Breaking News : ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય કક્ષાની સેમિકોન ઇન્ડિયા ઇવેન્ટનું કરશે ઉદઘાટન, 23 દેશના પ્રતિનિધિઓ રહેશે હાજર
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં રાષ્ટ્રીય કક્ષાની સેમિકોન ઇન્ડિયા ઇવેન્ટનું ઉદઘાટન કરશે. મહાત્મા મંદિરમાં આયોજિત ત્રિદિવસીય ઇવેન્ટમાં સેમી કન્ડક્ટર ઉદ્યોગ સાથે સંકળાયેલી વિશ્વની જાયન્ટ કંપનીઓના વડાઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
Gandhinagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસની મુલાકતે છે. જેમાં આજે તેઓનો ગુજરાતની મુલાકાતનો બીજો દિવસ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં રાષ્ટ્રીય કક્ષાની સેમિકોન ઇન્ડિયા ઇવેન્ટનું ઉદઘાટન કરશે. મહાત્મા મંદિરમાં આયોજિત ત્રિદિવસીય ઇવેન્ટમાં સેમી કન્ડક્ટર ઉદ્યોગ સાથે સંકળાયેલી વિશ્વની જાયન્ટ કંપનીઓના વડાઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો : Rajkot: ઇન્ટરનેશનલ એરપોર્ટથી સૌરાષ્ટ્રના 30 હજાર ઉઘોગોને સીધો જ ફાયદો થશે : ચેમ્બર ઓફ કોમર્સ
આ ઇવેન્ટમાં 23 દેશોના પ્રતિનિધિઓ તેમજ ફોક્સકોન, માઈક્રોન, એએમડી અને આઈબીએમ, માર્વેલ, વેદાંતા, એલએએમ રિસર્ચ, એનએક્સપી સેમી કન્ડક્ટર્સ સહિત અન્ય મોટી ચીપ ઉત્પાદક કંપનીઓ પણ ભાગ લેશે. આ ઇવેન્ટનો હેતુ બિઝનેસની તકો દ્વારા સેમિકન્ડક્ટર ઉદ્યોગનો વિકાસ કરવાનો છે.
તજજ્ઞો દ્વારા પેનલ ચર્ચા પણ કરવામાં આવશે
આ ત્રિદિવસીય કાર્યક્રમમાં વિશ્વભરના સેમીકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઇન, એસેમ્બલિંગ ક્ષેત્રના અનુભવ ધરાવતા નિષ્ણાતો પોતાનો અનુભવ અને મંતવ્યો રજૂ કરશે. ઉદઘાટન કાર્યક્રમમાં ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં રહેલી રોકાણની તકો અંગેનું પ્રેઝેન્ટેશન કરવામાં આવશે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા પેનલ ચર્ચા પણ કરવામાં આવશે. આ ઇવેન્ટ થકી સેમિકન્ડક્ટર ઉદ્યોગને નેટવર્કિંગ, ટેક્નોલોજી પ્રદર્શન અને વેપાર માટેની તકોનો લાભ મળશે. સેમિકોન ઇન્ડિયા ભારત અને ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં નવીનીકરણ, સહભાગિતા અને વિકાસ માટે એક મહત્વની ઇવેન્ટ સાબિત થશે.
સેમિ કંડક્ટરને પ્રોત્સાહિત કરવા માટે PLI યોજનાની જાહેરાત કરી
આ પહેલા 25 જુલાઇએ સીએમ ભૂપેન્દ્ર પટેલે સેમિકોન ઈન્ડિયા એક્ઝિબિશનને સામાન્ય લોકો માટે ખુલ્લું મુક્યું હતું. તેમની સાથે કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર સહિત અન્ય લોકો પણ હાજર હતા. મહત્વનું છે કે જુલાઈ 2022માં ગુજરાત સરકારે સેમિ કંડક્ટર નીતિ 2022-27ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત સરકારે રાજ્યમાં સેમિ કંડક્ટર અથવા ડિસ્પ્લે ફેબ્રિકેશન મેન્યુફેક્ચરિંગમાં રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે વીજળી, પાણી અને જમીનના શુલ્કમાં ભારે સબસિડી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
બીજી તરફ ભારત સરકારે પણ સેમિ કંડક્ટરને પ્રોત્સાહિત કરવા માટે PLI યોજનાની જાહેરાત કરી છે. ભારતીય સેમિ કંડક્ટર માર્કેટનું મૂલ્ય 2021માં 27.2 બિલિયન ડોલર હતું અને 2026 સુધીમાં વાર્ષિક 19%ના દરે વધીને તે 64 બિલિયન ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે.