Dang : પૂર્વપટ્ટીની ‘પોળસમાળ જુથ પાણી પુરવઠા યોજના’ 18 ગામની તરસ છિપાવશે
ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટીના અંતરિયાળ વિસ્તારના 18 ગામોને સાંકળતી "પોળસમાળ જુથ પાણી પુરવઠા યોજના" પૂર ઝડ્પે આગળ વધી રહી છે. આગામી દિવસોમાં આ 18 ગામોના 9585 ગ્રામજનોને પાણી પૂરું પડે તેવી સુવિધા ઊભી કરવાની કામગીરી હાથ ધરાઇ છે .

પાણીની સમસ્યા એ હાલના સમયનો લગભગ તમામ જિલ્લાઓનો મુખ્ય પ્રશ્ન છે. પરંતુ સૌથી અંતરિયાળ વિસ્તાર એવા ડાંગ જીલ્લામાં પાણીના પોકારને નાથવા સરકાર દ્વારા અનોખી પહેલ કરવામા આવી છે. સુબીર તાલુકાનાં જારસોળ ગામે તૈયાર કરાયેલ 8 મીટર ઊંચા, 140 મીટર લંબાઇના ડેમની સંગ્રહશક્તિ 57 કરોડ લિટર છે. જેમાં ડેમ સાથે ફિલ્ટર પ્લાન્ટ અને પાઇપ લાઇનનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
પોળસમાળ જુથ પાણી પુરવઠા યોજના
રાજ્યના દુર્ગમ વિસ્તારો સુધી પાણી પહોંચાડવાની નેમ સાથે અંતરિયાળ વિસ્તારો સુધી પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરાઇ છે. ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટીના અંતરિયાળ વિસ્તારના 18 ગામોને સાંકળતી “પોળસમાળ જુથ પાણી પુરવઠા યોજના” પૂર ઝડ્પે આગળ વધી રહી છે. આગામી દિવસોમાં આ 18 ગામોના 9585 ગ્રામજનોને પાણી પૂરું પડી રહેશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
57 કરોડ લિટરની જળ સંગ્રહશક્તિ ધરાવતો ડેમ
રૂ. 21.01 કરોડના ખર્ચ સાથે અમલી બની રહેલી આ યોજના હેઠળ ડેમ ઉપરાંત ઇંટેક વેલ, અને જારસોળ મુકામે પ્રતિદિન દસ લાખ લિટર પાણી ફિલ્ટર કરવાની ક્ષમતા ધરાવતો ફિલ્ટર પ્લાન્ટ, અને 18 ગામોને સાંકળતી 36 કિલોમીટર લંબાઈની પાઇપ લાઇનનું કામ હાથ ધરાયું છે. ડેમની તકનિકી વિગતો આપતા સુબીરના નાયબ ઈજનેરે જણાવ્યુ હતું કે, 57 કરોડ લિટરની જળ સંગ્રહશક્તિ ધરાવતો આ ડેમ, આ વિસ્તારના લોકોની પાણીની જરૂરિયાત પૂર્ણ રીતે સંતોષવા સક્ષમ છે.
32 કિલોમીટર પૈકી 7 કિલોમીટર પાઇપ લાઇનનું કામ પુર્ણ
સુબીર તાલુકાની “પોળસમાળ જુથ પાણી પુરવઠા યોજના”થી તાલુકાનાં દુર્ગમ વિસ્તારના પોળસમાળ, કિરલી, કાકડવીહિર, ખેરીન્દ્રા, શેપુઆંબા, કરંજપાડા, શિવબારા, ભોંડવિહિર, સાવરપાડા, ગૌહાણ, પીપલદહાડ, જોગથવા, જુનેર, સાવરદા, ચિંચવિહિર, મોટીઝાડદર, લહાન ઝાડદર અને પાંઢરપાડા જેવા સરહદી ગામોના પ્રજાજનોને પાણીનો લાભ મળી શકશે. આ યોજના અંતર્ગત આજની તારીખે 26 પૈકી 8 પંપ, 3 પૈકી 1 ઊંચી ટાંકી અને 32 કિલોમીટર પૈકી 7 કિલોમીટર પાઇપ લાઇનનું કામ પુર્ણ થયું છે.
આ પણ વાંચો : ફરી પાછી માવઠાની વકી, ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદની આગાહી,ઉનાળામાં ગરમી હજુ પાછી ઠેલાઈ,
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…