Breaking News : રાજકોટના જેતપુર નજીક ટ્રેનની અડફેટે બે સિંહણનાં કમકમાટીભર્યાં મોત ! જુઓ Video
રાજકોટ જિલ્લાના જેતપુર નજીક વન્યજીવોના મોતની વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. સ્ટેશન વાવડી અને ખીરસરા વચ્ચે રેલવે ટ્રેક પર ભાવનગર-પોરબંદર ટ્રેનની અડફેટે આવી જતાં બે સિંહણનાં મોત નીપજ્યાં છે.

રાજકોટના જેતપુર નજીક સ્ટેશન વાવડી અને ખીરસરા વચ્ચે ભાવનગર-પોરબંદર ટ્રેનની અડફેટે આવી જતાં બે સિંહણનાં મોત નીપજ્યાં છે. ઘટનાને પગલે વન વિભાગ અને રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. એકસાથે બે સિંહણનાં મોતથી વન્યજીવ પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ છે.
અમરેલી બાદ હવે રાજકોટના જેતપુર નજીકથી વન્યજીવોના મોતની દુઃખદ ઘટના સામે આવી છે. જેતપુરના સ્ટેશન વાવડી અને ખીરસરા વચ્ચે રેલવે ટ્રેક પર ભાવનગર-પોરબંદર ટ્રેનની અડફેટે આવી જતાં બે સિંહણનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. એકસાથે બે સિંહણનાં મોતની ઘટનાથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે અરેરાટી વ્યાપી છે.
સિંહણનાં મોતના સમાચાર ફેલાતાં ઘટનાસ્થળે લોકોની ભીડ
ઘટનાની જાણ થતાં રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જેતપુર વન વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી, જ્યારે જૂનાગઢ વન વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર જવા રવાના થયા હતા.
Two Lionesses Killed by Bhavnagar-Porbandar Train Near Jetpur in Rajkot | TV9Gujarati #LionessesKilled #JetpurAccident #RajkotNews #TrainAccident #AsiaticLions #WildlifeTragedy #GujaratForest #RailwayTrack #TV9Gujarati https://t.co/guD5gD9anU
— Tv9 Gujarati (@tv9gujarati) November 23, 2026
બે સિંહણનાં મોતના સમાચાર ફેલાતાં ઘટનાસ્થળે સ્થાનિક લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. વન વિભાગ દ્વારા બંને સિંહણના મૃતદેહ કબજે લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત સિંહણો કોઈ અન્ય વન્યજીવોના ગ્રુપ સાથે હતી કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
સૂત્રો અનુસાર, જેતપુરના સ્ટેશન વાવડી અને ખીરસરા વચ્ચે પસાર થઈ રહેલી ભાવનગર-પોરબંદર ટ્રેનની અડફેટે બે સિંહણ આવી ગઈ હતી. ટ્રેનની ટક્કર એટલી ગંભીર હતી કે બંને સિંહણનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. ઘટનાની જાણ આસપાસના વિસ્તારમાં ફેલાતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.
વન વિભાગની ટીમો હાલ ઘટનાસ્થળે
રાજકોટ અને અમરેલી વન વિભાગની સંયુક્ત ટીમો હાલ ઘટનાસ્થળે ઝીણવટભરી તપાસ કરી રહી છે. રેલવે ટ્રેક પર દેખરેખમાં કોઈ ક્ષતિ રહી હતી કે કેમ તેનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સમગ્ર ઘટનાને લઈને રેલવે સત્તાવાળાઓ સાથે સંકલન કરીને જરૂરી વિગતો મેળવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
