Saputara Monsoon Festival 2025 : ગુજરાતીઓ જેની રાહ જોઈ રહ્યા હતા.. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલની આવી ગઈ તારીખ જાણો
સાપુતારામાં 23 દિવસનો ભવ્ય મોન્સૂન ફેસ્ટિવલ યોજાશે. આ ઉત્સવમાં 'એક ભારત શ્રેષ્ઠ ભારત' થીમ હેઠળ 13 રાજ્યોના કલાકારો ભાગ લેશે.

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા દરવર્ષે આયોજિત થતા સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનો આ વર્ષે પણ ભવ્ય રીતે શુભારંભ થવાનો છે. દક્ષિણ ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન – સાપુતારામાં તા. 26 જુલાઈ 2025થી 17 ઑગસ્ટ 2025 સુધી ચાલનારા આ 23 દિવસના ઉત્સવનો આરંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. કાર્યક્રમની ખાસ ઉપસ્થિતિમાં પ્રવાસન મંત્રી મુળુ બેરા તથા આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ હાજર રહેશે.
ઉદઘાટન દિવસ પર ભવ્ય કાર્નિવલ પરેડ
ફેસ્ટિવલના પહેલો દિવસ એટલે એક ભવ્ય દ્રશ્યાવલિ. ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ થીમ હેઠળ 13 રાજ્યોના 354 કલાકારો દ્વારા લોકનૃત્યો અને પરંપરાગત પોષાકો સાથે ‘ફોક કાર્નિવલ પરેડ’ યોજાશે. મહારાષ્ટ્રથી લાવણી, પંજાબથી ભાંગડા, રાજસ્થાનથી કલબેલિયા, આસામથી બિહૂ, હિમાચલથી નાટી સહિતના લોકનૃત્યો તેમજ ગુજરાતના ડાંગી, ગર્ભા, રાઠવા, સિદી ધમાલ અને તલવાર રાસ સહિતના વાઇબ્રન્ટ અને રંગીન પ્રસ્તુતિઓ કાર્યક્રમને ઉત્સવમય બનાવશે.
રંગારંગ સ્ટેજ શો અને સાંસ્કૃતિક સાંજ
ઉદ્ઘાટન દિવસના મંચ પર 87 કલાકારો દ્વારા ભારતના વિવિધ રાજ્યોના લોકનૃત્યો જેમ કે ભરતનાટ્યમ, કથક, મણિપુરી, ઘૂમ્મર, છાઉ અને યશગાના સહિતની નૃત્યશૈલીઓ રજૂ કરવામાં આવશે. આ ભવ્ય પ્રસ્તુતિઓ મહેમાનો તેમજ પ્રવાસીઓ માટે દ્રશ્યરમ્ય અનુભવ બની રહેશે.
પ્રતિ સપ્તાહ અલગ થીમ – પ્રતીક સૌંદર્ય અને પરંપરાનો મેળાપ
ફેસ્ટિવલ દરમિયાન દરેક સપ્તાહ અલગ થીમ પર આધારીત હશે. જેમ કે:
-
ટ્રાઇબલ હેરિટેજ વીક – આદિવાસી જીવનશૈલી, કળા, રસોઈ અને હસ્તકલા પ્રદર્શિત થશે.
-
સાંસ્કૃતિક શો – પ્રતિ સપ્તાહના અંતે સંગીતમય સાંજ, જેમાં ગીતા રબારી, પાર્થ ઓઝા, રાગ મહેતા જેવા જાણીતા ગુજરાતી કલાકારોની રજૂઆત થશે.
-
વિશિષ્ટ પ્રસ્તુતિ – કેરળનું ‘થેકકિનકાડુ અટ્ટમ મ્યૂઝિકલ બેન્ડ’ 27 જુલાઈના રોજ પોતાની આગવી અને ઊર્જાવાન પરફોર્મન્સ આપશે.
વિશેષ ઇવેન્ટ્સ અને રોમાંચક પ્રવૃત્તિઓ
ફેસ્ટિવલના મુખ્ય આકર્ષણમાં સામેલ છે:
-
રેઇન ડાન્સ
-
ફોરેસ્ટ ટ્રેલ
-
સેલ્ફી ઝોન અને થીમ પેવેલિયન
-
પરંપરાગત રમતો અને ટેબ્લો યાત્રા
-
મિનિ મેરેથોન (15 ઓગસ્ટ)
-
દહીંહાંડી ઉજવણી (જન્માષ્ટમી)
-
“સન્ડે ઓન સાઇકલ” જેવી ફિટનેસ ઇવેન્ટ
સ્થાનિક રોજગાર અને પ્રવાસન પ્રોત્સાહન
આ મોન્સૂન ફેસ્ટિવલ માત્ર મનોરંજન પૂરતું નહિ, પણ સ્થાનિક નાગરિકો માટે રોજગારી અને સ્થળપ્રમુખ સંસ્કૃતિ પ્રદર્શિત કરવાનું માધ્યમ બની રહે છે. રાજ્યભરમાંથી આવતા પ્રવાસીઓ માટે આ ઉત્સવ સાપુતારાની સુંદરતા અને વિવિધતાપૂર્ણ પરંપરાની ઝલક રૂપે સાબિત થશે.
