Gujarat Election : ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી લડશે ચૂંટણી, અરવિંદ કેજરીવાલની જાહેરાત
આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી ચૂંટણી લડશે. આ અંગે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને જાહેરાત કરી હતી

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી ચૂંટણી લડશે. આ અંગે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને જાહેરાત કરી હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ CMના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીના નામ ઉપર મહોર મારી છે. 4 નવેમ્બરે અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી હતી.
પત્રકાર પરિષદમાં આપના સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે અમે ગુજરાતની જનતાનો મત જાણીને ઇસુદાન ગઢવીના નામ ઉપર પસંદગી ઉતારી છે. ઇસુદાન ગઢવીના નામની જાહેરાત બાદ પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનથી માંડીને ગોપાલ ઇટાલિયા તેમજ આપના કાર્યકર્તાઓએ ઇસુદાનને અભિનંદન પાઠવ્યા હતા. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે અમે નાગરિકોને સોશિયલ મીડિયા દ્વારા સીએમ પદના ઉમેદવાર માટે મત વ્યક્ત કરવા માટે જણાવ્યું હતું કે ત્યારે અમારા પોલમાં કુલ 73 ટકા જનતાએ ઇસુદાનના નામને પસંદ કર્યું હતું. આથી અમે આમ આદમી પાર્ટીના સીએમ પદના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીના નામ પર મહોર મારી છે. ઈસુદાન ગઢવીને અગાઉ આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય સહ-મહામંત્રીનું પદ આપેલું છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું ગુજરાતના ઇતિહાસમાં મહત્વનો દિવસ
અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં કહયું હતું કે આજે ગુજરાતના ઈતિહાસ માટે મહત્વનો દિવસ છે. અમે લોકોની વચ્ચે જઈએ છીએ. 27 વર્ષ સુધી કોઈ વિકલ્પ નહોતો. આજે ગુજરાત પરિવર્તન તરફ જઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સંબંધો હતા. આજે એક નવો વિકલ્પ મળ્યો છે.આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે. નવું એન્જીન છે. અમે રૂમમાં બેસી નક્કી નથી કરતા કે સીએમ કોણ હશે. પંજાબમાં પણ સામાન્ય જનતાએ જ પોતાનો સીએમ પસંદ કર્યો હતો. અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે ગુજરાતના તમામ સરવે ખોટા પડશે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે.
રાજકારણમાં શોખથી નથી આવ્યો પરંતુ મજબૂરી : ઈસુદાન ગઢવી
ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને સીએમ પદનો ચહેરો જાહેર કર્યા છે.. અમદાવાદમાં દિલ્લીના સીએમ અને પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવીને સીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. CM પદના ઉમેદવાર જાહેર થયા બાદ ઈસુદાન ગઢવી સાથે ટીવીનાઇને વિશેષ મુલાકાત કરી હતી. જેમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે રાજકારણમાં શોખથી નથી આવ્યો પરંતુ મજબૂરી છે. લોકોની સમસ્યાઓ જોયા બાદ તેને ઉકેલવાની સંકલ્પ સાથે રાજકારણ આવ્યો છું. સંઘર્ષ ખૂબ છે. મુદ્દાની રાજનીતિનો નવો વિકલ્પ અરવિંદ કેજરીવાલ મળ્યા અને તેમની મુલાકાત બાદ મે રાજનીતિમાં આવવાનો વિચાર કર્યો અને રાજકારણમાં પ્રવેશ કર્યો. આજે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની એમ પહેલા દિવસથી વીજ બીલ માફ કર્યું છે. જો કોંગ્રેસ અને ભાજપ હોત તો આ કામ સાડા ચાર વર્ષ બાદ કર્યું હોત અમારામાં અને એમનામાં આજ ફરક છે.