AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમદાવાદમાં બે વર્ષ બાદ કાંકરિયા લેકમાં આજથી ફરી શરૂ થશે બોટિંગ, 20 બોટ સાથે ફ્લોટિંગ કેફે પણ બનશે આકર્ષણનું કેન્દ્ર

કાંકરિયા લેકમાં બોટિંગની સાથે ફ્લોટિંગ કેફે શરૂ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે મુલાકાતીઓને લેકની વચ્ચે અલગ પ્રકારનો અનુભવ મળી શકશે. બે વર્ષથી બોટિંગ બંધ હોવાને કારણે કાંકરિયા લેકમાં આવનારા સહેલાણીઓ આ સુવિધાથી વંચિત હતા.

Breaking News: અમદાવાદમાં બે વર્ષ બાદ કાંકરિયા લેકમાં આજથી ફરી શરૂ થશે બોટિંગ, 20 બોટ સાથે ફ્લોટિંગ કેફે પણ બનશે આકર્ષણનું કેન્દ્ર
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2026 | 8:39 AM
Share

અમદાવાદના કાંકરિયા લેકમાં ફરવા જતા શહેરીજનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હરણી બોટ દુર્ઘટના બાદ છેલ્લા બે વર્ષથી બંધ કરવામાં આવેલી બોટિંગ સેવા આજથી ફરી શરૂ થવા જઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બોટિંગ શરૂ કરવા માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. કાંકરિયા લેક પરિસરમાં કુલ 20 બોટ કાર્યરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમય બાદ બોટિંગ સેવા ફરી શરૂ થતાં કાંકરિયા લેકની મુલાકાતે આવતા સહેલાણીઓ માટે વધુ એક આકર્ષણ ઉમેરાશે.

બોટિંગમાં સુરક્ષાને અપાશે પ્રાથમિકતા

હરણી બોટ દુર્ઘટના બાદ બોટિંગની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. આ બાબતને ધ્યાનમાં રાખીને AMC દ્વારા બોટિંગ શરૂ કરવા માટે કડક સુરક્ષા નિયમો નક્કી કરવામાં આવ્યા છે. બોટિંગ દરમિયાન લાઈફ જેકેટ, રેસ્ક્યૂ બોટ, વીમો સહિતનાં જરૂરી સુરક્ષા ઉપકરણો રાખવાં ફરજિયાત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત બોટિંગના સ્થળે એમ્બ્યુલન્સ પણ હાજર રાખવાની રહેશે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના બને તો તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરી શકાય.

દરેક બોટિંગ કરનારનો ₹10 લાખનો વીમો

બોટિંગ દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય તો પ્રવાસીઓને આર્થિક સુરક્ષા મળી રહે તે માટે દરેક બોટિંગ કરનાર વ્યક્તિનો ₹10 લાખનો વ્યક્તિગત વીમો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત બે સ્પીડ બોટનો ઉપયોગ ખાસ રેસ્ક્યૂ બોટ તરીકે કરવામાં આવશે. એટલે કે બોટિંગ દરમિયાન કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં મુકાય તો રેસ્ક્યૂ બોટની મદદથી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાશે. સુરક્ષાનાં આ તમામ નિયમોનું પાલન કરવું બોટિંગ સંચાલકો માટે ફરજિયાત રહેશે.

કાંકરિયા બોટિંગના નવા દર જાહેર

AMC દ્વારા વિવિધ પ્રકારની બોટિંગ માટે ટિકિટના દર પણ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં સ્પીડ બોટ અને પોન્ટૂન બોટ માટે ₹160, શિકારા બોટ અને જીપ્સી બોટ માટે ₹150 તથા પેડલ બોટ માટે ₹60નો દર નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બોટિંગની દરેક ટિકિટની આવકમાંથી 15 ટકા નફાની રકમ AMCને ચૂકવવાની રહેશે. આ વ્યવસ્થા અંતર્ગત બોટિંગ સંચાલકો દ્વારા ટિકિટના વેચાણ અને આવકના આધારે નક્કી કરેલી રકમ કોર્પોરેશનને આપવામાં આવશે.

બોટિંગ સાથે ફ્લોટિંગ કેફે પણ શરૂ થશે

કાંકરિયા લેકમાં બોટિંગની સાથે ફ્લોટિંગ કેફે શરૂ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે મુલાકાતીઓને લેકની વચ્ચે અલગ પ્રકારનો અનુભવ મળી શકશે. બે વર્ષથી બોટિંગ બંધ હોવાને કારણે કાંકરિયા લેકમાં આવનારા સહેલાણીઓ આ સુવિધાથી વંચિત હતા. હવે 20 બોટ સાથે બોટિંગ સેવા ફરી શરૂ થવાથી કાંકરિયા લેકમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની પણ શક્યતા છે. જોકે, આ વખતે બોટિંગ દરમિયાન સુરક્ષાના નિયમોનું કેટલું અસરકારક પાલન થાય છે તેના પર સૌની નજર રહેશે. આ પણ વાંચો- Breaking News : મુંબઈથી 3,000 KM દૂર દરિયામાં ભારતીય નૌકાદળની સર્જિકલ સ્ટ્રાઈક! સોમાલિયાના લૂંટારાઓ પાસેથી ઈરાની જહાજના 20 ક્રૂ સભ્યોને છોડાવ્યા!

Follow Us
g clip-path="url(#clip0_868_265)">