અમદાવાદમાં હવે આવશે ખરી રોનક, રિવરફ્રન્ટ પર ફરીથી શરૂ થશે ‘બોટિંગ’!
સાબરમતી રિવરફ્રન્ટ પર બોટનું વજન અને તેની સેફટી લઈને ચેકિંગ કરવામાં આવ્યું, તેમજ બોટને સાબરમતી નદીમાં ઉતારીને તેનું ટેસ્ટિંગ કરાયું અને બોટનું ટ્રાયલ કરવામાં આવ્યું.

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર રોજબરોજ અલગ-અલગ પ્રકારની એક્ટિવિટી ચલાવવામાં આવતી હતી. એક સમય એવો હતો કે, પ્રવાસ રસિકો જ્યારે રિવરફ્રન્ટ પર આવે ત્યારે તેની તમામ એક્ટિવિટીની મજા માણતા અને પોતાનો સમય હળવાશથી પસાર કરતા. જો કે, વડોદરામાં થયેલ હરણી બોટ કાંડ પછી રાજયની મોટાભાગની નદીઓમાં અને તળાવમાં ચાલતી બોટિંગ સેવાને બંધ કરી દેવામાં આવી હતી.
બોટિંગ રસિયાઓમાં ખુશીની લહેર
વાત એમ છે કે, તકેદારીના ભાગરૂપે બંધ કરેલ આ બોટિંગ સેવા હવે ટૂંક સમયમાં જ શરૂ થશે. બોટિંગ સેવા શરૂ કરવા માટે જરૂરી ગતિવિધિઓ શરૂ કરી દેવાઈ છે, તેમજ તે અંગેની કામગીરી પણ હાથ પર લેવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે, રિવરફ્રન્ટ પર બોટિંગ શરૂ કરવા માટે IRS દ્વારા ઇન્સ્પેક્શન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. બીજું કે, સ્થળ નિરીક્ષણ અને બોટિંગ સેફટીને લઈને સચોટ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.
બોટનું કરાયું ટેસ્ટિંગ
સાબરમતી રિવરફ્રન્ટ પર બોટનું વજન અને તેની સેફટી લઈને ચેકિંગ કરવામાં આવ્યું છે. તેમજ બોટને સાબરમતી નદીમાં ઉતારીને તેનું ટેસ્ટિંગ કરાયું અને બોટનું ટ્રાયલ કરવામાં આવ્યું. જણાવી દઈએ કે, સુરક્ષાના નિયમોને ધ્યાનમાં રાખીને જ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ કમિશનરને આપવામાં આવશે અને રિપોર્ટ પર મંજૂરી મળ્યા બાદ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર પૂરજોશે બોટિંગ સેવા શરૂ કરવામાં આવશે.
આમ જોવા જઈએ તો, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ટૂંક સમયમાં જ બોટિંગ સેવા શરૂ થઈ જશે. આ સેવા શરૂ થતા જ અમદાવાદીઓ અને રિવરફ્રન્ટ પર આવતા મુસાફરોમાં હર્ષોલ્લાસ છવાશે. બીજું કે, બોટિંગ સેવા શરૂ થતા જ સાબરમતી રિવરફ્રન્ટનો નજારો પણ અદભૂત લાગશે.