Dang: તંત્ર દ્વારા ક્ષય રોગ સામે ઝઝૂમતા જિલ્લાના 141 જેટલા દર્દીઓને દત્તક લઈ પોષણક્ષમ આહાર આપવાની નવતર પહેલ
ડાંગ જિલ્લામાં નોંધાયેલા 141 દર્દીઓ માટે હાલમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ સાથે વિના મૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તંત્રના અધિકારીઓ દ્વારા આ તમામ દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે અને કાળજી લેવામાં આવી રહી છે.

રાજરોગ તરીકે ઓળખાતા ક્ષય રોગના દર્દીઓને દવાની સાથે પોષણક્ષમ આહાર, અને સક્ષમ અધિકારીઓનો સથવારો મળી રહે તે માટે ડાંગ જિલ્લા કલેકટર મહેશ પટેલે સંવેદનશીલ અભિગમ સાથે, જિલ્લાના 141 જેટલા દર્દીઓને દત્તક લેવાની નવતર પહેલ કરી છે.
ક્ષય રોગના દર્દીઓને પ્રતિમાસ પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવે છે
ક્ષય રોગને દેશવટો આપવા માટે કટિબદ્ધ રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે, જિલ્લાના પ્રશાસનિક અધિકારીઓએ પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી, આવા દર્દીઓ જલ્દીથી સાજા નરવા થાય અને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ પ્રાપ્ત કરે તેવી માનવિય સંવેદના પ્રગટ કરી છે. આ પુણ્યકાર્યની શરૂઆત કરતા જિલ્લા વહીવટી તંત્રના મોભી એવા કલેકટર મહેશ પટેલે ક્ષય રોગના દર્દીઓને પ્રતિમાસ પૌષ્ટિક ભોજન પૂરું પાડી શકાય તે માટે પંદર જેટલા દર્દીઓને દત્તક લઈ, તેમનું આર્થિક યોગદાન પણ નોંધાવી દીધું છે.
નિવાસી અધિક કલેક્ટરએ પણ સ્વયં પાંચ જેટલા દર્દીઓને દત્તક લેવાની જાહેરાત કરી
મે માસની યોજાયેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં આ સંવેદનશીલ અભિગમનો ખ્યાલ આપતા નિવાસી અધિક કલેકટર શિવાજી તબિયાડ એ, જિલ્લાની જુદી જુદી કચેરીઓના ઉચ્ચાધિકારીઓને પણ આ પુણ્યકાર્યમાં સહભાગી થવાની અપીલ કરી હતી. જેનો ખૂબ સારો પ્રતિભાવ જિલ્લા અધિકારીઓ દ્વારા મળવા પામ્યો છે, ઉલ્લેખનિય છે કે નિવાસી અધિક કલેક્ટરએ પણ સ્વયં પાંચ જેટલા દર્દીઓને દત્તક લેવાની જાહેરાત કરી છે.
ડાંગ કલેકટર મહેશ પટેલના જણાવ્યા અનુસાર શારીરિક બિમારીઓ સામે ઝઝૂમતા લોકોને, માનસિક સધિયારાની ખૂબ આવશ્યકતા હોય છે. ત્યારે જુદી જુદી સરકારી સેવા સુશ્રુષા સાથે આવા દર્દીઓને વધારાનો પોષણક્ષમ ખોરાક, ફળ ફળાદી, દૂધ વિગેરે ઉપલબ્ધ થાય તે માટે આ આર્થિક સહાય ઘણી રાહત આપી શકશે. સાથે તેમના ઉપર આવી પડેલી આ વિપદ વેળા એ, જિલ્લાના ઉચ્ચાધિકારીઓ પણ તેમની સાથે છે તે અહેસાસ, આવા દર્દીઓને વહેલા સ્વસ્થ થવામાં પણ મદદ કરી શકશે. કલેકટરએ માનવતાના આ ઉમદા કાર્યમાં જિલ્લાના અન્ય સેવાભાવી સજ્જનોને જોડાવાની પણ અપીલ કરી છે.
આ પણ વાંચો : આહવા ખાતે આગામી ચોમાસાને ધ્યાને લઇ પ્રિ-મોન્સુન પ્રિપર્ડનેસ બેઠક યોજાઈ
જિલ્લા ક્ષય અધિકારી ડો.ભાર્ગવ દવેના જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લામાં નોંધાયેલા 141 દર્દીઓ માટે હાલમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ સાથે વિના મૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યમાં સામાજિક, સેવાભાવી સંસ્થાઓ પણ વારે તહેવારે મદદરૂપ થતી હોય છે. ત્યારે ડાંગ કલેકટરનો આ સંવેદનશીલ અભિગમ, ચોક્કસ જ આવા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
ડાંગ જિલ્લા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો