પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા આમને સામને, આક્ષેપો-પ્રતિઆક્ષેપોથી રાજકારણ ગરમાયું
અર્જુન મોઢવાડિયાએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે સુરતની જમીન બાબતે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેનો જવાબ આપવા માટે રૂપાણીએ આજે ગાંધીનગરમાં એક પ્રેસકોન્ફરન્સ કરીને તેમની સામે કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા હોવાનું જણાવ્યું છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક બીજા પર આક્ષેપો કરવાનું અને આક્ષેપો ખોટા ગણાવવાનું શરૂ થઈ ગયું છે. હાલમાં જ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) એ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Former Chief Minister Rupani) સામે સુરત (Surat) ની જમીન બાબતે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેનો જવાબ આપવા માટે રૂપાણીએ આજે ગાંધીનગરમાં એક પ્રેસકોન્ફરન્સ કરીને તેમની સામે કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા હોવાનું જણાવ્યું છે.
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કર્યો હતો કે સુરતમાં વિકાસ નકશામાં ખોટી રીતે ફેરફાર કરીને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 27 હજાર કરોડોના ભ્રષ્ટાચારને અંજામ આપ્યો હતો. અર્જુન મોઢવાડિયાએ સીધો આરોપ લગાવ્યો કે વિજય રૂપાણીએ સત્તાનો દૂરઉપયોગ કરીને ભ્રષ્ટાચાર કર્યો હતો. તો વિજય રૂપાણીએ પણ વળતો પ્રહાર કર્યો છે અને અર્જુન મોઢવાડિયાના આરોપો ફગાવી દેતાં એમ કહ્યું છે કે તેઓએ સરકારના 27 હજાર કરોડ રૂપિયા બચાવ્યા છે.
મોઢવાડિયાઓ આક્ષેપ કરતાં કહ્યું હતું કે વિજય રૂપાણીએ કોઇપણ ભલામણ વગર સલાહકાર સમિતિની રચના કરી હતી અને એક પાનાનો ઓર્ડર કરીને 50 ટકા જમીન બિલ્ડરોને પધરાવી દીધી હતી. આની સામે વિજય રૂપાણીએ દાવો કર્યો કે તે પોતે સાચા છે અને કોંગ્રેસ અભ્યાસ કર્યા વિના આક્ષેપો લગાવી રહી છે. સાથે જ અર્જુન મોઢવાડિયા હકિકતનો અભ્યાસ વિના વાત કરતા હોવાનું રૂપાણીએ કહ્યું હતું.
જોકે આરોપ પ્રત્યાઆરોપ બાદ અર્જુન મોઢવાડિયાએ પડકાર ફેંક્યો કે ભાજપ તેમના સવાલનો જવાબ આપે અને આરોપો જો ખોટા હોય તો વિજય રૂપાણી તેમને નોટિસ ફટકારે. બીજી બાજુ વિજય રૂપાણીએ મોઢવાડિયાના આક્ષેપોને પ્રતિષ્ઠા પર પ્રહાર ગણાવ્યો હતો અને કોંગ્રેસ તેમની વધતી લોકપ્રિયતાથી પરેશાન હોવાનો દાવો કર્યો હતો. આ બે નેતાઓ આમને સામને આવી જતાં ગુજરાતમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે અને આ બાબતે હજુ વધુ પડઘા પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.



