત પણ કરાઈ હતી.
-
-
શેલામાં કારચાલકે રીવર્સમાં કાર ચલાવી મોપેડ ચાલકને અડફેટે લેતા થયુ મોત
અમદાવાદના શેલામાં કારચાલકે રીવર્સમાં કાર ચલાવી મોપેડ ચાલક પુરુષને અડફેટે લીધો હતો. મોપેડને અડફેટે લેતા ગંભીર ઈજા થતા ચાલકનું થયું મોત. મહેન્દ્ર કદમ નામનાં 44 વર્ષનાં પુરુષને અડફેટે લેતા મોત થયું છે. બોપલ પોલીસ મથકે, કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
-
સાણંદમાં રસ્તા પર નમાઝ અદા કરવાને લઈ વિવાદ સર્જાયો, પોલીસ-કલેકટરને અપાઈ ફરિયાદ
સાણંદમાં રસ્તા પર નમાઝ અદા કરવાને લઈ વિવાદ વકર્યો છે. સાણંદના ટપાલ ચોકમાં આવેલ જુમ્મા મસ્જિદના સામેના રોડ પર જાહેરમાં નમાઝ અદા કરાઈ હતી. જાહેર રસ્તા પર વાહનવ્યવહાર અટકાવીને નમાઝ અદા કરાતા સ્થાનિકોએ કલેક્ટર અને પોલીસમાં અરજી સ્વરૂપે ફરિયાદ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે, ટપાલ ચોકમાં આવેલ જુમ્મા મસ્જિદ ત્રણ માળની છે. રસ્તા પર નમાઝ અદા કરવાને કારણે રસ્તો બ્લોક થઈ જાય છે. લોકોને આવવા અને જવામાં ભારે તકલીફ પડે છે. સાણંદ GIDC વિસ્તારના પરપ્રાંતીય મુસ્લિમો પણ નમાઝ અદા કરવા અહીં આવતા હોવાથી નમાઝીઓની ભીડ વધી છે તેના કારણે સમસ્યા સર્જાઈ છે. પરપ્રાંતીય મુસ્લિમો નમાઝ અદા કરવા સાણંદના ટપાલ ચોકમાં આવેલ જુમ્મા મસ્જિદ ખાતે ના આવે તો, સ્થાનિક મુસ્લિમો અત્યાર સુધી મસ્જિદની અંદર જ નમાઝ પઢી લેતા હતા.
-
સાતેજની દતાલી કેનાલમાં કાર ખાબકી, 1નુ મોત
ગાંધીનગરના કલોલના સાતેજની દતાલી કેનાલમાં કાર ખાબકી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં એકનુ મોત નીપજ્યું છે. કેનાલમાં કાર કેવી રીતે ખાબકી તે તપાસનો વિષય હોવાનું જાણકારોનું કહેવું છે. ધટનાની જાણ થતા સાતેજ પોલીસ ઘટના સ્થળે પહોચીને વધુ તપાસ હાથ ધરી છે.
-
-
સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.8 ડિગ્રી ગરમી, ભુજમાં 42.4, રાજકોટમાં 42.3, સુરતમાં 40, અમદાવાદમાં 41.2 ડિગ્રી ગરમી
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આજે સૌથી વઘુ તાપમાન સુરેન્દ્રનગરમાં નોધાયું હતું. સુરેન્દ્રનગરમાં સામાન્ય હોવુ જોઈએ એના કરતા પણ 8.4 ડિગ્રી વધુ એટલે કે, 42.8 ડિગ્રી ગરમી નોંધાઈ છે. તો બીજી બાજુ કચ્છના ભૂજમાં પણ સુરેન્દ્રનગર જેટલી જ તીવ્ર ગગરમી નોંધાઈ છે. ભૂજમાં સામાન્ય કરતા 8 ડિગ્રી વધુ એટલે કે, 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સુરતમાં આજે ગઈકાલ સોમવારની સરખામણીએ ગરમીનો પારો આંશિક ગગડ્યો હતો, આમ છતા સુરતવાસીઓ માટે આજે નોંધાયેલ 40 ડિગ્રી ગરમી અસહ્ય કહી શકાય. સુરતમાં આજે સામાન્ય તાપમાન કરતા 5.5 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતું.
-
સુરત શહેરમાં RTI કરી લોકોનો તોડ કરતો તોડબાજ ઝડપાયો
સુરત શહેરમાં RTI કરી લોકોનો તોડ કરતો તોડબાજ ઝડપાયો છે. સચિન GIDC પોલીસે ક્રાંતિ ધર્મના સહ તંત્રીની ધરપકડ કરી છે. તેના ભાઈ અને દીકરા સાથે મળી 2734 RTI કરી હોવાનું બહાર આવ્યું છે. જસવંત બ્રહ્મભટ્ટે એકલા 1034 RTI કરી હોવાનું બહાર આવ્યું છે. સચિન GIDC પોલીસે અલગ અલગ બે ગુના દાખલ કર્યા છે. ખાસ સચિન ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં બાંધકામ તોડવાની ધમકી આપીને તોડ કરતો હતો. સુરત શહેરમાં RTI કરી લોકોના બાંધકામ તોડવાની ધમકી આપનાર પર પોલીસે કરી છે લાલ આંખ. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભાજપના ધારાસભ્યે, RTI ને કેટલાક લોકોએ તોડપાણી માટેનું હથિયાર બનાવી દીધુ હોવાનુ નિવેદન કર્યું હતું.
-
ભાવનગરમાં શરુ કરાશે સ્પીપાનું સેન્ટર, વિધાનસભામાં કરાઈ જાહેરાત
ભાવનગરમાં રાજ્ય સરકાર દ્વારા સ્પીપાનુ સેન્ટર શરૂ કરવાની વિધાનસભામાં જાહેરાત કરાઈ છે. ભાવનગર સાંસદ અને કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયત્નોથી ભાવનગરને સ્પીપાનું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર મળ્યું છે. ભાવનગર અને આજુબાજુના જિલ્લાના હોશિયાર વિદ્યાર્થીઓ માત્ર આઈએએસ, આઇપીએસ જેવી પરીક્ષાઓ માટે ભાવનગરમાજ આવી પરીક્ષાઓની તૈયારીઓ કરી શકશે, ભાવનગરના યુવાધન ને ખૂબ મોટો ફાયદો થશે. કેન્દ્રિયમંત્રી નિમુબેને પોતાની રજુઆતનો અમલ કરવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર માન્યો છે. વિધાનસભામાં ઋષિકેશ પટેલ દ્વારા ભાવનગરમાં નવા પ્રાદેશિક તાલીમ કેન્દ્ર બનાવાશેની જાહેરાત કરાઈ છે.
-
ધાર્મિક સ્થળોએ લાઉડ સ્પીકર વગાડવા પોલીસની પરવાનગી જરૂરીઃ દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન જવાબ આપતાં, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર વગાડવા માટે પોલીસની પરવાનગી જરૂરી છે. લાઉડ સ્પીકર માટેના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની જવાબદારી સંબંધિત પોલીસ સ્ટેશનના પીઆઈ-પીએસઆઈની રહેશે.
-
કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરની અવામી એક્શન કમિટિ પર 5 વર્ષ માટે મૂક્યો પ્રતિબંધ
ગૃહ મંત્રાલય (MHA) એ મંગળવારે તાત્કાલિક અસરથી જમ્મુ અને કાશ્મીર સ્થિત અવામી એક્શન કમિટી (AAC) ને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું અને તેના પર આગામી પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. મંત્રાલયે આરોપ લગાવ્યો છે કે, તેના સભ્યો કેન્દ્રશાસિત પ્રદેશમાં અલગતાવાદને પ્રોત્સાહન આપવા માટે આતંકવાદી પ્રવૃત્તિઓ અને ભારત વિરોધી પ્રચારમાં સામેલ છે.
-
સુરતના ડિંડોલીમાં રહેતા હરિયાણાના યુવકને ગેરકાયદે USA મોકલનાર બે એજન્ટ સામે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ
હરિયાણા પોલીસે જીરો નંબરની ફરિયાદ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી છે. આ બનાવમાં વર્ષ 2024માં ફરિયાદી ડીંડોલીના રામી પાર્કમાં રહેતો હતો, જ્યાં તેનો સંપર્ક અબ્દુલ સાથે થયો હતો. અબ્દુલ પોતે USA મોકલવા માટે એજન્ટનું કામ કરતા હોવાનું ફરિયાદીને જણાવ્યું હતું. તેણે ઘણા લોકોને અગાઉ USA મોકલ્યા હોવાનુ જણાવ્યું હતું. અમેરિકામાં રહેવા, જમવાનું અને કામ પણ અપાવવાનું જણાવી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો. જેને આધારે ફરિયાદીએ અબ્દુલને રૂપિયા 35 લાખ આપ્યા હતા.
