કુંવારી દીકરીઓને મોબાઈલ ન આપવાના હિમાયતી ગેનીબેન ઠાકોરે ગૃહમાં ઉઠાવ્યો મહિલાઓને હથિયાર આપવાની મંજૂરીનો મુદ્દો !
Gandhinagar: ઠાકોર સમાજે ખુદ ઘડેલા સમાજના બંધારણ મુજબ કુંવારી દીકરીઓને મોબાઈલ ન આપવો જોઈએ. આ બંધારણનું સમર્થન ગેનીબેન ઠાકોર પણ કરે છે અને તેની પાછળનું કારણ તેઓ જણાવે છે કે મોબાઈલના કારણે સમાજમાં મોટી બદીઓ આવી છે. તો બીજી તરફ મહિલાઓને સ્વરક્ષા માટે હથિયાર આપવાનો મુદ્દો તેમણે વિધાનસભા ગૃહમાં ઉઠાવ્યો અને હથિયારની મંજૂરી અંગે સવાલ કર્યો હતો.
વિધાનસભામાં ચાલી રહેલા બજેટસત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી મહિલાઓને હથિયાર આપવાની મંજૂરીનો મુદ્દો ઉઠાવ્યો. ગેનીબેન ઠાકોરે સરકારને સવાલ કર્યો કે મહિલાઓને સુરક્ષા આપવા માટે હથિયારની મંજૂરી આપવા માટે સરકારે શું નિર્ણય કર્યો. જો કે ગેનીબેન ઠાકોરના સવાલ પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેનો પ્રત્યુત્તર આપ્યો. હર્ષ સંઘવીએ જણાવ્યુ કે મહિલાઓ વિરુદ્ધના ગુનામાં તાત્કાલિક ન્યાય મળે છે. મહિલાઓ પર અત્યાચાર થશે તો આરોપીઓને કડક સજા થશે.
હાલની સ્થિતિમાં કરાટે પૂરતા નથી- ગેનીબેન ઠાકોર
અગાઉ પણ વિધાનસભાના સત્ર દરમિયાન ગેનીબેન ઠાકોરે દીકરીઓને આત્મરક્ષણ માટે સ્વનિર્ભર બને તેવા આશયથી મહિલાઓને બંદુકનું લાયસન્સ આપવાની માગ કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે હાલની સ્થિતિને જોતા કરાટે પૂરતા નથી. જે વિસ્તારમાં બુટલેગરો, અસામાજિક તત્વોને કારણે મહિલાઓ સામે અત્યાચાર થઈ રહ્યા છે પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી.
આથી આવા લોકોનુ મનોબળ વધે છે. આવી ઘટનાઓમાંથી 90 ટકા ફરિયાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચતી નથી. માત્ર 10 ટકા મહિલાઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે છે. ઉપરાંત ભોગ બનેલી મહિલાઓને સવાલ કરવામાં આવે તો પોતાની સાથે બનેલી ઘટનાનું વર્ણન કરી શક્તી નથી, આવી સ્થિતિમાં મહિલાઓ પાસે લાયસન્સવાળુ હથિયાર હોય તો અસામાજિક તત્વોને પણ ડર રહે છે. તેમ ગેનીબેને જણાવ્યુ હતુ.
કુંવારી દીકરીઓને મોબાઈલ પ્રતિબંધનું પાલન કરાવવાની ગેનીબેને માતા-પિતાઓને કરી અપીલ
આપને જણાવી દઈએ કે એકતરફ ગેનીબેન કુંવારી દીકરીઓને મોબાઈલ ન આપવાની વાતની તરફેણ કરે છે. જ્યારે બીજી તરફ તેઓ સ્વરક્ષા માટે મહિલાઓને હથિયાર રાખવાની મંજૂરી આપવાની પણ વાત કરે છે. ઉલ્લેખની છે કે ઠાકોર સમાજે ઘડેલા તેમના સમાજના બંધારણ મુજબ કુંવારી દીકરીઓને મોબાઈલ આપવો ન જોઈએ અને તેનુ સમર્થન ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ કરે છે. ગેનીબેને દીકરીઓને મોબાઈલ ન આપવા અંગે જણાવ્યુ કે મોબાઈલ વપરાશના કારણે સમાજમાં મોટી બદીઓ આવી છે. જેથી સમાજ-સુધારણા માટે માતા-પિતાએ તેમની કુંવારી દીકરીઓ પર મોબાઈલ પ્રતિબંધનું પાલનુ કરાવવુ જોઈએ.
આ પણ વાંચો: Banaskantha: કુંવારી દીકરીઓના મોબાઈલ વપરાશ અંગેના નિવેદનથી ગેનીબેન વિવાદમાં સપડાયા
રાજ્ય સરકાર કોલેજમાં અભ્યાસ કરતા યુવક-યુવતીઓને આપે છે સ્માર્ટ ફોન
એકતરફ રાજ્ય સરકાર કોલેજમાં અભ્યાસ કરતા દીકરા-દીકરીઓને સ્માર્ટ ફોન આપે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થાય તે હેતુથી કોલેજના પ્રથમ વર્ષમાં જ દીકરા-દીકરીઓને વિનામૂલ્યે સ્માર્ટફોન આપે છે. ત્યારે કુંવારી દીકરી ફોન ન આપવાનુ ગેનીબેન સમર્થન કરે છે. માત્ર કુંવારી દીકરીઓને ફોન આપવાથી જ સમાજમાં બદી વધતી હોવાનો તેમનો તર્ક છે.