15મી ઓગષ્ટથી રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નવો નિયમ અમલી, અરજદારોએ તમામ દસ્તાવેજોની કરાવવાની રહેશે ઓનલાઈન એન્ટ્રી
રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરી(Sub Registrar Office)ઓમાં આગામી 15મી ઓગષ્ટથી નવો નિયમ અમલી થવા જઈ રહ્યો છે જેમા હવે કોઈપણ અરજદારે પોતાના મિલક્તના દસ્તાવેજો, પાવર ઓફ એટર્ની સહિતના તમામ દસ્તાવેજોની ઓનલાઈન નોંધણી ફરજિયાત કરાવવાની રહેશે.

દસ્તાવેજોની નોંધણી માટેનો નિયમ આગામી 15મી ઓગષ્ટથી બદલાઈ જશે. જેમા અરજદારે તેના મિલક્તના દસ્તાવેજો (Property Documents)ની ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. અરજદારે તેના મકાનના દસ્તાવેજો હોય કે પાવર ઓફ એટર્ની કે કોઈ બક્ષિસ લેખ કે મિલકતના વેચાણના દસ્તાવેજો,, આ તમામની હવે ઓનલાઈન નોંધણી (Online Registration) કરાવવી પડશે. રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરી (Sub Registrar Office)ઓમાં 15મી ઓગષ્ટથી આ નવો નિયમ અમલી થઈ જશે. જેમા દસ્તાવેજની નોંધણી માટેના લખાણની જવાબદારી દસ્તાવેજ કરનારને શિરે રહેશે.
મે મહિનામાં શરૂ કરાયો હતો પાયલોટ પ્રોજેક્ટ
ગયા મે મહિનામાં સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજોના લખાણ માટેની ઓનલાઈન એન્ટ્રૂી માટે પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તબક્કામાં રાજ્યમાં 6 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં તેનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો અને તેમા તબક્કાવાર ધીમે ધીમે કચેરીઓની સંખ્યા વધારવામાં આવી હતી. જેમા હવે 15મી ઓગષ્ટથી તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં આ નિયમને લાગુ પાડવામાં આવી રહ્યો છે.
અરજદારે જાતે કરવી કરવાની રહેશે ઓનલાઈન નોંધણી
રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં થતી ભીડ ઘટાડવા અને આઉટસોર્સિંગ ઓપરેટરોનું ભારણ ઘટાડવા માટે આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. જેમા અરજદારે એપોઈમેન્ટ લઈને રજિસ્ટ્રાર કચેરીમાં જવાનું રહેશે અને દસ્તાવેજની હાર્ડ કોપી એટલે ઓરિજનલ લખાણ પણ રજૂ કરવાનુ રહેશે. આ દસ્તાવેજોમાં ઈન્ડેક્સની નકલ, દસ્તાવેજોની નકલ મિલક્ત વેચાણના દસ્તાવેજ પાવર ઓફ એટર્ની, કોઈ બક્ષિસલેખ સહિતનાનો સમાવેશ થશે. અરજદારે ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ તેને એપોઈન્ટમેન્ટ મળે તે મુજબ જાતે દસ્તાવેજોની નકલ લઈને જવાનુ રહેશે. ઓનલાઈન નોંધણી માટે અરજદારે રાજ્ય સરકારના નવા વેબ પોર્ટલ garvibeta.gujarat.gov.in પર જઈ વિવિધ વિગતો એડ કરવાની રહેશે. જેમા દસ્તાવેજ કરનાર અને કરી આપનાર સહિતના તમામના નામો પોર્ટલમાં આપેલી વિગતો મુજબ જાતે એન્ટ્રૂી કરવાના રહેશે. જેમા સાક્ષીઓના નામોની પણ અગાઉથી એન્ટ્રી થઈ શકશે.
ભૂલ થશે તો જવાબદારી દસ્તાવેજ કરનારની રહેશે
આ ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં અરજદારે તેના દસ્તાવેજોની વિગતોની જાતે એન્ટ્રી કરવાની રહેશે. આથી લખાણમાં જો કોઈ ભૂલ થશે તો તેની જવાબદારી પણ દસ્તાવેજ કરનારની જ રહેશે. જો કે આ ભૂલને સુધારવા માટેનો વિકલ્પ આપવામાં આવ્યો છે. અરજદાર જાતે એન્ટ્રી કરતા હોવાથી ભૂલ થવાની પણ શક્યતાઓ ઓછી રહેશે.