Dang: આહવા ખાતે આગામી ચોમાસાને ધ્યાને લઇ પ્રિ-મોન્સુન પ્રિપર્ડનેસ બેઠક યોજાઈ
આહવા ખાતે યોજાયેલી પ્રિ-મોન્સુન પ્રિપર્ડનેસ બેઠકમા માર્ગદર્શન આપતા કલેકટર દ્વારા સંદેશા વ્યવહાર સહિત વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેની તાકીદ કરતા, જિલ્લામા ચોમાસા દરમિયાન નોંધાતા જાનમાલની નુકશાન બાબતે સમયસર ત્વરીત કામગીરી હાથ ધરવાની પણ સૂચના આપી હતી.
વિશિષ્ટ ભૃપૃષ્ઠ ધરાવતા ડાંગ જિલ્લામાં ખાસ કરીને ચોમાસા દરમિયાન ભુસ્ખલન તથા વૃક્ષો ધરાશાયી થવાના બનાવો સાથે લો લેવલ કોઝ-વે અને માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળવાના બનાવો બનતા હોય છે. તેવા સમયે જિલ્લાના સંબંધિત અધિકારીઓને પરસ્પર સંકલન અને સહયોગ તેમજ પોતાની ફરજ દરમિયાન બિનચુક કામગીરી કરવાની તાકીદ ડાંગ કલેકટર દ્વારા કરવામાં આવી હતી.
વાવાઝોડાના કારણે જનજીવન પ્રભાવિત થતું હોય છે
સરેરાશ 1800થી 2000 મી.મી. વરસાદ ધરાવતા ડાંગ જિલ્લાના જંગલ અને પહાડી વિસ્તારોમા દર વર્ષે ભારે વરસાદ કે વાવાઝોડાના કારણે જનજીવન પ્રભાવિત થાય તેવી ઘટના સર્જાતી હોય છે. આવી ઘટનામાં આકસ્મિક સ્થળાંતર, બચાવ અને રાહત કામગીરી, જરૂરી દવા અને તબીબી સેવાઓ, અનાજ પુરવઠો, વાહન વ્યવહાર સહિતની પ્રાથમિક સેવાઓ ખોરવાઈ નહી તેની વિશેષ તકેદારી દાખવવાની પણ અપીલ કરી હતી. આ ઉંપરાત પુરની સ્થિતિ વેળા સ્થાનિક તરવૈયાઓ સાથે સંકલનમા રહીને કામગીરી કરવા માટે જવાબદાર અધિકારીઓને સુચના આપી હતી.
પર્યટન સ્થળોએ પ્રકૃતિ પ્રેમી પર્યટકોની ભારે ભીડ ઉમટી પડતી હોય છે
ચોમાસામા ડાંગ જિલ્લાનુ સોંદર્ય જ્યારે પૂરબહારમા ખીલી ઉઠે છે ત્યારે, અહીંના ધોધ અને પર્યટન સ્થળોએ પ્રકૃતિ પ્રેમી પર્યટકોની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. તેવા સમયે ફોટોગ્રાફી અને સેલ્ફીની ઘેલછામા, કેટલાક પ્રવાસીઓ પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે, અને આડેધડ પાર્કિગ કરવાને લીધે જાહેર વાહન વ્યવહાર પણ અવરોધાતો હોય છે. આવી સ્થિતિનુ નિર્માણ ન થાય તે માટે સુચારૂ પોલીસ બંદોબસ્ત ગોઠવવા સાથે, લો લેવલ કોઝ-વે કે માર્ગો ઉપર ફરી વળતા વરસાદી પૂરને કારણે કોઈ અનિચ્છનિય ઘટના ન બને, તેની તકેદારીના ભાગરૂપે જરૂરી સિકયોરિટી ગાર્ડની સેવા ઉપલબ્ધ રાખવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચો : હજીરા-ગોથાણ 50 કિલોમીટર નવી બ્રોડગેજ લાઇનને રેલવેએ વિશેષ યોજના તરીકે મંજૂરી આપી
ભારે વરસાદ કે વાવાઝોડાને પગલે પ્રજાકિય જાનમાલના નુકશાન વેળા ચૂકવાતી સહાય, કેશડોલ્સની કામગીરી સહિત ગ્રામીણ કર્મચારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, સ્વૈચ્છીક-સામાજિક સંસ્થાઓની ભૂમિકા સુનિશ્ચિત કરવાની હિમાયત પણ કલેકટર મહેશ પટેલ દ્વારા કરાઇ હતી. બેઠકનું સંચાલન કરતા ડિઝાસ્ટર મામલતદાર અર્જુનસિંહજી ચાવડાએ વિભાગવાર જવાબદારીઓનુ પ્રેઝન્ટેશન રજુ કરતા, એક્શન પ્લાનની વિગતો રજુ કરી હતી. તેમજ આગામી તા.1 જુન 2023 થી જિલ્લાનો કંટ્રોલરૂમ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત કરવા સાથે, દરરોજની માહિતી કંટ્રોલ રૂમમા નોંધાવવાની, સંબંધિત અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…