Rajkot : વિજ્ઞાનજાથાએ ખોલી મહિલા તાંત્રિકની પોલ ! માતાજીનો મઢ ખોલીને કરતી હતી દોરા-ધાગા, જુઓ Video
રાજકોટમાં તાંત્રિક મહિલાના પાપનો વિજ્ઞાનજાથાએ પર્દાફાશ કર્યો છે. માતાજીનો મઢ ખોલીને તાંત્રિક મહિલા દોરા -ધાગા કરતી હોવાનું સામે આવ્યું છે. નડતર દૂર કરવાના નામે લોકો પાસેથી રુપિયા પડાવતી હતી.

ગુજરાતમાં ફરી એક વાર તાંત્રિક વિધી કરનાર આરોપીનો પર્દાફાશ થયો છે. રાજકોટમાં તાંત્રિક મહિલાના પાપનો વિજ્ઞાનજાથાએ પર્દાફાશ કર્યો છે. માતાજીનો મઢ ખોલીને તાંત્રિક મહિલા દોરા -ધાગા કરતી હોવાનું સામે આવ્યું છે. નડતર દૂર કરવાના નામે લોકો પાસેથી રુપિયા પડાવતી હતી. વિજ્ઞાનજાથાએ ભાવના મકવાણા નામની તાંત્રિક મહિલાને ઝડપી પાડી છે.
તાંત્રિક મહિલાએ પરિણીતાને મંત્રેલી ભભૂતી પીવડાવી હતી. શુદ્ધિકરણના નામે વિધિ બાદ મહિલાને સ્નાન કરાવ્યું હતું. અલગ અલગ 5 ભૂવા પાસે પરિણીતા પર સાસરીયાએ અત્યાચાર કર્યા હતા.
રાજકોટમાં 20 વર્ષથી તંત્ર-મંત્ર, દોરા-ધાગા કરીને અંધશ્રદ્ધાનો પહાડ ચણનાર મહિલાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે. વિજ્ઞાન જાથાને એક પરિણીતાની ફરિયાદ મળી હતી. ફરિયાદ આધારે દરોડા પાડીને તાંત્રિક મહિલા અને તેના પતિના અસલી ચહેરાને વિજ્ઞાનજાથાએ ખુલ્લો પાડ્યો છે. તપાસમાં ખુલાસો થયો છે કે તાંત્રિક મહિલા 20 વર્ષથી માતાજીનો મઢ ખોલીને તંત્ર-મંત્ર દ્વારા લોકો પાસેથી રૂપિયા પડાવતી હતી. એટલું જ નહીં તાંત્રિક મહિલાએ પરિણીતાને નડતર દૂર કરાવવા પ્રપંચ રચ્યાનું પણ સામે આવ્યું છે.
અંધશ્રદ્ધાની આગમાં દાઝતો સમાજ
ફરિયાદી મહિલાને નડતર હોવાથી તેના સાસરીયાએ અલગ અલગ ભૂવા પાસે વિધિ કરાવી હતી. ક્યારેય મહિલાને ભભૂતી પીવડાવવામાં આવી, તો ક્યારેક કંકુનું પાણી તો ક્યારે શુદ્ધિકરણના નામે તેને સ્નાન પણ કરાવાયું. આટ આટલું કર્યા બાદ પણ નડતર તો દૂર ન થયું પરંતુ મહિલાને મળી પારાવાર પરેશાની.
ભભૂતી પીવો, ભૂત ભગાવો..
તો વિજ્ઞાનજાથાએ ભાંડો ફોડતા તાંત્રિક મહિલાએ પોતાના પાપની કબૂલાત કરી છે. આ સાથે જ હવે દોરા-ધાગા, તંત્ર-મંત્ર અને અંધશ્રદ્ધામાં કોઇને નહીં ફસાવાની શપથ લીધી છે. જોકે રંગેહાથ ઝડપાયા બાદ પણ તાંત્રિક મહિલા પોતાની વાત પર અડગ છે, અને પરિણીતાને નડતર હોવાની વાત કરી રહી છે.
આપણે ભલે ચંદ્ર પર પહોંચી ગયા, પરંતુ અંશ્રદ્ધાનો સૂર્ય આજે પણ સમાજને દઝાડી રહ્યો છે. સમાજ આજે પણ અંધશ્રદ્ધાની આગમાં સળગી રહ્યો છે. આશા રાખીએ કે તાંત્રિકોની ચૂંગાલમાં ફસવાને બદલે નાગરિકો વિજ્ઞાનનો માર્ગ અપનાવે છે.