રાજ્યમાં સસ્તા અનાજના દુકાનધારકોની હડતાળ યથાવત, સરકાર સાથેની વાટાઘાટો નિષ્ફળ
રાજ્યના રેશનીંગ દુકાનદારો દ્વારા તેમની મુખ્ય પડતર માંગણીઓના સમર્થનમાં 1લી નવેમ્બરથી અનિશ્ચિતકાળની હડતાળ પર ઉતર્યા છે. મુખ્ય 20 પડતર માંગણીઓને લઈને રેશનીંગ મંડળ દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યુ છે. પૂરવઠા વિભાગે તેમની 20 પૈકી 11 માગણીઓ સ્વીકારવાનો અનુરોધ કર્યો હતો પરંતુ રેશનિંગ મંડળ તેમની તમામ માગો પર અડગ છે.
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સસ્તા અનાજની દુકાનોના વેપારીઓ અને રાશન મંડળ દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામમાં આવ્યુ છે. રાશન મંડળ તેમની 20 જેટલી પડતર માગોને લઈને હડતાળ પર છે. સરકાર સાથે થયેલી વાટાઘાટોમાં પૂરવઠા વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે તેમની 20 પૈકી 11 માગો સ્વીકારવાનો અનુરોધ કર્યો હતો. જો કે સરકારના અનુરોધ છતા રાશન મંડળ તેમના માગો પર અડગ છે અને હડતાળ યથાવત રાખવા મક્કમ છે.
આ સમગ્ર મામલે એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યુ છે કે તેમના દ્વારા કરવામાં આવેલી 6 મુખ્ય માગોનો સ્વીકાર ન થતા હડતાળ યથાવત રાખવામાં આવી છે. જેમા લઘુતમ કમિશન 20 થી વધારીને 30 હજાર કરવાની માગ મુખ્ય છે. જો આ માગણીઓ નહીં સ્વીકારાય તો દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
મહત્વનું છે કે હડતાળને લઈ પુરવઠા વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે દુકાનદારો સાથે બેઠક કરી હતી.જેમાં સરકારે તેમની 20માંથી 11 માંગણી સ્વીકારી લીધી હોવાથી દુકાન શરૂ કરવા અપીલ કરી. સાથે અન્ય માગ નીતિ વિશષક હોવાથી વિચારાધીન હોવાની વાત કરી. પરંતુ આ વાટાઘાટોનું કોઈ પરિણામ પર ન પહોંચી અને દુકાનદારોની હડતાળ યથાવત છે. એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીનું કહેવું છે કે સરકારે ગૌણ માંગણીઓ સ્વીકારી પરંતુ 80 ટકા કમિટી સભ્યની હાજરીમાં માલ ઉતારવાના પરિપત્ર રદ કરવા જેવી મુખ્ય 6 માંગણીનો સ્વીકાર ન થતા હડતાળ યથાવત રહેશે.
આપને જણાવી દઈએ મુખ્ય 20 પડતર માંગણીઓને લઈને રેશનીંગ મંડળ દ્વારા સરકાર સમક્ષ મૂકવામાં આવી છે, જેને લઈને આ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. તેમની મુખ્ય માંગણીઓમાં બાયોમેટ્રિક વેરિફિકેશન સંબંધિત પરિપત્ર રદ કરવો. આ ઉપરાંત અન્ય અનેક મુદ્દાઓને લઈને પણ રેશનીંગ દુકાનદારો દ્વારા સરકાર સામે બાંયો ચડાવી છે.
પડતર માંગણીઓને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. જ્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. આ હડતાળનો સીધો ભોગ રાજ્યના 75 લાખથી વધુ ગરીબ અને જરૂરતમંદ પરિવારો બનશે, જેઓ સરકારી સસ્તા અનાજની દુકાનોમાંથી પોતાના હકનું અનાજ મેળવે છે. રેશનીંગ મંડળ અને રાજ્ય સરકાર વચ્ચે આ મડાગાંઠ ક્યારે ઉકેલાય છે તેના પર સૌની નજરો ટકેલી છે.