Ahmedabad Rath Yatra: રથયાત્રામાં પરવાનગી વગર ઉડતું હતું ડ્રોન, એન્ટી ડ્રોન ગનથી તોડી પાડ્યું
વિશ્વવિખ્યાત રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાપુર અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પોલિસે ટેક્નોલોજી આધારિત હાઈ-એન્ડ સુરક્ષા ઉપાયો અમલમાં મૂક્યા છે.

અમદાવાદની રથયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. દરિયાપુર રૂટ પર પોલીસની એન્ટી ડ્રોન ગનની મદદથી એક ડ્રોન તોડી પાડવામાં આવ્યો હતો, જે પરમિશન વગર ઉડી રહ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં સતત વોચ રાખવામાં આવી રહી છે. પોલીસનો સ્પષ્ટ અહેવાલ છે કે રથયાત્રા દરમિયાન માત્ર અધિકૃત ડ્રોનને જ પરવાનગી આપવામાં આવી છે, અન્ય કોઈ પણ અજાણ્યા ડ્રોનને તરત નિશાન બનાવવામાં આવશે.
એન્ટી ડ્રોન ગન શું છે?
એન્ટી ડ્રોન ગન એ ખાસ પ્રકારનું ટેક્નોલોજીકલ ડિવાઈઝ છે, જે હવામાનમાં ઉડતા પરમિશન વગરના ડ્રોનના સિગ્નલને બ્લોક કરીને તેને ક્રેશ કરાવવાનું કાર્ય કરે છે. આનાથી ડ્રોનનું જીએમએસ, જીપીએસ અને નેટવર્ક કનેક્શન ખતમ થાય છે અને તે પોતાના લક્ષ્ય પર પહોંચતા પહેલા જ અટકી જાય છે.
અમદાવાદ પોલીસે જાહેરાત કરી છે કે રથયાત્રાના સંપૂર્ણ રૂટ પર, ખાસ કરીને દરિયાપુર, શાહપુર, જામાલપુર, અને કલુપુર વિસ્તારોમાં ઉચ્ચ સ્તરે સર્વેલન્સ ચાલી રહ્યું છે. દરેક મકાનની છત પર પોલીસની નજર છે અને કોઈ પણ પ્રકારની અણધાર્યા પ્રવૃત્તિ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે.