અમદાવાદ ફાયર બ્રિગેડના ચાર્જમાં દોઢથી ત્રણ ગણો વધારો, નિયમો તોડનારી કંપનીઓને થશે જેલ અને લાખોનો દંડ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 15 વર્ષ બાદ ફાયર ચાર્જીસમાં મોટો સુધારો કરાયો છે. આ સાથે જ ગુજરાત ફાયર એક્ટ હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરતી ફેક્ટરીઓ પર સીલિંગ, દંડ અને જેલની સજાની કડક જોગવાઈઓ પણ લાગુ થશે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારાની અસર હવે સરકારી સેવાઓ પર પણ જોવા મળી રહી છે. મોંઘવારીના માહોલ વચ્ચે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝે પોતાની વિવિધ સેવાઓના ચાર્જમાં સુધારો અને વધારો કર્યો છે. સ્થાયી સમિતિની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય મુજબ, હવે વિવિધ સેવાઓ માટે અગાઉ કરતા દોઢથી ત્રણ ગણો ચાર્જ ચૂકવવો પડશે.
15 વર્ષ બાદ ચાર્જમાં મોટો વધારો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર સેવાઓના ચાર્જમાં છેલ્લે વર્ષ 2011માં ફેરફાર કરવામાં આવ્યો હતો. આશરે 15 વર્ષના લાંબા ગાળા બાદ આ ચાર્જમાં નવો સુધારો કરવામાં આવ્યો છે.
નાગરિકો માટે મોટી રાહત: જો અમદાવાદ શહેરની હદની અંદર આગ કે અકસ્માતની કોઈ ઘટના બને છે, તો નાગરિકો પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં. એટલે કે, શહેરી વિસ્તાર માટે ફાયર બ્રિગેડની સેવાઓ અગાઉની જેમ જ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે.
ઔદ્યોગિક એકમો અને શહેર બહારની સેવાઓ માટે નવા નિયમો
શહેરની હદની બહારના વિસ્તારો, જીઆઈડીસી તેમજ ખાનગી ઔદ્યોગિક એકમો કે રિફાઇનરીઓમાં જ્યારે આગની ઘટના બને અને ત્યાં અમદાવાદ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવે, ત્યારે હવે નવા નિર્ધારિત ચાર્જ લાગુ થશે. અગાઉ આ સેવાઓ માટે ઘટનાના પ્રકાર અને સમયના આધારે રૂ. 300થી રૂ. 1000 સુધીનો ચાર્જ લેવાતો હતો, જે હવે વધારીને 8 કલાકની સમયમર્યાદા માટે લઘુતમ રૂ. 1600 નક્કી કરવામાં આવ્યો છે.
જો નિયત 8 કલાક કરતાં વધુ સમય લાગશે, તો વધારાના કલાકો મુજબ અલગથી ચાર્જ વસૂલવામાં આવશે. આ સિવાય, ફાયર બ્રિગેડના સ્ટાફને ચૂકવવાનું થતું ભથ્થું પણ જે-તે અરજદારે અલગથી ભોગવવાનું રહેશે.
સુધારેલા દરોની સંપૂર્ણ વિગત નીચે મુજબ:
| સેવા વિગત | વિસ્તાર | અગાઉનો ચાર્જ (રૂ.) | હવેનો નવો ચાર્જ (રૂ.) |
| અંગાર / બચાવ કોલ | અમદાવાદ શહેર | 00 | 00 |
| અમદાવાદની બહાર | 500-1000 | 1600 | |
| પ્રાઇવેટ બંદોબસ્ત | અમદાવાદ શહેર | 300 | 1600 |
| અમદાવાદની બહાર | 500 | 1600 | |
| ફાયર સેફ્ટી તાલીમ | અમદાવાદ શહેર | 00 | 00 |
| અમદાવાદની બહાર | 20 / કિમી | 1600 |
શું છે કાયદો
ગુજરાતમાં કોઈપણ ફેક્ટરી, ઇન્ડસ્ટ્રી કે રિફાઇનરીમાં આગ લાગે ત્યારે માત્ર આ ચાર્જ જ નહીં, પણ જો તેમની બેદરકારી હોય તો મોટી કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. આ માટે સરકાર “ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2013” (Gujarat Fire Prevention and Life Safety Measures Act, 2013) નો ઉપયોગ કરે છે.
ચાર્જ અને ઓપરેશનલ કોસ્ટ વસૂલવાનો નિયમ
જો ફાયર બ્રિગેડ પોતાના નિયમિત વિસ્તારની બહાર (જેમ કે કોઈ કંપની કે GIDCમાં) આગ ઓલવવા જાય અથવા જ્યાં કંપનીની લાપરવાહીને કારણે ખાસ કેમિકલ/ફોમ (Foam) નો ઉપયોગ કરવો પડે, તો સરકારને ‘એકચ્યુઅલ ઓપરેશનલ કોસ્ટ’ (વાસ્તવિક ખર્ચ) વસૂલવાનો પૂરો કાનૂની અધિકાર છે. મોટા ઓપરેશન્સમાં આ બિલ લાખો રૂપિયામાં હોઈ શકે છે.
બેદરકારી બદલ કાનૂની કાર્યવાહી અને જેલની સજા
જો તપાસમાં જાણવા મળે કે કંપનીમાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થયું હતું, તો આ જ એક્ટના અંતર્ગત નીચે મુજબની કડક કાર્યવાહી થાય છે:
- જો કંપની પાસે વેલિડ Fire NOC ન હોય અથવા સેસ ન ભર્યો હોય, તો ફાયર ઓથોરિટી ફેક્ટરીનું વીજળી-પાણીનું જોડાણ કાપી શકે છે અને ફેક્ટરીને સીલ (Seal) કરી શકે છે.
- પ્રથમ વખત નિયમભંગ બદલ રૂ. 50,000 થી રૂ. 1,00,000 સુધીનો દંડ થઈ શકે છે. જો નોટિસ આપ્યા પછી પણ ખામી સુધારવામાં ન આવે, તો રોજના રૂ. 3,000 થી રૂ. 5,000 સુધીનો વધારાનો દંડ વસૂલવામાં આવે છે. ગંભીર લાપરવાહીના કિસ્સામાં (જેમ કે કોઈનો જીવ જવો) જવાબદાર અધિકારીઓ કે માલિકોને 6 મહિનાથી 2 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે.
આ ઉપરાંત, ધી ફેક્ટરીઝ એક્ટ, 1948 (Factories Act) ની કલમ 38 હેઠળ ‘ડિરેક્ટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ’ (DISH) કંપનીનું લાયસન્સ રદ કરી શકે છે અને જો જાનહાની થાય તો પોલીસ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધી ધરપકડ પણ કરી શકે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા વધેલા ચાર્જીસ અને ગુજરાત ફાયર એક્ટના કડક નિયમો દર્શાવે છે કે હવે ઔદ્યોગિક એકમોએ ફાયર સેફ્ટી બાબતે અત્યંત ગંભીર રહેવું પડશે, નહીં તો આર્થિક બોજ અને કાનૂની સજા બંને ભોગવવી પડી શકે છે.
