Gujarat Election 2022: મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી આપ્યુ રાજીનામુ, અપક્ષમાંથી લડશે ચૂંટણી
મધુ શ્રીવાસ્તવે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ કે મે ભાજપને રામ રામ કર્યા છે. મારી ટિકિટ કપાતા કાર્યકરોમાં રોષ છે. મે મારી રાજકીય કારકીર્દીમાં એક રુપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી.

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022 : વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ ભરવાના ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ભાજપ દ્વારા અત્યાર સુધીમાં 166 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ભાજપનું લિસ્ટ જાહેર થયા બાદ સૌથી વધુ ચર્ચામાં કોઈ નેતા હોય તો તે મધુ શ્રીવાસ્તવ રહ્યા છે. વડોદરાની વાઘોડીયા બેઠકના ભાજપના નેતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતા તેમણે ભાજપમાંથી રાજીનામુ આપી દીધુ છે. મધુ શ્રીવાસ્તવ હવે અપક્ષમાંથી ચૂંટણી લડે તેવી માહિતી મળી રહી છે. જો કે મધુ શ્રીવાસ્તવે મીડિયા સમક્ષ ચૂંટણી લડવા અંગે હજુ કોઇ નિર્ણય ન લીધો હોવાનું જણાવ્યુ છે.
મધુ શ્રીવાસ્તની ટિકિટ કાપીને અશ્વિન પટેલને ભાજપે વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યાં છે. ત્યારે દબંગ નેતા તરીકેની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવ હવે વાઘોડીયા બેઠક પર અપક્ષમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. મધુ શ્રીવાસ્તવે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ કે ‘મે ભાજપને રામ રામ કર્યા છે. મારી ટિકિટ કપાતા કાર્યકરોમાં રોષ છે. મે મારી રાજકીય કારકીર્દીમાં એક રુપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી. મને ભાજપે આટલા વર્ષ તક આપી તે માટે તેનો આભાર માનું છુ.’ જો કે બીજી તરફ મધુ શ્રી વાસ્તવે એવુ પણ જણાવ્યુ હતુ કે હજુ ચૂંટણી લડવા પર મે નિર્ણય નથી લીધો. સાથે જ મળતી માહિતી મુજબ મધુ શ્રીવાસ્તવ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનું સમર્થન કરશે.
ગુજરાત ઇલેક્શન 2022 :છેલ્લા 6 ટર્મથી આ બેઠક પર શ્રીવાસ્તવનો દબદબો
વાઘોડીયા બેઠક પર ભાજપમાંથી અશ્વિન પટેલને ટિકિટ મળતા રાજકારણ ગરમાયું છે. ત્યારે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ છે. વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા જિલ્લામાં આવેલી છે અને વડોદરા લોકસભા બેઠક હેઠળ આવે છે. આ બેઠક પર 1962થી 1985 કોંગ્રેસનો કબજો હતો. જે બાદ 1995થી 2017 સુધી એટલે કે 6 ટર્મથી મધુ શ્રીવાસ્તવ જીતતા આવ્યા છે. ત્યારે મધુ શ્રીવાસ્તવ અપક્ષમાંથી ચૂંટણી લડશે તો આદિવાસી મતોનો ભાજપને ફટકો પડે તેવી શક્યતા છે.
મધુ શ્રીવાસ્તવની રાજકીય સફર
મધુ શ્રીવાસ્તવ ધો.10 પાસ છે અને તેઓ શરુઆતમાં વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી લડ્યાં હતા. જે પછી બે વખત વાડી વિસ્તારમાંથી કૉર્પોરેટર બન્યા હતા. 1995માં વાઘોડિયાથી અપક્ષ ધારાસભ્ય બન્યા.કેશુભાઈ અને શંકરસિંહના ગજગ્રાહનો તેમને ફાયદો થયો હતો. જે પછી મધુ શ્રીવાસ્તવની કિસ્મત ચમકી અને તેમને એક તક મળી. મધુ શ્રીવાસ્તવે શંકરસિંહ વાઘેલાને સાથ આપ્યો હતો. જે પછી પેટાચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવ ભાજપમાંથી ચૂંટાયા હતા. 2002ના હુલ્લડો બાદ શ્રીવાસ્તવનું કદ વધી ગયું. 2017 સુધી ભાજપમાંથી તેઓ 5 ટર્મ વાઘોડીયામાંથી ચૂંટાયા. રાજકારણ સિવાય તેઓ અભિનયક્ષેત્રે પણ સક્રિય છે. તેમણે ગુજરાતી ફિલ્મોમાં મહેમાન કલાકારની ભૂમિકા ભજવી છે. 2014માં તેમણે ગુજરાતી ફિલ્મ દ્વારા નવાક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું.
ગુજરાત ઇલેક્શન 2022 : ધારાસભ્ય તરીકે છ ટર્મ રહ્યા
- 2017ની ચૂંટણીમાં ભાજપમાંથી જીત્યા હતા
- 2012ની ચૂંટણીમાં ભાજપમાંથી જીત્યા હતા
- 2007ની ચૂંટણીમાં ભાજપમાંથી જીત્યા હતા
- 2002ની ચૂંટણીમાં ભાજપમાંથી જીત્યા હતા
- 1998ની ચૂંટણીમાં ભાજપમાંથી જીત્યા હતા
- 1995ની ચૂંટણીમાં અપક્ષમાંથી જીત્યા હતા