-
ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો ૧૫ માર્ચ સુધી નોંધણી કરાવી શકશે
સરકાર દ્વારા હવે કપાસના પાકની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારના જાહેર સાહસ – ભારતીય કપાસ નિગમ લી. (CCI) દ્વારા આગામી સપ્ટેમ્બર-2025 સુધી કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ભારત સરકારે કપાસ માટે રૂ. 7471 ટેકાનો ભાવ જાહેર કર્યો છે. ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઇચ્છતા ગુજરાતના ખેડૂતોએ આગામી તા. 15 માર્ચ, 2025 સુધીમાં ખરીદ કેન્દ્રો ખાતેથી ભારતીય કપાસ નિગમના ઈ-માર્કેટ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. આ સમયમર્યાદામાં અરજી કરી હશે, તેવા ખેડૂતો પાસેથી જ કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
-
અમદાવાદના નરોડામાં ફ્રુટના વેપારી સાથે હનીટ્રેપની ઘટના, કપડા કાઢી એક કરોડ માંગ્યા
અમદાવાદના નરોડાનાં ફ્રૂટનાં વેપારી સાથે હનીટ્રેપની ઘટના બની છે. યુવતીએ ફોન મેસેજ કરી નોકરીની માંગ કરી હતી. મળવા બોલાવી અલગ અલગ જગ્યાઓ પર ફેરવ્યો હતો. અડાલજ પાસે ગાંધીનગર ક્રાઈમ બ્રાંચનાં નામે 4 શખ્સો આવ્યા હતા. વેપારીનું અપહરણ કરીને કડીનાં ખેતરમાં લઈ ગયા હતા. વેપારીના કપડા કાઢી એક કરોડ રૂપિયાની માંગ કરી હતી. વેપારીને માર મારીને 12 હજાર રોકડા, 600 દિરહામ અને ધડિયાળ તેમજ મોબાઈલ પડાવી લીધા બાદ બધા ફરાર થઈ ગયા હતા. વેપારીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
-
સરકારમાંથી ગ્રાન્ટ નહીં આવતા AMC સ્કુલ બોર્ડની શાળાના કર્મચારીઓનો પગાર અટવાયો
હોળી-ધુળેટી અને રમજાનના તહેવાર પર અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડની શાળાના શિક્ષકો માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ છે. AMC સ્કૂલબોર્ડના ત્રણ હજારથી વધુ શિક્ષકોનો પગાર અટવાયો છે. પગાર અટવાયા મુદ્દે શિક્ષક યુનિયને જણાવ્યું છે કે, રાજ્ય સરકારમાંથી સમયસર ગ્રાન્ટ નહીં આવવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે દર મહિનાની પહેલી તારીખે પગાર થઈ જાય છે. પરંતુ આજે 11 તારીખ થવા છતા પગાર નથી થયો.
-
જામનગરઃ હોળીના તહેવારને લઈ ફુડ શાખાની કાર્યવાહી
જામનગરમાં હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફુડ શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું. પતાસા અને હારડાંના ઉત્પાદનકર્તાઓના કારખાનાઓમાં તપાસ કરવામાં આવી અને નમૂનાઓ લઈને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. તહેવાર દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે હોળીના પર્વ સુધી ફુડ શાખા દ્વારા અવિરત કાર્યવાહી કરવામાં આવશે. મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે જેથી ભેળસેળવાળા ખાધ્ય પદાર્થને રોકી શકાય.
-
વડોદરાઃ પાદરામાં એક અઠવાડિયામાં દુષ્કર્મની બે ઘટના
વડોદરાના પાદરા વિસ્તારમાં એક અઠવાડિયામાં દુષ્કર્મની બે ગંભીર ઘટનાઓ નોંધાઈ છે. વડુ અને પાદરા પોલીસ સ્ટેશનમાં આ સંબંધિત બે અલગ કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વડુ વિસ્તારમાં મંદબુદ્ધિની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર જાકીર નામના આરોપીને પકડવામાં આવ્યો છે, જ્યારે પાદરામાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર અમિત સોલંકી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે પાદરાના આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હતું.
-
આગામી 15મી માર્ચથી ગરમીમાં થશે આંશિક ઘટાડો-અંબાલાલ પટેલ
આગામી 15મી માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 33થી 36 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં 34થી 36 ડિગ્રી તાપમાન રહેશે. દરિયાકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેવાની શક્યતા છે. હોળીના દિવસોમાં હવામાનમાં પલટો આવવાની પણ આગાહી છે.
-
માણસા ઓવરબ્રિજ પાસે ટ્યુશન ક્લાસિસમાં લાગી આગ
ગાંધીનગરના કલોલમાં વહેલી સવારે આગ લાગવાની બીજી ઘટના બની, જેનાથી તક્ષશીલાકાંડ જેવી સ્થિતિ સર્જાતા રહી ગઈ. માનસા ઓવરબ્રિજ પાસે આવેલા ટ્યુશન ક્લાસિસમાં અચાનક આગ લાગી, જેના કારણે ક્લાસિસમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો. સદનસીબે, ઘટનાસમયે ટ્યુશન ક્લાસિસ બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નહીં. કલોલ નગરપાલિકા ફાયર ફાઈટરે સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો અને વધુ નુકસાન થતું અટકાવ્યું.
-
અંબાજીમાં હોલિકા દહન 13 માર્ચે કરવામાં આવશે
બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે હોલિકા દહન 13 માર્ચે કરવામાં આવશે. ફાગણ સુદ પૂનમ 14 માર્ચે છે, હોલિકા દહન 13 માર્ચે થશે. આ કારણ એ છે કે પૂનમ બે ભાગમાં વહેંચાઈ છે. પૂનમ 13 માર્ચે બપોરે શરૂ થઈ 14 માર્ચે બપોરે પૂર્ણ થશે. હોલિકા દહન હંમેશા સાંજે કરવામાં આવે છે, તેથી આ વર્ષે 13 માર્ચે તેનું દહન થશે. હોલિકા દહન બાદ અંબાજી મંદિરમાં ભવ્ય સાંજની આરતી યોજાશે. જો કે, નિયમિત પૂનમ ભરનારા શ્રદ્ધાળુઓ માટે 14 માર્ચની પૂનમ માન્ય રહેશે.
-
સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમને મળી આજીવન કેદની સજા
મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમને સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. 2022માં પાડોશીએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતુ. મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટે ચુકાદો આપ્યો પીડિતાને 4 લાખના વળતર ચુકવવા પણ આદેશ અપાયા.
-
ઉનાળાની શરૂઆતમાં પાણીજન્ય રોગચાળો વકર્યો
અમદાવાદમાં ઉનાળાની શરૂઆતમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ટાઈફોઈડના કેસોમાં વધારો થયો છે. નવ દિવસમાં ટાઈફોઈડ 115 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. તો ત્રણ મહિનામાં ટાઈફોઈડના 622 કેસ નોંધાયા છે. આ ઉપરાંત નરોડામાં કોલેરાનો પણ એક કેસ નોંધાયો છે. બહેરામપુરામાં ટાઈફોઈડના 20 કેસ તો લાંબામા 15 કેસ નોંધાયા છે..ચાલુ માસમાં છેલ્લા 9 દિવસમાં નોંધાયેલા કેસ પર નજર કરીએ તો ઝાડા- ઊલટીના 153 કેસ, કમળાના 46 કેસ જ્યારે ટાઈફોઈડના 115 કેસ નોંધાયા છે.
-
મોરેશિયસના બે દિવસના પ્રવાસે પહોંચ્યા વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી મોરેશિયસના બે દિવસના પ્રવાસે પહોંચ્યા છે. 10 વર્ષમાં PM મોદીની મોરેશિયસની બીજી મુલાકાત છે. મોરેશિયસના રાષ્ટ્રીય કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. બન્ને દેશો વચ્ચે અનેક મહત્વના કરાર પર હસ્તાક્ષર થશે. આર્થિક સંબંધો અને સુરક્ષા સંબંધોને આગળ વધારવા અનેક કરાર થશે.
-
અમદાવાદઃ પોલીસ સાથે મારામારીનો વધુ એક બનાવ
અમદાવાદઃ પોલીસ સાથે મારામારીનો વધુ એક બનાવ બન્યો. આંબાવાડી ફિરંગી પાન પાર્લર પાસે આરોપીએ પોલીસકર્મીને અપશબ્દો બોલી કર્યો હુમલો. પોલીસકર્મીને ગાડીથી ઉડાવી દેવાની ધમકી આપી હોવાનો આરોપ છે. પોલીસ વાહનમાં લઈ જતી વખતે ઝપાઝપી કર્યાનો આરોપ છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં માથાકૂટ કર્યાનો આક્ષેપ છે. પોલીસકર્મી દ્વારા આરોપી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ.
-
રાજ્યમાં આજે પણ અંગ દઝાડતી ગરમીની આગાહી
રાજ્યમાં આજે પણ અંગ દઝાડતી ગરમીની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હીટવેવની આગાહી છે. રાજ્યના 9 જિલ્લામાં ઉષ્ણ લહેરની ચેતવણી છે. અમદાવાદ, ગાંધીનગર, સુરતમાં હીટવેવની આગાહી છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં ગરમીની ઉષ્ણ લહેર રહેશે. સોરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં હીટવેવની ચેતવણી છે.
Published On - Mar 11,2025 7:23 AM