Breaking News : ગુજરાતમાં ગૌહત્યા કેસના ત્રણ દોષિતોને આજીવન કેદ, સજા સંભળાવતી વખતે જજે વેદોનો કર્યો ઉલ્લેખ
ગુજરાતના કલોલની સેશન્સ કોર્ટે ગૌહત્યાના એક કેસમાં ત્રણ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, ત્રણેય દોષિતો પર ₹3-3 લાખનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. દોષિતો પાસેથી 277 કિલોગ્રામ ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું હતું.

કલોલની સેશન્સ કોર્ટે ગૌહત્યાના એક કેસમાં ત્રણ લોકોને સખત આજીવન કેદની સજા સંભળાવી છે. આ કેસમાં 277 કિલોગ્રામ ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું હતું. અદાલતે દરેક દોષિતને ₹3 લાખનો દંડ પણ ફટકાર્યો છે. વધારાના સેશન્સ જજ બી. આર. રાજપૂતે ગાયના સંરક્ષણના સાંસ્કૃતિક મહત્ત્વ પર ભાર મૂકતાં પ્રાચીન સંસ્કૃત ગ્રંથોનો ઉલ્લેખ કર્યો હતો.
દોષિતો તરીકે ઓળખાયેલા જુહાપુરાનો વસીમ કુરેશી, બહેરામપુરાનો મહમદ રફીક કુરેશી અને ફતેહવાડીનો અસફાક બહેલિમને ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ અને પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
277 કિલોગ્રામ ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું હતું
આ કેસમાં પોલીસે છ લોકોની ધરપકડ કરી હતી. 22 ઓગસ્ટ, 2024ના રોજ પોલીસે જામલા ગામમાં લાલાભાઈ સેનમાના ઘરે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ત્રણ દોષિતો પાસેથી 277 કિલોગ્રામ ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું હતું. જેની કિંમત આશે ₹55,000 હોવાનું જણાવાયું હતું. પોલીસે ગૌહત્યા માટે ઉપયોગમાં લેવાયેલાં હથિયારો અને માંસની હેરફેર માટે વપરાતું વાહન પણ કબજે કર્યું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ આ ગૌમાંસ ગુલામ મોઈન કુરેશીને વેચવાની યોજના બનાવી રહ્યા હતા. કેસની સુનાવણી બાદ અદાલતે છ આરોપીઓમાંથી ત્રણને દોષિત ઠેરવ્યા હતા.
સજા સંભળાવતી વખતે અદાલતે કર્યો વેદોનો ઉલ્લેખ
સજાની આપતી વખતે અદાલતે વેદોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, “ગાયને બ્રહ્માંડની માતા માનવામાં આવે છે. તે માનવજીવન અને સમાજ માટે ઉપયોગી છે. ગાયનું રક્ષણ કરવું એ ધર્મ અને કરુણા સાથે જોડાયેલું કાર્ય છે. જ્યાં પણ ગૌહત્યા થાય, ત્યાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જો પુરાવાઓથી આરોપીનો ગુનો સાબિત થાય, તો તેને યોગ્ય સજા આપવી જોઈએ…”
પોતાના ચુકાદામાં અદાલતે નોંધ્યું હતું કે ગાયના સાંસ્કૃતિક મહત્ત્વથી વાકેફ હોવા છતાં આરોપીઓએ ગાયની હત્યા કરી હતી અને તેનું માંસ વેચવાનો પ્રયાસ કર્યો હતો. અદાલતે વધુમાં જણાવ્યું હતું કે જો નિર્ધારિત સજા આપવામાં નહીં આવે, તો તેનાથી ગાયોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થઈ શકે છે. હાલમાં આ કેસમાં ત્રણેય દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.
