નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો યોજાયો પદવીદાન સમારોહ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે એનાયત કરાઈ ડિગ્રી
ગાંધીનગરમાં આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો બીજો પદવીદાન સમારોહ યોજાયો. આ સમારોહમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમા 48 વિદ્યાર્થીઓેને ગોલ્ડ મેડલ એનાયત કરાયા જ્યારે 1178 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ

ગાંધીનગર ખાતે આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો બીજો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં વર્ષ 2022 – 23 માં ઉતીર્ણ થયેલા 48 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે યુનિવર્સિટીના કુલ 1178 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ સાથે જ 23 વિદ્યાર્થીઓને પીએચડી ડીગ્રી પણ એનાયત કરાઈ હતી. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્રપ્રધાન દ્વારા એન.એફ.એસ.સીના વિવિધ વિષયોના ટોપર્સને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. રિપબ્લિક ઓફ ઝિમ્બાબ્વેના શિક્ષણ મંત્રી એડસન મોયો, રવાન્ડાના ભારત ખાતેના હાઈકમિશનર જેકલીન મુકાંગીરા પણ પદવીદાન સમારોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વિશ્વની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુુનિવર્સિટી
એનએફએસયુમાં ફક્ત અમદાવાદ કે ગુજરાતના જ નહીં પરંતુ ભારત અને વિદેશના પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવી રહ્યા છે. મહત્વનું છે કે ગાંધીનગરમાં આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વિશ્વની સૌપ્રથમ એક માત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે. હાલના સમયમાં જે રીતે ગુનાઓ અને ખાસ સાઇબર ક્રાઈમ સંબંધીત પડકારો વધી રહ્યા છે તેનો સામનો કરવા માટે યુનિવર્સિટીનાં અલગ અલગ કોર્સ ઉપયોગી સાબિત થશે. 14 વર્ષના ટૂંકા ગાળામાં યુનિવર્સિટીએ રાજ્ય સ્તર થી લઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધીની પ્રગતિ કરી છે. દર વર્ષે બે હજાર થી વધુ વિદેશી પોલીસ અધિકારીઓ, ફોરેન્સિક વૈજ્ઞાનિકો, ન્યાયાધીશો, વિવિધ લો એનફોર્સમેન્ટ એજન્સીના અધિકારીઓ પણ આ યુનિવર્સિટીમાં તાલીમ પણ મેળવે છે.
હાલમાં યુનિવર્સિટીમાં 72 જેટલા અત્યંત વિશિષ્ઠ ડોક્ટરલ, પોસ્ટ ડોક્ટરલ, પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ, ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામ્સ જેવા ફોરેન્સિક સાયન્સ સાથે સંકળાયેલા અભ્યાસક્રમો ચાલે છે. એન.એફ.એસ.યુ દ્વારા યુગાન્ડા ખાતે પણ પોતાનું કેમ્પસ શરૂ કરવામાં આવ્યું છે. એન.એફ.એસ.યુ વિદેશમાં કેમ્પસ શરૂ કરનારી ભારતની પહેલી યુનિવર્સિટી છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો