પીએમ મોદીની સુરક્ષામાં ચૂક માટે પંજાબના મુખ્યમંત્રી રાજીનામું આપે : સીઆર પાટીલ
ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું કે વડાપ્રધાન મોદી ના કાફલા નો રૂટ બદલાયો તે જાણકારી ફક્ત મુખ્ય પ્રધાન, ડીજીપી અને સેક્રેટરીને જ હતી અને તે લીક કરવામાં આવી.
પંજાબમાં(Punjab)પીએમ મોદીની(PM Modi) સુરક્ષામાં ચૂક( Security lapse) મુદ્દો ગુજરાતમાં(Gujarat)પણ ગરમાયો છે. જેમાં ભાજપ દ્વારા પંજાબ સરકાર અને મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. આ મુદ્દે જ ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ( CR Paatil)અને ભાજપના અન્ય નેતાઓ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
રાજ્યપાલને મળ્યા બાદ સીઆર પાટીલે જણાવ્યું કે જ્યારે વડાપ્રધાન કોઈપણ રાજ્યની મુલાકાત પર હોય ત્યારે તેમની સુરક્ષાની જવાબદારી તે રાજ્યના મુખ્યમંત્રી અને સરકારની હોય છે. પંજાબ સરકાર દ્વારા આ ખૂબ મોટી ચૂક થઈ છે અને ક્યાંક ને ક્યાંક આ ઇરાદાપૂર્વક કરાયું હોય તેવું નજરે પડી રહ્યું છે.
પાટીલે કહ્યું કે વડાપ્રધાન મોદી ના કાફલા નો રૂટ બદલાયો તે જાણકારી ફક્ત મુખ્ય પ્રધાન, ડીજીપી અને સેક્રેટરીને જ હતી અને તે લીક કરવામાં આવી. આ જાણકારી પ્રદર્શનકારીઓને આપવામાં આવી જેના લીધે વડાપ્રધાન નો કાફલો ફ્લાયઓવર પર 20 મિનિટ સુધી ફસાયેલો રહ્યો. એ ફ્લાયઓવર બહુમાળી ઇમારતોથી ઘેરાયેલો હતો જ્યાંથી હુમલાનો પણ પ્રયાસ થઇ શકે તેમ હતો.
સી આર પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે પંજાબના મુખ્યપ્રધાન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ના ઈશારા પર આવું કૃત્ય ઇરાદાપૂર્વક કર્યું હોય તેવું જણાઈ રહ્યું છે. તેમણે માગણી કરી હતી કે ચરણજીતસિંહ ચન્ની તાત્કાલિક રાજીનામું આપે અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દેશની માફી માંગે.
ઉલ્લેખનીય છે કે, પંજાબમાં 5 જાન્યુઆરીના રોજ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફિરોઝપુરમાં ચૂંટણી પ્રચાર કરવાના હતા તે દરમ્યાન ખરાબ હવામાનને કારણે પીએમ હેલિકોપ્ટરના બદલે કાફલા સાથે ભટિંડા એરપોર્ટથી રવાના થયા હતા. વડાપ્રધાનના રૂટ માં કેટલાક દેખાવકારોએ રસ્તો બ્લોક કરી દીધો હતો જે કારણે પીએમ પોતાના કાફલા સાથે ૨૦ મિનિટ ફ્લાય ઓવર પર અટવાયેલા રહ્યા. વડાપ્રધાનની સુરક્ષામાં આટલી મોટી ચુક બાદ રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે.
આ પણ વાંચો : ગુજરાતની બાળકોના કોરોના રસીકરણમાં સિદ્ધિ, ત્રણ દિવસમાં થયું આટલું રસીકરણ
આ પણ વાંચો : Ahmedabad : ઉતરાયણ પર્વને કોરોનાનું ગ્રહણ, પોળમાં ધાબા ભાડે રાખવાની ડિમાન્ડમાં ઘટાડો