ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર.. રાજ્યમાં અહીં શરૂ થયું પહેલું ઓબેસીટી ક્લિનિક, જુઓ Video
ગુજરાતમાં મેદસ્વિતાની વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પ્રથમ ઓબેસિટી ક્લિનિક શરૂ કર્યો છે. મે મહિનાથી શરૂ થયેલા આ ક્લિનિકમાં 569 દર્દીઓને સારવાર મળી છે.

મેદસ્વિતા જેવી ગંભીર આરોગ્ય સમસ્યાને નિયંત્રણમાં લેવા માટે રાજ્યમાં પ્રથમ વખત ઓબેસીટી ક્લિનિકનો આરંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના વોર્ડ નંબર 14 માં આ ક્લિનિક શરૂ કરવામાં આવી છે, જે “ઓબેસીટી મુક્તિ” માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ પગલું છે.
મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં શરૂ થયેલ આ ઓબેસીટી ક્લિનિકમાં અત્યાર સુધીમાં 569 દર્દીઓની સારવાર અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. નિષ્ણાત તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓનું વજન, ઊંચાઈ અને બોડી માસ ઈન્ડેક્સ (BMI)ની તપાસ કરવામાં આવે છે. સાથે જ, કાઉન્સિલરો દ્વારા દરેક દર્દીને તેમની શારીરિક સ્થિતિ પ્રમાણે જરૂરી સલાહ અને માર્ગદર્શન આપવામાં આવે છે.
ઓબેસીટી નિયંત્રણમાં લાવવાથી હૃદયરોગ, બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવી ગંભીર બિમારીઓનો સંભવિત જોખમ પણ ઓછો કરી શકાય છે. ખાસ કરીને યુવાનોમાં વધતા હૃદયરોગના કેસોમાં મેદસ્વિતા એક મુખ્ય કારણ હોવાનું ધ્યાનમાં લઈ રાજ્યની અન્ય હોસ્પિટલોમાં પણ આવાં ક્લિનિક શરૂ કરવાની યોજના પર કાર્ય ચાલી રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વસ્થ ભારતનું વિઝન સાકાર કરવા આ પ્રકારની પહેલો ખૂબ જ મહત્વની છે. ઓબેસીટી ક્લિનિક દર્દીઓને નિયમિત કસરત, યોગાસન તથા તણાવ મુક્તિ માટે માર્ગદર્શન આપે છે, જે તેમને એક આરોગ્યદાયક જીવનશૈલી અપનાવવામાં મદદરૂપ બને છે.
મેદસ્વિતા (ઓબેસીટી) એ ગંભીર આરોગ્ય સમસ્યા છે જે ઘણા શારીરિક અને માનસિક ઘાતક પરિણામો લાવી શકે છે. તેનો મુખ્ય કારણ શરીરમાં જરૂરી કરતા વધુ ચરબી સંગ્રહ થવું છે, જે ઘણીવાર અસંતુલિત જીવનશૈલીના કારણે થાય છે.
ઝડપથી બદલાતી જીવનશૈલી, ખોરાકમાં વધુ ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ ખોરાકનો સેવન, ઓછું શારીરિક શ્રમ, ટેકનોલોજી ઉપર આધારીત બંધ બારણાંની અંદર બેઠકવાળું જીવન અને સતત તણાવ જેવા અગત્યના કારણો છે. ઉપરાંત, લાંબા સમય સુધી ફક્ત બેસીને કામ કરવું (sedentary lifestyle), અનિયમિત ખોરાક, રાતે ઓછી ઊંઘ અસંતુલન પણ મેદસ્વિતાનું મોટું કારણ બની શકે છે.
વારસાગત કારણો (જૅનેટિક્સ), કેટલીક દવાઓનો અસર અને મનોદશા સંબંધિત સમસ્યાઓ (જેમ કે ડિપ્રેશન કે તણાવમાં વધુ ખાવાનું ટેવવું) પણ મેદસ્વિતાને વધારવાનું કામ કરે છે. આ બધા કારણો સાથે યોગ્ય સમય પર માર્ગદર્શન ન લેવો પણ સ્થિતિને વધુ વિકટ બનાવી શકે છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો