Breaking News: ગાંધીનગરના કુડાસણમાં બિલ્ડિંગના સ્લેબના કાટમાળમાં દટાયેલા તમામ 15 શ્રમિકોનું કરાયું રેસ્ક્યૂ, આખી રાત કામગીરી ચાલી
ગાંધીનગરના કુડાસણમાં ‘બોસકી ધ એમ્પાયર’ની નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઈટ પર ગત રાત્રે સ્લેબ ધરાશાયી થતાં 15 શ્રમિકો કાટમાળ નીચે દટાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે કાટમાળ અને લોખંડના સળિયાના કારણે રેસ્ક્યૂ માટે NDRF, SDRF અને CRPFની ટીમોની પણ મદદ લેવામાં આવી હતી.

ગાંધીનગરના કુડાસણમાં ‘બોસકી ધ એમ્પાયર’ની નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઈટ પર ગત રાત્રે સ્લેબ ધરાશાયી થતાં 15 શ્રમિકો કાટમાળ નીચે દટાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે કાટમાળ અને લોખંડના સળિયાના કારણે રેસ્ક્યૂ માટે NDRF, SDRF અને CRPFની ટીમોની પણ મદદ લેવામાં આવી હતી.
ગેસ કટર, JCB અને હાઈડ્રોલિક ક્રેનની મદદથી મોડી રાત સુધી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તમામ 15 શ્રમિકોને કાટમાળમાંથી બહાર કાઢી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 3 શ્રમિકોને કોઈ ઈજા ન હોવાથી રજા આપવામાં આવી છે, જ્યારે 12 શ્રમિક સારવાર હેઠળ છે. આ પૈકી 4 શ્રમિકોને ICUમાં રાખવામાં આવ્યા છે. તમામ શ્રમિકો દાહોદ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવ્યું છે.
હર્ષ સંઘવીની ઘટનાસ્થળે મુલાકાત, બેદરકારી હશે તો કડક કાર્યવાહી
દુર્ઘટનાની જાણ થતાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર રેસ્ક્યૂ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ગુનાહિત બેદરકારી સામે આવશે તો જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક તપાસ મુજબ બિલ્ડિંગમાં સ્લેબ ભરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે વધુ પડતા વજન અથવા ટેક્નિકલ ખામીને કારણે સ્લેબ ધરાશાયી થયો હોવાની શક્યતા છે. સમગ્ર મામલે પોલીસ ઉપરાંત R&B વિભાગની ટીમો પણ તપાસમાં જોડાઈ છે.
બિલ્ડર અને કોન્ટ્રાક્ટરોની પૂછપરછ શરૂ
પ્રાથમિક તપાસમાં પેથાપુરના નિલેશ મોદી નામના બિલ્ડરની આ સ્કીમ હોવાનું સામે આવ્યું છે. કન્સ્ટ્રક્શન સાઈટ પર દરરોજ આશરે 20 શ્રમિકો કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ સ્કીમના કોન્ટ્રાક્ટરોની પૂછપરછ શરૂ કરી છે. વહેલી સવાર સુધી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી હતી. સમગ્ર ઘટનાને પગલે શ્રમિકોની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે અને બેદરકારી દાખવનારા જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
આ પણ વાંચો- ખેડૂતો માટે સારા સમાચાર, હવામાન વિભાગે ગુજરાતમાં આ તારીખોમાં વરસાદ પડવાની કરી આગાહી