Gujarat ને રિન્યૂએબલ ઊર્જા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ 6 એવોર્ડ પ્રાપ્ત થયા
ગુજરાતને પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે ગુજરાતને 6 એવોર્ડ પ્રાપ્ત થયા છે. આ એવોર્ડ કેરળના કોચીન ખાતે કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા રાજ્યમંત્રી શ ભગવંત ખુબાના હસ્તે એનાયત કરવામાં આવ્યાં છે.

ગુજરાતને (Gujarat) પુનઃપ્રાપ્ય ઊર્જા (Renewable Energy ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે ગુજરાતને 6 એવોર્ડ (Award) પ્રાપ્ત થયા છે. આ એવોર્ડ કેરળના કોચીન ખાતે કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા રાજ્યમંત્રી શ ભગવંત ખુબાના હસ્તે એનાયત કરવામાં આવ્યાં છે. ગુજરાત રાજ્યના ઊર્જા અને ક્લાઇમેટ ચેન્જ વિભાગના અધિકારીઓ અને ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (જેડા)ના નિયામક દ્વારા આ એવોર્ડ સ્વીકારવામાં આવ્યા હતા. આ અંગે ગુજરાતના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, ગુજરાતે ક્લાઇમેટ ચેન્જ અને પુનઃપ્રાપ્ય ઊર્જા સંદર્ભે અનેકવિધ નવતર આયામો હાથ ધરીને નવી નીતિઓ પણ બનાવી છે. જેના પરિણામે ગુજરાતે હરિત ઊર્જા નિર્માણમાં હરણફાળ ભરી છે. રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને પરિણામે ગુજરાત પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયું છે.
તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઈના માર્ગદર્શન હેઠળ ઊર્જા વિભાગે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરી છે તેના ફળસ્વરૂપે આ એવોર્ડ ગુજરાતને પ્રાપ્ત થયા છે. મુખ્યમંત્રી અને ઊર્જામંત્રીએ આ વિશેષ સિદ્ધિ બદલ ઊર્જા વિભાગને અભિનંદન પાઠવ્યાં છે.
સોલર ઊર્જાની સ્થાપિત ક્ષમતા 7973 મેગા વોટ સાથે બીજા ક્રમે
પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, કલાઇમેટ ચેન્જ વિભાગ તથા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીના સંયુકત ઉપક્રમે ગુજરાત સરકારે સકારાત્મક પ્રજાલક્ષી ગ્રીન ઊર્જા નીતિ દ્વારા કરાયેલ ઉત્તમ કામગીરીને પરિણામે ગુજરાત હાલ પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 9534 મેગા વોટ સાથે સંપૂર્ણ દેશમાં બીજા સ્થાને, સોલર ઊર્જાની સ્થાપિત ક્ષમતા 7973 મેગા વોટ સાથે બીજા ક્રમે જ્યારે સોલર રૂફટોપની સ્થાપિત ક્ષમતા 1925 મેગા વોટ સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.
તેમણે કહ્યું કે, ગુજરાતને પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે એસોસિયેશન ઓફ રિન્યુએબલ એનર્જી ઑફ સ્ટેટ (AREAS)દ્વારા જે છ એવોર્ડ એનાયત થયા છે. જેમાં
- ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીને વર્ષ 2021-22 માટે દ્વિતિય ક્રમની સૌથી વધારે પુનઃ પ્રાપ્ય ઊર્જાની ‘સ્થાપિત ક્ષમતા’ માટે
- ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીને વર્ષ 2021-22 માટે દ્વિતીય ક્રમની સૌથી વધારે પુનઃપ્રાપ્ય પવન ઊર્જા સ્થાપિત ક્ષમતા માટે
- ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીને વર્ષ 2021-22 માટે દ્વિતીય ક્રમની સૌથી વધારે પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન માટે
- ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીને વર્ષ 2021-22 માટે દ્વિતીય ક્રમની સૌથી વધારે પુનઃપ્રાપ્ય ઊર્જા કેપેસીટી એડીશન (ક્ષમતા વધારા)
- ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીને વર્ષ 2021-22 માટે દ્વિતીય ક્રમની સૌથી વધારે સૌર ઊર્જા ક્ષમતા વધારવા માટે
- ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીને વર્ષ ૨૦૨૧-૨૨ માટે પ્રથમ ક્રમની સૌથી વધારે પવન ઊર્જા વધારાની ક્ષમતા માટે