Gujarat Monsoon 2022: વડાપ્રધાન મોદી અને અમિત શાહે કરી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત, જરૂરી તમામ મદદની આપી ખાતરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) તેમજ અમિત શાહે (Amit Shah) રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી અને તમામ વિકટ પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તેમજ જરૂરી તમામ મદદ પહોંચાડવા અને NDRFની વધુ ટીમ ફાળવવા ખાતરી આપી હતી.

રાજ્યમાં વિવિધ જિલ્લાઓ વરસાદથી બેહાર બન્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન તેમજ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે પણ CM પાસેથી ગુજરાતમાં વરસાદ અંગેની માહિતી પ્રાપ્ત કરી હતી અને તમામ વિકટ પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તેમજ જરૂરી તમામ મદદ પહોંચાડવા અને NDRFની વધુ ટીમ ફાળવવા ખાતરી આપી હતી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતને ઘમરોલી રહેલા વરસાદને કારણે વિવિધ જિલ્લામાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. ગત રોજ મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરના બોડેલીમાં અનરાધાર વરસાદ ખાબક્યો હતો જ્યારે મોડી સાંજથી અમદાવાદમાં શરૂ થયેલા વરસાદે શહેરને જળબંબાકાર બનાવી દીધું હતું.
અનેક જિલ્લાઓ પાણી પાણી થઇ ગયા. સૌથી પહેલા મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને બાનમાં લીધું હતુ. ડાંગ, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં મેઘરાજાનો તોફાની મિજાજ જોવા મળ્યો. એક મહિનાનો વરસાદ એક દિવસમાં જ ખાબકી ગયો. 24 ઇંચથી વધુ વરસાદ થતા ચો તરફ પાણીએ હડકંપ મચાવ્યો. દક્ષિણ ગુજરાતની (South Gujarat) લગભગ તમામ નદીઓએ રૌફ સ્વરૂપ ધારણ કરી લીધું. તો છેલ્લા 10 કલાકમાં રાજ્યના 108 તાલુકામાં મેઘમહેર થઇ છે. ભારે વરસાદને પગલે અનેક સ્થળે પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે.
15 તાલુકાઓમાં 4 ઇંચથી 18 ઇંચ વરસાદ
રાજ્યમાં ખાબકેલા વરસાદની વાત કરીએ તો છેલ્લા 10 કલાકમાં રાજ્યના 108 તાલુકામાં મેઘમહેર થઇ છે. રાજ્યના 15 તાલુકાઓમાં 4 ઇંચથી 18 ઇંચ વરસાદ થયો છે. 4 તાલુકાઓમાં 10 ઇંચથી 18 ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં 18 ઇંચ વરસાદ વરસ્યો છે. 10 કલાકમાં સુરતના ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો નર્મદા જિલ્લાના તિલકવાડા અને નાંદોદમાં 10થી 11 ઇંચ વરસાદ થયો છે.
આગામી પાંચ દિવસ રહેશે અતિભારે
ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. નર્મદા, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. તો અમદાવાદમાં પણ ભારે વરસાદ પડવાની આશંકા છે. રાજ્યમાં 15 જુલાઈ પછી વરસાદથી આંશિક રાહત મળી શકે છે.
હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે. રાજ્ય સરકારે ભારે વરસાદની આગાહીને પગલે NDRF, SDRF અને સ્થાનિક તંત્રને સાવચેત રહેવા તાકીદ કરી છે. તો વધુ વરસાદ પડે ત્યારે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને ત્વરિત સલામત સ્થળે ખસેડવા આદેશ કરાયો છે.